આખી ટીમ 12 રનમાં ઑલઆઉટ, ટી-20 ઇન્ટરનૅશનલમાં નવું સેકેંડ લોએસ્ટ ટોટલ

સૅનો (જાપાન): ક્રિકેટમાં નાના દેશો રમવા આવ્યા છે ત્યારથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં નવા વિક્રમો બનવા લાગ્યા છે. પછી એ રેકૉર્ડ બૅટિંગનો હોય કે બોલિંગનો, એ રેકૉર્ડ-બુકમાં તો લખાઈ જ જાય અને વર્ષો પહેલાંનો મુખ્ય ક્રિકેટ દેશના કોઈ ખેલાડીનો કે ટીમનો વિક્રમ નીચલા ક્રમે ધકેલાઈ જાય.
29 વર્ષનો કચ્છી ખેલાડી અલ્પેશ રામજિયાણી યુગાન્ડા જેવી ક્રિકેટના ક્ષેત્રની નવીસવી ટીમ છે, પણ તે 2023ની સાલના એક વિક્રમ સાથે ચમકી રહ્યો છે. એ વર્ષમાં તેણે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં કુલ પંચાવન વિકેટ લીધી હતી જે તમામ ક્રિકેટ-દેશોના બોલર્સની એ વર્ષની વિકેટોમાં સૌથી વધુ હતી. મુખ્ય દેશોમાં ભારતના ભુવનેશ્ર્વર કુમારની 37 વિકેટ સૌથી વધુ હતી.
હવે અહીં મુખ્ય મુદ્દો એ છે કે જાપાને બુધવારે ટી-20 ઇન્ટરનૅશનલમાં કમાલ કરી નાખી હતી. મોંગોલિયાની ટીમને જાપાને ફક્ત 12 રનમાં ઑલઆઉટ કરી નાખી હતી અને 205 રનના વિક્રમી તફાવતથી વિજય મેળવ્યો હતો. 12 રન ટી-20 ઇન્ટરનૅશનલમાં સેક્ધડ લોએસ્ટ ટોટલ છે.
જાપાને સબાઓરિશ રવિચન્દ્રનના 69 રનની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં મોંગોલિયાની ટીમ ફક્ત 12 રનમાં આઉટ થઈ ગઈ હતી. નવાઈ તો એ વાતની છે કે મોંગોલિયાની ઇનિંગ્સ છેક નવમી ઓવર સુધી ચાલી હતી. એના 12 રન 8.2 ઓવરમાં બન્યા હતા.
આઇસલ ઑફ મૅન્સ નામના ટચૂકડા દેશની ટીમ ફેબ્રુઆરી, 2023માં સ્પેન સામે માત્ર 10 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને લોએસ્ટ ટીમ-સ્કોર્સમાં એ લોએસ્ટ છે.
બુધવારે જાપાન વતી 17 વર્ષના લેફ્ટ-આર્મ સીમ બોલર કાઝુમા કાતો-સ્ટૅન્ફર્ડે સાત રનમાં પાંચ વિકેટ, અબ્દુલ સામદે ચાર રનમાં બે અને માકોતો તાનિયામાએ શૂન્યમાં બે વિકેટ લીધી હતી.
મોંગોલિયા વતી તુર સુમાયાએ અગિયાર બૉલમાં ચાર રન બનાવ્યા હતા અને તેના એ રન ટીમમાં હાઈએસ્ટ હતા. ઓપનર નમ્સરાઇ બાટ-યાલાલ્ટ 12 બૉલ રમ્યો હતો અને આખી ટીમમાં સૌથી બૉલ તે રમ્યો હતો.
મોંગોલિયાએ જાપાન સામે સાત મૅચની ટી-20 સિરીઝ રમવાની છે જેમાંની આ હજી બીજી મૅચ હતી. પ્રથમ મૅચમાં મોંગોલિયાની ટીમ 33 રનમાં આઉટ થઈ ગઈ હતી.
મોંગોલિયાએ એશિયન ગેમ્સમાં ડેબ્યૂ કર્યા બાદ ક્રિકેટમાં એને હજી સાત મહિના જ થયા છે.