IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

CSK vs SRH highlights: ચેપૉકમાં ચેન્નઈ જ કિંગ, બિગ-હિટર્સવાળું હૈદરાબાદ પરાસ્ત

કમિન્સની 'સાવજ' ટીમ ગાયકવાડ ઇલેવન સામે 'મ્યાંઉ': દેશપાંડેનો ચાર વિકેટનો તરખાટ

ચેન્નઈ: ચેપૉકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદ અગાઉ કયારેય જીત્યું નહોતું અને એ પરંપરા રવિવારે પણ જળવાઈ. આ સીઝનમાં હાઇ સ્કોરિંગના ધમાકા શરૂ કરીને અને રેકોર્ડ-બ્રેક સ્કોર્સ પોતાના નામે કરતા રહીને ઘણી હરીફ ટીમોને થથરાવી દેનાર પૅટ કમિન્સની હૈદરાબાદની ટીમે ચેન્નઈમાં ઋતુરાજ ગાયકવાડ ઇલેવન સામે સાવ ઘૂટણિયા ટેકવ્યા હતા. હૈદરાબાદે બૅટિંગ લઈને વધુ એક ઊંચો સ્કોર કરવાની તક મળવા છતાં ચેન્નઈના બોલિંગ-આક્ર્મણથી ‘ડરીને’ પહેલા ફીલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું.

જોકે અસહ્ય ગરમી સાથે ખૂબ ભેજ પણ હતો એટલે પછીથી રાત્રે ચેન્નઈના બોલર્સને બૉલ પર ગ્રિપ મેળવવામાં તકલીફ પડી શકે એવો પણ કમિન્સનો મત હતો.

ચેન્નઈને સસ્તામાં આઉટ કરવાની હૈદરાબાદની મનોકામના પૂરી નહોતી થઈ અને તેમને 200-પ્લસનો સ્કોર નોંધાવતા રોકી નહોતા શક્યા. ચેન્નઈના 212/3ના જવાબમાં હૈદરાબાદ 18.5 ઓવરમાં માત્ર 134 રને ઓલઆઉટ થઈ જતાં ચેન્નઈનો 78 રનથી વિજય થયો હતો.


ચેન્નઈ ત્રીજા નંબર પર આવી ગયું છે. જોકે એની જેમ ચોથા સ્થાનના હૈદરાબાદ સહિત ચાર ટીમના 10-10 પોઇન્ટ છે. રાજસ્થાન 16 પોઇન્ટ સાથે અવ્વલ છે.


રવિવારે તુષાર દેશપાંડે (3-0-27-4) ચેન્નઈનો સૌથી સફળ બોલર હતો. તેણે પાવરપ્લેમાં ત્રણ વિકેટ લીધી હતી. મુસ્તફિઝૂર તથા પથિરાનાએ બે-બે વિકેટ અને જાડેજા-શાર્દુલે એક-એક વિકેટ લીધી હતી. આ ટૂર્નામેન્ટના ફર્સ્ટ હાફમાં સ્ટેડિયમો ગજવી નાખનાર હૈદરાબાદના બૅટર્સ ચેન્નઈ સામે ફ્લૉપ રહ્યા હતા. ટ્રેવિસ હેડ (13 રન), અભિષેક શર્મા (15)ની વિકેટ દેશપાંડેએ તેમ જ એઈડન માર્કરમ (32) તથા હિન્રિચ ક્લાસેન (20)ની વિકેટ પથિરાનાએ લીધી હતી. બીજો કોઈ બૅટર 20 રન પણ નહોતો કરી શક્યો.


ઋતુરાજ ગાયકવાડ (98 રન, 54 બૉલ, ત્રણ સિક્સર, દસ ફોર) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. એ પહેલાં, ચેન્નઈએ હૈદરાબાદ સામેના આ મહત્ત્વના મુકાબલામાં પ્રથમ બૅટિંગ કરવાની તક મળ્યા પછી 20 ઓવરમાં ત્રણ વિકેટે 212 રન બનાવ્યા હતા.


ઋતુરાજ ગાયકવાડ 20મી ઓવરમાં 200 રનના ટોટલ પર નટરાજનના બૉલમાં ઉતાવળે સદી પૂરી કરવા જતાં લૉન્ગ-ઑન પર નીતિશ રેડ્ડીને આસાન કૅચ આપી બેઠો હતો અને બે રન માટે સતત બીજી સદી ચૂક્યો હતો. જોકે તે ફરી એકવાર કૅપ્ટન્સ ઇનિંગ્સ રમ્યો હતો. 23મી એપ્રિલે ચેન્નઈમાં જ તેણે લખનઊ સામે અણનમ સદી (108 રન) ફટકારી હતી.

ગાયકવાડની ડેરિલ મિચલ સાથે બીજી વિકેટ માટે 107 રનની અને શિવમ દુબે સાથે 74 રનની ભાગીદારી થઈ હતી.
એમએસ ધોનીને ફરી એકવાર ટીમની ઇનિંગ્સની છેવટની પળો રમવા મળી હતી. તેણે એક ફોર સાથે પાંચ રન બનાવ્યા હતા અને લાગલગાટ સાતમી વાર અણનમ રહ્યો હતો. તે આ સીઝનમાં હજી સુધી આઉટ નથી થયો. શિવમ દુબે (39 રન, 20 બૉલ, ચાર સિક્સર, એક ફોર) પણ છેક સુધી આઉટ નહોતો થયો.


ઓપનર અજિંક્ય રહાણે (9 રન) ફરી એકવાર સારું નહોતો રમી શક્યો. જોકે ડેરિલ મિચલે 32 બૉલમાં બાવન રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું. હૈદરાબાદના ભુવનેશ્ર્વર, નટરાજન અને ઉનડકટને એક-એક વિકેટ મળી હતી.
હૈદરાબાદે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરીને સૌને આશ્ર્ચર્યમાં મૂકી દીધા હતા, કારણકે અત્યાર સુધી પ્રથમ બૅટિંગ મળતાં હૈદરાબાદે 277 રન, 287 રન અને 266 રનના તોતિંગ સ્કોર નોંધાવ્યા હતા અને હવે જ્યારે પહેલા બૅટિંગ કરવાનો મોકો મળ્યો તો એનો લાભ નહોતો લીધો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…