Champions Trophy 2025

મેઘરાજાને કારણે મૅચ ન રમાતાં પાકિસ્તાનનું નાક કપાઈ ગયું, યજમાન દેશના નામે ઘણા ખરાબ રેકૉર્ડ લખાઈ ગયા

બાંગ્લાદેશની પણ એક-એક પૉઇન્ટ સાથે ચૅમ્પિયન્સ ટ્રોફીમાંથી વસમી વિદાય

રાવલપિંડીઃ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં આજે અહીં યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશની સફર વરસાદને કારણે મૅચ અનિર્ણિત રહેતાં અકાળે પૂરી થતાં પાકિસ્તાનના નામે અનેક ખરાબ રેકૉર્ડ લખાયા હતા. પાકિસ્તાન એવો પ્રથમ દેશ છે જેણે યજમાન તરીકે આ સ્પર્ધામાં ઝુકાવ્યું હતું, પરંતુ એક પણ જીત વિના છેવટે પૉઇન્ટ્સ-ટેબલમાં તળિયે રહીને વિદાય લીધી છે.

વરસાદને કારણે પહેલાં તો બપોરે 2.00 વાગ્યે ટૉસ વિલંબમાં મુકાયો હતો અને ત્યાર પછી વરસાદ સતત પડતો રહેતાં છેવટે એક પણ બૉલ ફેંકાયા વિના મૅચને રદ જાહેર કરવામાં આવી હતી.

પાકિસ્તાન અને બાંગ્લાદેશ, બન્ને દેશે આ સ્પર્ધામાં એક પણ મૅચ નહોતી જીતી અને આજની મૅચ રદ થતાં બન્નેએ એક-એક પૉઇન્ટ સાથે વિદાય લીધી હતી. ગ્રૂપ એ'માંથી ભારત અને ન્યૂ ઝીલૅન્ડ ઘણા દિવસ પહેલાં જ સેમિ ફાઇનલમાં પહોંચી ગયા હતા અને પાકિસ્તાન-બાંગ્લાદેશની આ મૅચનો કોઈ અર્થ નહોતો.

આપણ વાંચો: અફઘાનિસ્તાનના 325/7, ઝડ્રાને રચ્યો ઈતિહાસ: ઇંગ્લૅન્ડ માટે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટકવું મુશ્કેલ

જોકે આ વખતની સીઝનમાં એક મૅચ જીતવા મળશે એવી આશા સાથે બન્ને ટીમ રાવલપિંડી પહોંચી હતી, પરંતુ બન્નેએ નિરાશ થવું પડ્યું છે. પાકિસ્તાનમાં 29 વર્ષ પછી પહેલી વાર આઇસીસીની ઇવેન્ટ યોજાઈ રહી છે અને એમાં યજમાન પાકિસ્તાને જ ગ્રૂપ-સ્ટેજમાં જ બહાર થવાની સાથે સદંતર નિરાશ થવું પડ્યું છે.

ન્યૂ ઝીલૅન્ડ સામે પાકિસ્તાનનો 60 રનથી અને ભારત સામે છ વિકેટે પરાજય થયો હતો. 2002માં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રૂપ-સ્ટેજની સિસ્ટમ લાગુ કરાઈ ત્યાર બાદ ક્યારેય કોઈ યજમાન દેશની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં સાવ તળિયે રહીને સ્પર્ધાની બહાર નહોતી થઈ, પણ પાકિસ્તાને એક પણ મૅચ જીત્યા વિના એ પરંપરા તોડી નાખી છે.

2000માં (જ્યારે નૉકઆઉટ સિસ્ટમ લાગુ હતી ત્યારે...) કેન્યાની ટીમ ઘરઆંગણે યોજાયેલી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં એકેય મૅચ જીત્યા વિના બહાર થઈ ગઈ હતી. એ રીતે, પાકિસ્તાને કેન્યા પછીની બીજી ટીમ તરીકેનો રેકૉર્ડ પોતાને નામ કર્યો છે. બાંગ્લાદેશની ટીમે પણ એકેય જીત મેળવ્યા વિના વિદાય લીધી છે.

આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની હાર બાદ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરનારા ભંગારના વ્યાવસાયિકની ધરપકડ…

બાંગ્લાદેશ 20મી ફેબ્રુઆરીએ ભારત સામેની પ્રથમ મૅચ છ વિકેટે હારી ગયું હતું અને 24મીએ ન્યૂ ઝીલૅન્ડ સામે બાંગ્લાદેશનો પાંચ વિકેટે પરાજય થયો હતો. નવાઈની વાત એ છે કે પૉઇન્ટ્સ-ટેબલમાં બાંગ્લાદેશની ટીમ થોડા ચડિયાતા રનરેટને કારણે પાકિસ્તાનથી ઉપર છે.

ગ્રૂપએ’માં હવે એક જ લીગ મૅચ બાકી છે. બીજી માર્ચે દુબઈમાં ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે મુકાબલો છે. જોકે આ જ બે ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ચૂકી છે.

ચૅમ્પિયન્સ ટ્રોફીમાં આ સાથે કુલ બે મૅચ વરસાદને લીધે રદ કરાઈ છે. મંગળવાર, 25મી ફેબ્રુઆરીએ રાવલપિંડીમાં જ ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીની ધમાકેદાર શરૂઆત, પહેલા જ દાવમાં બે સદી અને બે સેન્ચુરી-પાર્ટનરશિપ

પાકિસ્તાન 2017ની છેલ્લી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ચૅમ્પિયન બન્યું હતું, પણ આ વખતે એણે એક પણ વિજય વિના સ્પર્ધામાંથી એક્ઝિટ કરી છે. એ રીતે, પાકિસ્તાન ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે એકેય મૅચ જીત્યા વિના સ્પર્ધાની બહાર થઈ ગયેલી ઑસ્ટ્રેલિયા પછીની બીજી ટીમ છે. ઑસ્ટ્રેલિયા 2009ની સાલમાં ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું અને ત્યાર બાદ 2013માં રમાયેલી આ સ્પર્ધામાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે રમવા છતાં એક પણ વિજય વિના એણે વિદાય લીધી હતી.


ગ્રૂપ `એ’નું પૉઇન્ટ્સ-ટેબલ

(1) ન્યૂ ઝીલૅન્ડ, બે મૅચ, બે જીત, ચાર પૉઇન્ટ, +0.863નો રનરેટ
(2) ભારત, બે મૅચ, બે જીત, ચાર પૉઇન્ટ, +0.647નો રનરેટ
(3) બાંગ્લાદેશ, ત્રણ મૅચ, બે હાર, એક અનિર્ણિત, એક પૉઇન્ટ, -0.443નો રનરેટ
(4) પાકિસ્તાન, ત્રણ મૅચ, બે હાર, એક અનિર્ણિત, એક પૉઇન્ટ, -1.087નો રનરેટ

ગ્રૂપ `બી’નું પૉઇન્ટ્સ-ટેબલ

(1) સાઉથ આફ્રિકા, બે મૅચ, એક જીત, એક અનિર્ણિત, ત્રણ પૉઇન્ટ, +2.140નો રનરેટ
(2) ઑસ્ટ્રેલિયા, બે મૅચ, એક જીત, એક અનિર્ણિત, ત્રણ પૉઇન્ટ, +0.475નો રનરેટ
(3) અફઘાનિસ્તાન, બે મૅચ, એક જીત, એક હાર, બે પૉઇન્ટ, -0.990નો રનરેટ
(4) ઇંગ્લૅન્ડ, બે મૅચ, બે હાર, શૂન્ય પૉઇન્ટ, -0.305નો રનરેટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button