
ચેન્નઈ: ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિન (Ravichandran Ashwin) હજી 10 દિવસ પહેલાં ચેન્નઈમાં આઇપીએલના રાજસ્થાન રૉયલ્સ (આરઆર) વતી પ્લે-ઑફમાં છેલ્લી મૅચ રમ્યો અને હવે ચેન્નઈમાં જ ફરી અડ્ડો જમાવવાની તૈયારીમાં છે.
વાત એવી છે કે અશ્વિન ફરી વાર ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના ગઢમાં પ્રવેશી ચૂક્યો છે. તેણે સીએસકેના હાઈ પર્ફોર્મન્સ સેન્ટરના ઇન-ચાર્જ તરીકેનો હોદ્દો ફરી સંભાળી લીધો છે. આના પરથી અટકળ શરૂ થઈ ગઈ છે કે તે પાછો સીએસકેની ટીમમાં આવી જશે.
તાજેતરમાં 500મી ટેસ્ટ-વિકેટ લેનાર અનિલ કુંબળે પછીનો બીજો ભારતીય બોલર બનનાર અશ્ર્વિન 2008થી 2015 સુધી સીએસકેની ટીમમાં હતો.
આ પણ વાંચો: IPL 2024: CSKના આ ખેલાડીએ RCBને હાર પર જાહેરમાં ટ્રોલ તો કરી પછી…
37 વર્ષનો અશ્વિન ચેન્નઈનો જ છે અને 2025ની આઇપીએલ પહેલાં યોજાનારા મેગા ઑક્શનના મહિનાઓ પહેલાં જ તે સીએસકેની સેવામાં આવી ગયો હોવાથી સ્વાભાવિક છે કે કોઈને પણ શંકા થાય કે તે ફરી સીએસકેની ટીમમાં આવી જશે.
એક તરફ સીએસકેના સીઇઓ કાસી વિશ્વનાથને થોડા દિવસ પહેલાં આશા વ્યક્ત કરી કે એમએસ ધોની 2025ની આઇપીએલમાં પણ રમશે ત્યાં બીજી બાજુ હવે અશ્વિનના કમબૅકની સંભાવના ઊભી થતાં વિશ્ર્વનાથનને બુધવારે એક ઇવેન્ટમાં પત્રકારે તેમને પૂછ્યું કે શું ઑક્શનમાં સીએસકે અશ્વિનને ખરીદવાનું પસંદ કરશે? તો જવાબમાં તેમણે કહ્યું, ‘ઑક્શનમાં શું બનશે એ અમે અત્યારથી ન કહી શકીએ. જોઈએ ત્યારે શું થાય છે.’