પ્રથમ વખત ક્રિકેટના મેદાન પર જોવા મળી બે ઘટનાઃ ચાલુ મેચમાં છવાયો અંધારપટ અને મેદાનમાંથી એમ્બ્યુલન્સથી બહાર ગયો ખેલાડી…

નવી દિલ્હીઃ ન્યૂ ઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી વન ડેમાં ન્યૂ ઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 42 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 264 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 40 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચ દરમિયાન બનેલી બે ઘટનાએ સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું હતું.
પાકિસ્તાનના ઓપનર ઇમામ ઉલ હક ઇજાગ્રસ્ત થયા બાદ રિટાયર્ડ થયો હતો. મેચ દરમિયાન ન્યૂ ઝીલેન્ડના ફિલ્ડરે બોલને થ્રો કર્યો હતો. આ બોલ ઇમામના હેલમેટમાં ઘૂસી ગયો અને તેના ચહેરા પર વાગ્યો. મેચ દરમિયાન મેદાન પાંચ મિનિટ માટે અંધારું થઈ ગયું હતું. જેકબ ડફીએ બોલ ફેંકતાની સાથે જ ફ્લડલાઇટ્સ બંધ થઈ ગઈ અને મેદાનમાં અંધારપટ છવાઈ ગયો હતો. આવી સ્થિતિમાં કોઈને શું થયું અને બોલ ક્યાં ગયો તેની ખબર પડી નહોતી.
ઈમામ રિટાયર્ડ હર્ટ
મેચ દરમિયાન, 265 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ઇમામ ઉલ હક અને અબ્દુલ્લા શફીક મેદાન પર આવ્યા હતા. વિલિયમ ઓ’રોર્ક ઇનિંગની ત્રીજી ઓવર ફેંકતો હતો. ઓવરના ત્રીજા બોલ પર ઇમામે ઓફ સાઈડ પર રમીને રન લેવાનો પ્રયાસ કર્યો. નોન-સ્ટ્રાઈકર એન્ડ પરનો થ્રો સીધો ઇમામના હેલમેટ પર વાગ્યો અને હેલમેટની અંદર ઘૂસી ગયો. આના કારણે ઇમામ ઘાયલ થયો અને પીડાથી કણસતા જોવા મળ્યો હતો. તબીબી ટીમે તેમની સારવાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ફરીથી બેટિંગ કે ચાલવાની સ્થિતિમાં ન હતા. આ પછી, એક મીની એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. તે રિટાયર્ડ હર્ટ થયો અને બાદમાં તેને કન્કશન રિપ્લેસમેન્ટ કરરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: રિષભ પંત ચોથી વાર પણ ફ્લૉપ, કૅપ્ટને જ કૅપ્ટનની વિકેટ લીધી
મેદાનમાં છવાયો અંધારપટ
ઉસ્માન ખાન ઇમામના કોન્કશન સબસ્ટિટ્યુટ તરીકે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો અને 17 બોલમાં 12 રન બનાવ્યા. આ દરમિયાન, શફીકે 33 રન અને બાબર આઝમે 50 રન બનાવ્યા. મોહમ્મદ રિઝવાન 37 રન અને તૈયબ તાહિર ૩૩ રન બનાવી શક્યા. ઇનિંગ દરમિયાન, 39મી ઓવરમાં સ્ટેડિયમમાં બ્લેકઆઉટ થઈ ગયું હતું.
આ પણ વાંચો: નવેમ્બરમાં દિલ્હીમાં `પ્રદૂષણની પરાકાષ્ઠા’ છતાં સાઉથ આફ્રિકા સામે રમાશે ટેસ્ટ!
39મી ઓવરમાં, જેકબ ડફીએ ચોથો બોલ તેના હાથમાંથી છોડતાંની સાથે જ બધી ફ્લડલાઇટ્સ બંધ થઈ ગઈ અને મેદાનમાં અંધારપટ છવાઈ ગયો હતો. તે સમયે તૈયબ તાહિર સ્ટ્રાઈક પર હતો અને તે બોલની લાઇનથી દૂર ગયો. કોઈને ખબર નહોતી કે બોલ ક્યાં ગયો અને કદાચ બોલ બાઉન્ડ્રી લાઇન પાર કરી ગયો હતો. પાંચ મિનિટ પછી ફ્લડલાઇટ ફરી ચાલુ થઈ અને રમત શરૂ થઈ. રમત શરૂ થતાં જ તૈયબ તાહિર આઉટ થઈ ગયો. આ બંને ઘટનાઓ પહેલી વાર મેચ દરમિયાન જોવા મળી હતી.