ઓછા સમયમાં ટેસ્ટ મેચ માટે તૈયાર થવું એ મોટો પડકારઃ મહિલા ક્રિકેટ ટીમની સુકાની
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ડિસેમ્બરમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે રમશે ટેસ્ટ મેચ

મેલબોર્નઃ લગભગ એક દાયકામાં ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ મેચ રમવાની તૈયારી કરી રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને લાગે છે કે વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે સૌથી મોટો પડકાર ટૂંકા સમયમાં લાંબી ફોર્મેટમાં તાલમેલ મેળવવાનો છે. ભારતીય ટીમને ઘરઆંગણે બે ટેસ્ટ મેચ રમશે, જે 14 ડિસેમ્બરથી નવી મુંબઈમાં ઈંગ્લેન્ડ સામે અને 21 ડિસેમ્બરથી મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમશે.
હરમનપ્રીત તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં માત્ર ત્રણ ટેસ્ટ મેચ રમી છે. તેના માટે સૌથી મોટી ચિંતા એ છે કે ભારતીય ટીમ પાસે રેડ-બોલ ક્રિકેટ રમવાનો પૂરતો અનુભવ નથી. હરમનપ્રીતે કહ્યું હતું કે અમે ટેસ્ટ શ્રેણી માટે ખરેખર ઉત્સાહિત છીએ, કારણ કે હું લાંબા સમયથી (2014) ઘરઆંગણે રમી નથી, તેથી હું તેના વિશે ખરેખર ઉત્સાહિત છું.
તેણે કહ્યું હતું કે અમારા માટે સૌથી મોટો પડકાર એ છે કે અમે ટેસ્ટ ક્રિકેટ રમ્યા નથી. અમે છેલ્લા ઘણા સમયથી માત્ર સફેદ બોલ (મર્યાદિત ઓવર) ક્રિકેટ જ રમી રહ્યા છીએ. હરમનપ્રીતે કહ્યું હતું કે ઘરેલુ ક્રિકેટમાં પણ અમે લાંબા ફોર્મેટમાં રમતા નથી, તેથી આટલા ઓછા સમયમાં ટેસ્ટ મેચ માટે તૈયાર થવું એ અમારા માટે સૌથી મોટો પડકાર છે.
હરમનપ્રીતે અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચમાં 38 રન કર્યા છે પરંતુ તેના નામે નવ વિકેટ છે જે તેણે નવેમ્બર 2014માં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી હોમ ટેસ્ટ મેચમાં લીધી હતી. આ સિવાય તેણે ઇંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચ રમી હતી.