જૉકોવિચને કઈ ચાર મુશ્કેલી નડી અને 100મું ટાઇટલ ન જીતી શક્યો?
54મી રૅન્કવાળા 19 વર્ષના ટીનેજરે 37 વર્ષના સર્વશ્રેષ્ઠ ટેનિસ પ્લેયરને સ્ટ્રેઇટ સેટથી હરાવ્યો

માયામી ગાર્ડન્સઃ ટેનિસ (Tennis) જગતનો એક સમયનો નંબર-વન અને હાલમાં પાંચમી રૅન્ક ધરાવતા સર્બિયાના નોવાક જૉકોવિચ (Novak Djokovic)ને રવિવારે માયામી ઓપનની ફાઇનલ જીતીને શાનદાર કારકિર્દીનું 100મું ટાઇટલ તેમ જ સાતમું માયામી (Miami) ટાઇટલ જીતવાનો સુવર્ણ મોકો હતો, પણ તે ચાર પ્રકારની મુશ્કેલીને લીધે એમાં સફળ નહોતો થઈ શક્યો. પરિણામ એ આવ્યું કે તે માયામીની ફાઇનલમાં સીધા સેટથી પરાજિત થયો હતો.
ટેનિસ જગતમાં 54મી રૅન્ક ધરાવતા ઝેક રિપબ્લિકના 19 વર્ષના યાકુબ મેન્સિકે (Jakub Mensik) 37 વર્ષના જૉકોવિચને નિર્ણાયક મુકાબલામાં 7-4, 7-4થી પરાજિત કરીને પહેલી વાર (ATP) એટીપી (અસોસિયેશન ટેનિસ પ્રોફેશનલ્સ) ટાઇટલ જીતી લીધું હતું.
આપણ વાંચો: ગુજરાતી ખેલાડી માનવ ઠક્કર ભારતીય ટેબલ ટેનિસમાં બની ગયો નંબર-વન…
વાત એવી છે કે આ ફાઇનલ વરસાદને કારણે સાડા પાંચ કલાક મોડી શરૂ થઈ હતી. બીજું, જૉકોવિચને આંખમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું જેને લીધે તેને પૂર્વતૈયારીમાં થોડી તકલીફ થઈ હતી. ત્રીજું, વરસાદ પડવાની સાથે હવામાં ખૂબ ભેજ હતો અને એની સીધી વિપરીત અસર ટેનિસ કોર્ટ પર પડી હતી.
ટેનિસ કોર્ટની ફરસ લપસણી હોવાથી 37 વર્ષીય જૉકોવિચને આસાનીથી રમવામાં મુશ્કેલી પડી હતી. ચોથું, ટીનેજ હરીફ ખેલાડી યાકુબે શરૂઆતથી જૉકોવિચને જોરદાર વળતી લડત આપી હતી અને તેને એક પણ સેટ નહોતો જીતવા દીધો અને બન્ને સેટ 7-4, 7-4થી જીતીને ટ્રોફી પર કબજો કરી લીધો હતો.
આપણ વાંચો: ડૉપ ટેસ્ટમાં નિષ્ફળ ટેનિસ ખેલાડી સિનરને ઝટકોઃ લોરિયસ સ્પોર્ટ્સમેનના નોમિનેશનમાંથી હટાવ્યો…
જૉકોવિચ તમામ ટેનિસ ખેલાડીઓમાં સૌથી વધુ 24 ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો છે. 2008માં તે પહેલું ટાઇટલ જીત્યો ત્યારે યાકુબ મેન્સિક ત્રણ વર્ષનો હતો. યાકુબે રવિવારે જૉકોવિચને ફાઇનલમાં હરાવ્યા પછી કહ્યું, હું નાનો હતો ત્યારે તમારી મૅચો જોઈને જ મને ટેનિસ રમવાનો શોખ જાગ્યો હતો અને એમાં કારકિર્દી બનાવવાનો જોશ આવ્યો હતો.
તમે મારા આદર્શ છો.' જૉકોવિચે ફાઇનલ પછી પ્રેક્ષકોને સંબોધતા યાકુબ માટે કહ્યું હતું કે
આ યાકુબ મેન્સિક અને તેના પરિવાર માટે આનંદનો અવસર છે. હું આવી બહુ ઓછી અદ્ભુત ટૂર્નામેન્ટ રમ્યો છું. મને કહેતા થોડો ખચકાટ થાય છે, પરંતુ કહીશ કે તું મારા કરતાં સારું રમ્યો. તેં કટોકટીના સમયે મારાથી ચડિયાતું પર્ફોર્મ કર્યું. તારા જેવા યુવા ખેલાડી માટે આ બહુ સારો સંકેત છે.’