નવી દિલ્હી: આપણી 140 કરોડની જનતામાંથી સવાસો જેટલા ઍથ્લીટો અને ખેલાડીઓ મેડલ જીતવાની મોટી આશા-અપેક્ષા સાથે પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેવા ગયા હતા, પરંતુ એક સિલ્વર તથા પાંચ બ્રૉન્ઝ સહિત કુલ મળીને ફક્ત છ મેડલ ભારતને મળી શક્યા.
ઘણા નિષ્ફળ સ્પર્ધકોમાંથી એવા કેટલાક હતા જેઓ જરાક માટે બ્રૉન્ઝ મેડલ ચૂકી ગયા હતા અને બૅડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન એમાંનો એક હતો. લક્ષ્યને સોશિયલ મીડિયામાં અનેક તરફથી દિલાસો મળ્યો હતો, પણ અભિનેત્રી દીપિકા પદુકોણે તેને ખાસ ફોન કરીને સાંત્વન આપ્યું હતું.
23 વર્ષનો લક્ષ્ય સેન કૉમનવેલ્થ ગેમ્સનો અને થૉમસ કપનો ગોલ્ડ મેડલલિસ્ટ છે. 2022ની સાલમાં તે મેન્સ બૅડમિન્ટનના રૅન્કિંગમાં છઠ્ઠા નંબરે હતો. તે ભારત વતી ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ જીતી ચૂક્યો છે.
ભારતીય બૅડમિન્ટનના લેજન્ડ પ્રકાશ પદુકોણ પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય બૅડમિન્ટન ખેલાડીઓના કોચ હતા.
ઑલિમ્પિક્સ પહેલાં લક્ષ્ય સેન જબરદસ્ત ફૉર્મમાં હતો, પરંતુ સેમિ ફાઇનલમાં ડેન્માર્કના જગવિખ્યાત ખેલાડી વિક્ટર ઍક્સલસેન સામે હારી ગયો હતો અને બ્રૉન્ઝ મેડલ માટેના મુકાબલામાં મલેશિયાના લી ઝી જિઆ સામે પણ પરાજિત થયો હતો. બન્ને મૅચમાં લક્ષ્ય જીતની નજીક આવ્યા પછી હારી ગયો હતો. ઑલિમ્પિક ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતનો એક પણ પુરુષ ખેલાડી મેડલ નથી જીતી શક્યો.
આ પણ વાંચો: લક્ષ્ય સેન બ્રૉન્ઝ પણ ચૂક્યો, 12 વર્ષમાં પહેલી વાર ભારત બૅડમિન્ટનના મેડલથી વંચિત
કોચ પ્રકાશ પદુકોણ શિસ્તપાલનના આગ્રહી છે. ખુદ લક્ષ્ય સેને કહ્યું હતું કે ‘ઑલિમ્પિક્સ દરમ્યાન પ્રકાશ સરે મારો મોબાઈલ લઈ લીધો હતો.’
બ્રૉન્ઝ મેડલ પણ ન જીતી શક્તાં પ્રકાશ પદુકોણે લક્ષ્યને દિલાસો આપ્યો જ હતો, તેમની પુત્રી અને બૉલીવૂડની અભિનેત્રી દીપિકા પદુકોણે પણ લક્ષ્યને ફોન કરીને તેને સાંત્વન આપ્યું હતું. દીપિકાએ તેને કૉલ કરીને કહ્યું હતું કે ‘તું બહુ સારું રમ્યો. હારી ગયો એનો વધુ અફસોસ ન કર.’
લક્ષ્ય સેને ઑલિમ્પિક્સમાંના પરાજય બાદ કહ્યું હતું કે ‘પ્રકાશ સર મારા મેન્ટર તો છે જ, મારા પિતા સમાન છે. મને જ્યારે પણ કોઈ સલાહની જરૂર પડે ત્યારે તેઓ અચૂક મને માર્ગદર્શન આપે છે. હું તેમની સાથે કોઈ પણ પ્રકારના ભય વગર વાતચીત કરતો હોઉં છું.’