
ભારત માટે રમતગમતના ક્ષેત્રે એક ઐતિહાસિક દિવસ સાબિત થઈ રહ્યો છે. દેશને 2030 કોમનવેલ્થ ગેમ્સ (CWG)ના યજમાનપદ માટે સત્તાવાર મંજૂરી મળવાની તૈયારી છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટ્સની જનરલ એસેમ્બલીમાં બુધવારે એટલે કે આજે સાંજે આ અંગેની ઔપચારિક જાહેરાત થવાની ધારણા છે. નાઇજીરીયાના પ્રસ્તાવને હરાવીને ભારતે આ અધિકાર મેળવ્યો છે, જે દેશની રમતગમતની મહત્વાકાંક્ષા માટે એક મોટું પગલું છે.
ઉલ્લેખનીય વાત એ છે કે કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતમાં અમદાવાદમાં કરવા જઈ રહ્યુ છે. જે હવે આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર ચમકવા માટે તૈયાર છે. આ અંગેની સત્તાવાર જાહેરાત ભારતીય સમયાનુસાર સાંજે ૬:૩૦ વાગ્યાની આસપાસ થવાની શક્યતા છે.
2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાન શહેર બનવા માટે અમદાવાદ સંપૂર્ણપણે તૈયાર છે. શહેર દ્વારા તેની રમતગમત સુવિધાઓને ઝડપથી અપગ્રેડ કરવામાં આવી રહી છે અને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ કરવામાં આવ્યું છે. આ ગેમ્સ માટે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવને મુખ્ય સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. અહીં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ઉપરાંત એક્વેટિક્સ સેન્ટર, ફૂટબોલ સ્ટેડિયમ અને ઇન્ડોર સ્પોર્ટ્સ એરેના જેવી અદ્યતન સુવિધાઓ હશે. આ ઉપરાંત, ૩,૦૦૦ ખેલાડીઓને સમાવી શકે તેવા એથ્લેટ્સ વિલેજનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૩૦ CWG પહેલા કેન્દ્ર સરકાર ગુજરાતના આ શહેરને ભારતના તમામ મુખ્ય રમતગમત કાર્યક્રમોનું યજમાન બનાવવાની યોજના ધરાવે છે. તાજેતરમાં અહીં ICC મેન્સ ODI વર્લ્ડ કપ ૨૦૨૩ ફાઇનલ, IPL ફાઇનલ, કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સ અને એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ્સ ૨૦૨૫ જેવી મુખ્ય સ્પર્ધાઓ યોજાઈ ચૂકી છે.
કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ ભારતના રમતગમતના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. માત્ર CWG જ નહીં, પરંતુ ભારતે ૨૦૩૬ ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે પણ સત્તાવાર રીતે દાવેદારી નોંધાવી છે, જેમાં ફરીથી અમદાવાદને મુખ્ય સ્થળ તરીકે ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે.
ભારતે ૨૦૩૦ની ગેમ્સને એક ભવ્ય અને વ્યાપક કાર્યક્રમ તરીકે યોજવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેમાં ૨૦૨૬ની ગેમ્સમાંથી પડતા મૂકાયેલા રમતગમતના વિષયોનો પણ સમાવેશ કરવામાં આવશે. ગ્લાસગોમાં ભારતીય પ્રતિનિધિમંડળમાં સંયુક્ત સચિવ (રમતગમત) કુણાલ, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પી.ટી. ઉષા અને ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો હાજર છે.
ભારતે આ પહેલા વર્ષ ૨૦૧૦માં નવી દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. તે સમયે ઘરઆંગણાના પ્રેક્ષકો સામે ભારતે પ્રેરણાદાયક પ્રદર્શન કર્યું હતું અને કુલ ૧૦૧ મેડલ જીતીને મેડલ ટેબલમાં બીજા સ્થાને રહ્યું હતું, જે ભારતનું CWGમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ઓસ્ટ્રેલિયાએ ૧૭૭ મેડલ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું.
કોમનવેલ્થ ગેમ્સ એ બ્રિટિશ શાસન હેઠળ રહેલા દેશોના ખેલાડીઓ માટેની આંતરરાષ્ટ્રીય બહુ-રમતગમતની ઇવેન્ટ છે, જેમાં હાલમાં ૫૪ સભ્ય રાષ્ટ્રો ભાગ લે છે. આ ગેમ્સની શરૂઆત ૧૯૩૦માં હેમિલ્ટન (કેનેડા) ખાતે બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે થઈ હતી, જેનું નામ ૧૯૭૮માં બદલીને ‘કોમનવેલ્થ ગેમ્સ’ કરવામાં આવ્યું હતું.



