Champions Trophy: પાકિસ્તાનના ‘ધબડકા’નો મુદ્દો સંસદમાં ગાજશે, પીએમ આપશે નિવેદન…

ઈસ્લામાબાદઃ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (ICC Chapions Trophy 2025)માં પાકિસ્તાનની ક્રિકેટ ટીમની એક્ઝિટ પછી બહુ મોટા વિવાદનું નિર્માણ થયું છે. ટૂર્નામેન્ટનું યજમાન કરનારી પાકિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજમાં કોઈ કમાલ કરી શકી નહીં અને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે ત્યારે હવે આ ધબડકા મુદ્દે દેશના વડા પ્રધાન શહબાજ શરીફને નિવેદન આપવાની નોબત આવી છે.
શરીફ હારનો મુદ્દો સંસદમાં ઊઠાવશે
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાજ શરીફ હવે પોતાની ટીમની હારનો મુદ્દો સંસદમાં ઊઠાવશે. આ મામલાને તેઓ વ્યક્તિગત રીતે સંસદમાં રજૂ કરશે. પીએમ શરીફના રાજકીય અને જાહેર બાબતોના સલાહકાર રાણા સનાઉલ્લાહએ એક ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું.
પાકિસ્તાની મુસ્લિમ લીગ નવાજ (પીએમએલ-એન)ના નેતા રાણા સનાઉલ્લાહે કહ્યું હતું કે ચેમ્પિટન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની ટીમની અપમાનજનક હાર થઈ હતી અને ટૂર્નામેન્ટમાંથી વહેલી બહાર પણ ફેંકાઈ ગઈ હતી આ બાબતને સરકારે ગંભીરતાથી નોંધ લીધી હતી.
આપણ વાંચો: પાકિસ્તાનના મનસૂબા પર ICC એ ફેરવ્યું પાણીઃ ચેમ્પિયન્સ ટ્રોફી PoK નહીં જ જાય!
પીએમ વ્યક્તિગત ધ્યાનમાં લેતા જવાબ આપશે
રાણાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું, જ્યારે તેના અંગે વડા પ્રધાન વ્યક્તિગત રીતે વાત કરશે. પાકિસ્તાન ક્રિકેટ સંબંધિત મુદ્દાને સંસદ અને કેબિનેટમાં તેઓ ઉઠાવશે. રાણાએ કહ્યું હતું કે ભલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એક સ્વતંત્ર સંસ્થા છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની ટીમ
પાકિસ્તાનની ટીમમાં કેપ્ટન મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, ઈમામ ઉલ હક, કામરાન ગુલામ, સઉદ શકીલ, તૈયબ તાહિર, ફહીમ અશરફ, ખુશદિલ શાહ, સલમાન અલી આગા, ઉસ્માન ખાન, અબરાર અહમદ, હારિસ રઉફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદીનો સમાવેશ થાય છે.
ગ્રુપમાં સૌથી નીચે પાકિસ્તાન રહ્યું
ટૂર્નામેન્ટના શરુઆતના પાંચ જ દિવસમાં પાકિસ્તાન બહાર ફેંકાયું હતું. 19 ફેબ્રુઆરીના ચેમ્પિયન્સ ટ્રોફી શરુઆત થઈ હતી. 29 વર્ષ પછી આઈસીસી ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું અને પાકિસ્તાનની પહેલી મેચ ન્યૂ ઝીલેન્ડ સામે થઈ હતી, જેમાં 60 રનથી હાર્યું હતું. એના પછી 23 ફેબ્રુઆરીની મેચમાં ભારત છ વિકેટથી જીત્યું હતું.
પાકિસ્તાનની યજમાનીમાં માત્ર પાંચ જ દિવસમાં બે મેચ હાર્યા પછી ફેંકાઈ ગયું હતું. આજે ત્રીજી મેચ પણ બાંગ્લાદેશ સામે હતી, પરંતુ વરસાદને કારણે ધોવાઈ જતા બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યા હતા, જ્યારે ગ્રુપમાં પાકિસ્તાન સૌથી નીચે રહી હતી.