હરભજન સિંહ નહીં પણ આ ભૂતપૂર્વ ક્રિકેટર બની શકે છે BCCIના નવા અધ્યક્ષ

મુંબઈ: 70 વર્ષની વય મર્યાદા પૂર્ણ થવાને કારણે રોજર બિન્નીએ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)ના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ નવા પ્રમુખ કોણ બનશે એ અંગે ઘણા તર્ક વિતર્કો થઇ રહ્યા છે. આ પદ માટે હરભજન સિંહ અને રઘુરામ ભટ્ટ જેવા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોના નામ પર ચર્ચા થઇ રહી હતી, એવામાં અહેવાલ છે કે દિલ્હીના ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર મિથુન મનહાસ BCCIના અધ્યક્ષ બની (Mithun Manhas BCCI president) શકે છે.
મિથુન મનહાસે 18 વર્ષની ફર્સ્ટકલાસ ક્રિકેટ કારકિર્દીમાં 157 મેચ રમી છે, જેમાં 9,714 રન બનાવ્યા છે. મિથુન મનહાસ દુલીપ ટ્રોફી માટે નોર્થ ઝોન કન્વીનર રહી ચુક્યા છે અને તેઓ IPL ફ્રેન્ચાઇઝ ગુજરાત ટાઇટન્સના સપોર્ટ સ્ટાફની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. હાલમાં તેઓ જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) ના એડમીન છે.

અહેવાલ મુજબ એક બેઠકમાં મનહાસને આ પદ માટે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મનહાસની પસંદગી આશ્ચર્યજનક માનવામાં આવી રહી છે.
આ પદો પણ ભરવામાં આવશે:
અહેવાલ મુજબ દેવજીત સાકિયા BCCIના સેક્રેટરી તરીકેની જવાબદારી નિભાવતા રહેશે, જ્યારે રાજીવ શુક્લા ઉપપ્રમુખ પદ પર બન્યા રહેશે. છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશનના પ્રભતેજ સિંહ ભાટિયાને જોઈન્ટ સેક્રેટરી પદ પર રહેશે. અરુણ ધુમલ IPL ચેરમેન બન્યા રહેશે.
BCCI એપેક્સ કાઉન્સિલ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ માટે પણ ચૂંટણીઓ યોજવાની છે. ભૂતપૂર્વ હોદ્દેદાર નિરંજન શાહના દીકરા જયદેવ શાહ એપેક્સ કાઉન્સિલમાં સામેલ થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો…સચિન તેંડુલકર BCCIના નવા પ્રમુખ બનશે! જાણો માસ્ટર બ્લાસ્ટરની કંપનીએ શું કહ્યું?