‘ટીમમાં કંઈક ગડબડ છે…’ કોલકાતા ટેસ્ટમાં હારને આ પૂર્વ ખેલાડીઓએ અસ્વીકાર્ય ગણાવી

કોલકાતા: ઈડન ગાર્ડન્સમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની શરમજનક હાર થઇ, મેચ પુરા ત્રણ દિવસ પણ ન ચાલી શકી. બીજી ઇનિંગમાં 124 રન ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 93માં જ ઓલ આઉટ થઇ ગઈ અને 30 રનથી મેચ હારી ગઈ હતી. આ હાર બાદ સોશિયલ મીડિયા પર ટીમની ભારે ટીકા કરવામાં આવી રહી છે, એવામાં ટીમના પૂર્વ દિગ્ગજ બેટર પચેતેશ્વર પૂજારાએ ટીમમાં કંઇક ગડબડ હોવાની શંકા વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે તાજેતરમાં ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીઓ રવિચંદ્રન અશ્વિન, વિરાટ કોહલી, રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા એ એક પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. સિનીયર ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતીય ટીમ ટ્રાન્ઝિશન ફેઝ(પરિવર્તનનો ગાળો)માંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં શુભમન ગિલને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો.
એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાતચીત દરમિયાન પૂજારાએ કહ્યું કે ભારતીય ટીમમાં એકથી વધીને એક પ્રતિભાશાળી ખેલાડીઓ છે. ભારતીય ટીમે ઘરઆંગણે તો મેચ ના જ હારવી જોઈએ. પૂજારાએ કહ્યું, ” પરિવર્તનને કારણે ભારતીય ટીમ આપણા દેશમાં હારે તે હકીકત પચે એવી નથી.”
કંઈક ગડબડ છે:
પૂજારાએ કહ્યું, “ટ્રાન્ઝિશન ફેઝને કારણે ટીમ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન હારી ગઈ, જે કદાચ સ્વીકારી શકીએ, પરંતુ ભારતીય ટીમમાં રહેલી પ્રતિભા અને ક્ષમતા જુઓ. ભારત A ટીમને દક્ષિણ આફ્રિકાની મુખ્ય ટીમ સામે મેદાનમાં ઉતારશો, તો એ પણ જીતી હશે. યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર અને શુભમન ગિલના ફર્સ્ટ-ક્લાસ રેકોર્ડ્સ જુઓ. આ રેકોર્ડ્સ હોવા છતાં, જો આપણે ભારતમાં જ હારી જઈએ, તો તેનો અર્થ એ કે ગડબડ છે.”
પિચ પર ઉઠાવ્યા સવાલ:
વાતચીત દરમિયાન પૂજારાએ એમ પણ કહ્યું કે ભારતની ટર્નિંગ પિચો પર વધુ પડતો આધાર રાખવાને કારણે ટીમને હાર મળી. પૂજારાએ કહ્યું, “જો કોઈ સરી પીચ પર મેચ રમાઈ હોત, તો ભારત જીતે એવી શક્યતા હતી.”
આ પણ વાંચો…ભારત માટે ટર્નિંગ પિચનો મોહ બુમરૅન્ગ થયોઃ ઘરઆંગણે છેલ્લી છમાંથી ચાર ટેસ્ટ હાર્યા



