જૉકોવિચની શૉકિંગ એક્ઝિટ : હાર્યા પછી બોલ્યો “ગ્રેન્ડ સ્લેમમાં આ મારો સૌથી ખરાબ પરફોર્મન્સ”

મેલબર્ન: સર્બીયાનો સુપરસ્ટાર ટેનિસ પ્લેયર નોવાક જૉકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિક્રમજનક 11મું ટાઇટલ જીતવાના આશય સાથે એક પછી એક મૅચ જીતીને આગળ વધી રહ્યો હતો, 25મું ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ જીતવા માગતો હતો, ઓસ્ટ્રેલિયન ઓપનમાં સેમી ફાઇનલ અને ફાઇનલનો ૧૦-૦નો રેકોર્ડ અકબંધ રાખવા મક્કમ હતો, અહીં 2018માં હાર્યા પછી એક પણ મેચ હાર્યો નહોતો અહીં મેલબર્નમાં 2195 દિવસ સુધી અપરાજિત રહ્યો હતો તેમ જ઼ લાગલગાટ 33 મેચ જીત્યો હતો, પરંતુ 36 વર્ષના આ લેજન્ડરી ટેનિસ પ્લેયર ને ઈટલીનો યાનિક સિનર શુક્રવારે ભારે પડી ગયો હતો.
સિનરે આ ડિફેન્ડિંગ ચેમ્પિયનને 6-1 6-2, 6-7 (6-8) 6-4થી હરાવીને પહેલી વાર ગ્રેન્ડ સ્લેમની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
જૉકોવિચ ટૂર્નામેન્ટની બે ટીનેજર સામે જે રીતે ભારે સંઘર્ષ બાદ જીત્યો ત્યારે જ લાગતું હતું કે આ ટૂર્નામેન્ટમાં ફાઇનલ સુધી પહોંચવું જૉકોવિચ માટે મુશ્કેલ છે.
શુક્રવારે મૅચ પછી જૉકોવિચ આ દર્દભરી હારથી એકદમ હતાશ થઈને પત્રકારો સામે બેઠો હતો. તેણે જર્નાલિસ્ટોને કહ્યું “મારા ગ્રેન્ડ સ્લેમના ઇતિહાસમાં આ મારી સૌથી ખરાબ હાર છે મને મારા જ પરફોર્મન્સથી આંચકો લાગ્યો છે સિનરે ચડિયાતું પફોર્મ કર્યું અને ફાઇનલમાં જવા માટે તે જ લાયક હતો.”
સિનર માટે આ વિજય ખાસ એ માટે પણ હતો કે જૉકોવિચને એમાં તેણે એક પણ બ્રેક-પોઇન્ટ નહોતો લેવા દીધો. જૉકોવિચની ગ્રેન્ડ સ્લેમ કરિયરમાં આવું પહેલી જ વખત બન્યું છે.