અંતે આ દેશની ક્રિકેટ ટીમે કરી કમાલ. 2024 ટી-20 વર્લ્ડકપ માટે ક્વોલિફાય

નવી દિલ્હીઃ નામિબિયાએ 2024માં રમાનારા ટવેન્ટી-2- વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. નામિબિયા આફ્રિકા ક્વોલિફાયરમાંથી ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની હતી. નામિબિયાની ટીમે પાંચમાંથી પાંચ મેચ જીતીને 2024 ટી-20 વર્લ્ડકપ માટે ક્વોલિફાય કર્યું હતું.
નામિબિયા ક્વોલિફાઈંગ સાથે ટી-20 વર્લ્ડ કપ માટે કુલ 19 સ્થાન નિશ્ચિત થઈ ગયા છે અને માત્ર એક જ જગ્યા ખાલી રહી છે. પહેલા ક્રમે રહેલી ઝિમ્બાબ્વે, કેન્યા અને યુગાન્ડામાંથી કોઇ એક ટીમને મળશે.
રિચાર્ડ ઇરાસ્મસની કેપ્ટનશીપ હેઠળના નામિબિયાએ ક્વોલિફાયર્સની છેલ્લી મેચમાં તાન્ઝાનિયાને 58 રને હરાવીને ટી-20 વર્લ્ડ કપ 2024માં સ્થાન હાંસલ કર્યું હતું. નામિબિયા સમગ્ર ક્વોલિફાયરમાં ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળ્યું હતું.
ટી-20 વર્લ્ડકપ 2024 માટે આફ્રિકા ક્ષેત્રની ક્વોલિફાયર 7 ટીમ વચ્ચે રમાઈ રહી છે, જેમાં નામીબિયાની ટીમે 5માંથી 5 મેચ જીતીને ટી20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય કરી લીધું છે.
અમેરિકા, વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, નેધરલેન્ડ, ન્યૂ ઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, આયરલેન્ડ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યુ ગીની, કેનેડા, નેપાળ, ઓમાન અને નામીબિયાની ટીમ અત્યાર સુધી ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય થઇ છે.
આ વખતે ટૂર્નામેન્ટની શરૂઆતમાં પાંચ ટીમના ચાર જૂથો પ્રથમ રાઉન્ડમાં એકબીજા સામે ટકરાશે. દરેક જૂથમાંથી ટોચની બે ટીમો સુપર 8માં આગળ વધશે જ્યાંથી ફરીથી સુપર 8ના અંતે ટોચની ચાર ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.