લોર્ડ્સ ટેસ્ટમાં જાડેજાની ધીમી બેટિંગ સામેના સવાલો પર પૂજારાએ આપ્યો જવાબ! જાણો શું કહ્યું

મુંબઈ: લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 22 રનથી હાર થઇ, આ સાથે જ પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ભારત 1-2થી પાછળ છે. હવે ભારતીય ટીમ માટે આ સિરીઝ જીતવી મુશ્કેલ બની છે, ભારતીય ટીમની હારના કારણોની ચર્ચા કરવામાં આવી રહી છે. લોર્ડ્સ ટેસ્ટમાં ઓલરાઉન્ડર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે મેચની બંને ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારી (Ravindra Jadeja in Lords test) હતી. આમ છતાં બીજી ઇનિંગની છેલ્લી ઓવર્સમાં મોટા શોટ્સ ના રમવા બદલ અનિલ કુંબલે, સુનીલ ગાવસ્કર અને સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજોએ જાડેજા પર સવાલો ઉઠાવી રહ્યા છે, એવામાં ચેતેશ્વર પૂજારા જાડેજાના બચાવમાં આવ્યો છે.
બીજી ઇનિંગમાં જ્યારે સામે છેડે સતત વિકેટો પડી રહી હતી, ત્યારે જાડેજા 181 બોલ પર 61 રન બનાવીને અણનમ રહ્યો, પરંતુ ભારતને જીત સુધી પહોંચાડી ના શક્યો. ટીમ માત્ર 22 રનથી હારી ગઈ. જાડેજાના આ બેટિંગ પ્રદર્શનના ઇંગ્લેન્ડના ખેલાડીઓ પણ વખાણ કરી ચુક્યા છે. પરંતુ ભારતના કેટલાક પૂર્વ ક્રિકેટરોએ જોખમ ન લેવા બદલ જાડેજાની ટીકા કરી હતી. જાડેજાનો બચાવ કરતા ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે પિચની સ્થિતિ અને મેચની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાડેજાએ બેટિંગ કરી હતી.
આ પણ વાંચો: લોર્ડ્સ ટેસ્ટમાં જીત છતાં ઇંગ્લેન્ડને ડબલ ઝટકો! મેચ ફી કપાઈ અને WTC પોઈન્ટ પણ ઘટ્યા; જાણો કેમ
એક ઈન્ટરવ્યું દમિયાન પૂજારાએ કહ્યું, “તે સમયે જાડેજા ઝડપથી રમી શકે એમ ન હતો. બોલ નરમ થઈ ગયો હતો અને પિચ પણ ધીમી હતી. આ ઉપરાંત, તેની સામે ટેઈલએન્ડર્સ બેટિંગ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં, તેણે વિચાર્યું હશે કે ટીમને ધીમે ધીમે ટાર્ગેટની નજીક લાવવી જોઈએ અને તક મળે ત્યારે ઝડપથી રમવું જોઈએ.”
મિડ-ઓફ અને કવર વચ્ચે રહેલ ગેપમાં જાડેજાએ શોટ ન રમવાના પ્રશાના જવાબમાં પુજારાએ કહ્યું કે ઇંગ્લેન્ડ બોલરો એ લેન્થ પર બોલિંગ કરી રહ્યા ન હતાં, જેથી જાડેજા એ તરફ શોટ રમી શકતો ન હતો.
આ પણ વાંચો: ગાંગુલીની ટી-શર્ટ લહેરાવવાની ઘટનાએ જોફ્રા આર્ચરને પ્રેરણા આપી: બેન સ્ટોક્સનો ખુલાસો…
પુજારાએ કહ્યું, “જ્યારે બોલ નરમ થઈ જાય છે, ત્યારે રમવું સરળ નથી હોતું. જાડેજાની ટેકનિકમાં હવે સુધારો થયો છે. હવે તે ફક્ત સ્પિન સામે જ નહીં પરંતુ ફાસ્ટ બોલરો સામે પણ સારું રમે છે.”
આ સિરીઝમાં રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ સિરીઝમાં અત્યાર તેણે 6 ઇનિંગ્સમાં 109 ની સરેરાશથી 327 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે તેણે સતત ચાર ટેસ્ટ ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારી છે.