ઇંગ્લેન્ડે છીનવ્યો ભારતનો વર્લ્ડ રેકોર્ડ! આ ટીમને હરાવી ODI ક્રિકેટમાં સૌથી મોટી જીત નોંધાવી

સાઉથમ્પ્ટન: વર્ષ 2023માં તિરુવનંતપુરમમાં રમાયેલી ODI મેચમાં ભારતીય ટીમે શ્રીલંકન ટીમને 317 રનથી હરાવીને રેકોર્ડ સજ્યો હતો, ભરતીય ટીમે ODI ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત નોંધાવી હતી. હવે ભારતીય ટીમ પાસેથી આ વર્લ્ડ રેકોર્ડ છીનવાઈ ગયો છે. ગઈ કાલે સાઉથમ્પ્ટન ખાતે ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા સામે 342 રનથી જીત મેળવી હતી, આમ ઇંગ્લેન્ડે ODI ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીત નોંધાવી છે.
ઇંગ્લેન્ડ અને દક્ષીણ આફ્રિકા વચ્ચેની રમાઈ રહેલી ODI સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ ગઈ કાલે સાઉથમ્પ્ટનના યુટિલિટા બાઉલ મેદાનમાં રમાઈ હતી. મેચમાં ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાએ પહેલા બોલિંગ કરવાની નિર્ણય લીધો હતો, જો કે આ નિર્ણય દક્ષિણ આફ્રિકાને ભારે પડ્યો.
ઇંગ્લેન્ડની ધુંઆધાર બેટિંગ:
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમના બેટર્સે તાબડતોબ બેટિંગ કરી હતી અને સ્કોર બોર્ડ પર 414 રનનો તોતિંગ સ્કોર ખડકયો હતો. જેકબ બેથેલ (110) અને જો રૂટ (100) શાનદાર સદી ફટકારી. જેમી સ્મિથ અને જોસ બટલરે પણ ફિફ્ટી ફટકારી.
દક્ષિણ આફ્રિકાની બેટિંગ નિષ્ફળ:
ઇંગ્લેન્ડ બાદ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી, 10 રનના સ્કોર પહેલા જ દક્ષિણ આફ્રિકાની 4 વિકેટ પડી ગઈ. ત્યાર બાદ 20.5 ઓવરમાં ફક્ત દક્ષિણ આફ્રિકાની ટીમ 72 રનમાં ઓલ આઉટ થઇ ગઈ. દક્ષિણ આફ્રિકાના માત્ર ત્રણ ખેલાડીઓ ટ્રિસ્ટન સ્ટબ્સ, કોર્બિન બોશ અને કેશવ મહારાજ જ 10 રનના સ્કોર સુધી પહોંચી શક્યા. જોફ્રા અર્ચારે 9 ઓવરમાં 18 રન આપીને 4 વિકેટ લીધી.
ઇંગ્લેન્ડે રેકોર્ડ બનાવ્યો પણ ઘરઆંગણે સિરીઝ ગુમાવી:
છેલ્લી મેચમાં દક્ષીણ આફ્રિકાની 342 રને શરમજનક હાર થઇ અને ઇંગ્લેન્ડે ODI ક્રિકેટ ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત નોંધાવી. સિરીઝની ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને નિરાશાજનક હાર મળી પરંતુ, દક્ષિણ આફ્રિકાએ આ ત્રણ મેચની સિરીઝ 2-1થી જીતી લીધી.
આપણ વાંચો: સાઉથ ઝોન અને સેન્ટ્રલ ઝોન દુલીપ ટ્રોફીની ફાઇનલમાં