અડીખમ બનેલા જાકર અલીને છેવટે શમીએ જાકારો આપ્યો, 200મી વિકેટ લીધી

દુબઈઃ બાંગ્લાદેશના માત્ર છ વન-ડેના અનુભવી મિડલ-ઑર્ડર બૅટર જાકર અલીએ આજે અહીં રોહિત શર્માના હાથે મળેલા બહુમૂલ્ય જીવતદાનનો એવો તો ફાયદો લીધો કે ક્રિકેટ જગત જોતું રહી ગયું.
સ્પિનર અક્ષર પટેલના ઉપરાઉપરી બે બૉલમાં તેન્ઝિદ હસન અને મુશફિકુર રહીમ આઉટ થતાં અક્ષરને હૅટ-ટ્રિકની તક મળી હતી, પરંતુ ત્રીજા જ બૉલમાં સ્લિપમાં રોહિતે જાકર અલીનો આસાન કૅચ છોડ્યો અને જાકરે એ પછી તૌહિદ રિદોય સાથે મળીને બાંગ્લાદેશની ઇનિંગ્સને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી.
આપણ વાંચો: ગુડ ન્યૂઝ…ક્રિકેટરોના પરિવારોને ચેમ્પિયન્સ ટ્રોફીની એક મૅચ જોવાની છૂટ?
જાકરને નવમી ઓવરમાં એ જીવતદાન મળ્યું હતું અને ત્યાર પછી તે છેક 43મી ઓવરમાં મોહમ્મદ શમીના બૉલમાં આઉટ થયો ત્યાં સુધીમાં જાકરે તૌહિદ સાથે છઠ્ઠી વિકેટ માટે 154 રનની ઐતિહાસિક ભાગીદારી કરી હતી. શમીએ એ સાથે વન-ડેમાં 200મી વિકેટ લીધી હતી.
બાંગ્લાદેશનો સ્કોર પાંચ વિકેટે 35 રન હતો ત્યારે જાકરને રોહિતના હાથે જીવતદાન મળ્યું હતું. જોકે 43મી ઓવર કે જે શમીએ કરી હતી એના ચોથા બૉલમાં લૉન્ગ-ઑન પરથી દોડી આવેલા વિરાટે તેનો સીધો કૅચ પકડી લીધો હતો. શમી છેવટે 200મી વિકેટ લેવાની સાથે બે કલાક સુધી ચાલેલી પાર્ટનરશિપ તોડવામાં સફળ થયો હતો.
જાકર અલીએ 114 બૉલમાં ચાર ફોરની મદદથી 64 રન બનાવ્યા હતા. તેની અને તૌહિદ વચ્ચેની 154 રનની ભાગીદારી 206 બૉલમાં બની હતી.
આ મૅચ પહેલાં વન-ડેમાં શમીની કુલ 197 વિકેટ હતી. તેણે 198મી વિકેટના રૂપમાં સૌમ્ય સરકાર (0)ને આઉટ કર્યો હતો. મેહદી હસન મિરાઝ તેનો 199મો અને જાકર અલી 200મો શિકાર બન્યો હતો. જાકર અલી 154 રનની ભાગીદારી બાદ આઉટ થયો ત્યારે બાંગ્લાદેશનો સ્કોર છ વિકેટે 189 રન હતો.