વિમ્બલ્ડનમાં જૉકોવિચે ફેડરર જેવો જ વિક્રમ રચ્યો, રબાકિના બીજા ટાઇટલની નજીક

લંડન: ટેનિસની સૌથી મોટી સ્પર્ધા વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપમાં સર્બિયાનો નોવાક જૉકોવિચ (Novak Djokovic) 13મી વખત સેમિ ફાઇનલમાં પહોંચ્યો છે. તેણે ભૂતપૂર્વ ખેલાડી રોજર ફેડરર (Roger Federer)ની બરાબરી કરી છે. ફેડરર પણ 13 વાર આ સૌથી લોકપ્રિય ટેનિસ સ્પર્ધાની સેમિમાં પહોંચ્યો હતો અને અત્યાર સુધી તેના નામે આ વિક્રમ હતો જે હવે સંયુક્ત વિક્રમ બની ગયો છે.
ઑસ્ટ્રેલિયાના ઍલેક્સ ડીમિનૉરે સાથળની ઈજાને કારણે ક્વૉર્ટર ફાઇનલમાં ન રમવાનું જાહેર કરતા તેના હરીફ ખેલાડી જૉકોવિચને સહેલાઈથી સેમિ ફાઇનલમાં જવા મળી ગયું હતું.
આ પણ વાંચો: Wimbledon 2024: વિમ્બલ્ડનનો તાજ જીતનાર બની જશે ‘કરોડોપતિ’: ઇનામી રકમમાં તોતિંગ વધારો કરાયો
સોમવારે ચોથા રાઉન્ડની મૅચમાં ડીમિનૉરે આર્થર ફિલ્સને 6-2, 6-4, 4-6, 6-3થી હરાવ્યો હતો. ખુદ ડીમિનૉરે મંગળવારે કહ્યું હતું કે એ મુકાબલા દરમ્યાન તેની ઈજા વકરી ગઈ હતી. જોકે તેણે પત્રકારો સમક્ષ ઈજાનો અણસાર નહોતો આવવા દીધો.
જૉકોવિચ 24માંથી સાત ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ વિમ્બલ્ડનમાં જીત્યો છે. સેમિમાં તેનો મુકાબલો ટેલર ફ્રિટ્ઝ અને લૉરેન્ઝો મુસેટ્ટી વચ્ચેના મુકાબલાના વિજેતા સામે નક્કી થવાનો હતો.
મહિલાઓમાં 2022ની ચૅમ્પિયન એલેના રબાકિના બીજા વિમ્બલ્ડન ટાઇટલની નજીક પહોંચી છે. તેણે કવૉર્ટરમાં એલિના સ્વિતોલિનાને 6-3, 6-2થી હરાવી દીધી હતી.
રબાકિના આ સ્પર્ધામાં ફોર્થ-સીડેડ છે અને પહેલી ત્રણેય ક્રમાંકિતો સ્પર્ધાની બહાર થઈ ગઈ છે. રબાકિના સેમિમાં 31મા નંબરની બાર્બોરા ક્રેસિકોવા સામે રમશે.