Champions Trophy 2025

ભારતને ડૅરેન ગૉફે ન્યૂ ઝીલૅન્ડ સામે આ પેસ બોલરને બદલે કોઈ સ્પિનરને રમાડવાની સલાહ આપી

દુબઈઃ ભારત ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રૂપ એ' સ્ટેજમાં બન્ને મૅચ (બાંગ્લાદેશ સામે અને પાકિસ્તાન સામે) જીતીને આસાનીથી સેમિ ફાઇનલમાં પહોંચી ગયું છે અને હવે ભારતે ત્રીજી તથા છેલ્લી લીગ મૅચ રવિવારે દુબઈમાં જ ન્યૂ ઝીલૅન્ડ સામે રમવાની છે જે વિશે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડૅરેન ગૉફની ટીમ ઇન્ડિયા માટે એક સલાહ છે જે વાઇરલ થઈ છે.

મોહમ્મદ શમીએ પાકિસ્તાન સામેની રવિવારની મહત્ત્વપૂર્ણ મૅચમાં પ્રથમ ઓવરમાં પાંચ વાઇડ ફેંક્યા હતા અને પછી બે ઓવર બાદ ઈજાને કારણે 20 મિનિટ સુધી મેદાનની બહાર હતો. તેની ફિટનેસ પર અગાઉથી જ શંકા હતી. તેને એ મૅચમાં આઠ ઓવરમાં 43 રનમાં એક પણ વિકેટ નહોતી મળી.

આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીની ધમાકેદાર શરૂઆત, પહેલા જ દાવમાં બે સદી અને બે સેન્ચુરી-પાર્ટનરશિપ

ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડૅરેન ગૉફ 54 વર્ષનો છે. તે 1994થી 2006 દરમ્યાન ઇંગ્લૅન્ડ વતી કુલ 219 મૅચ રમ્યો હતો જેમાં તેણે કુલ 467 વિકેટ લીધી હતી. ડૅરેન ગૉફે આગામી રવિવારની ન્યૂ ઝીલૅન્ડ સામેની ભારતની સંભવિત પ્લેઇંગ-ઇલેવન વિશે સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપી છે.

તેનું એવું માનવું છે કે રવિવારે ભારતે ન્યૂ ઝીલૅન્ડ સામે મોહમ્મદ શમીને આરામ આપવો જોઈએ અને તેના સ્થાને કોઈ સ્પિનરને રમાડવો જોઈએ. ગયા રવિવારે પાકિસ્તાન સામેની મૅચ બાદ ટીમના ખેલાડી શ્રેયસ ઐયરે પત્રકારોને શમી વિશેના સવાલના જવાબમાં કહ્યું હતું કે તે પૂરેપૂરો ફિટ છે.

આપણ વાંચો: શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ કેમ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં નથી? કારણો ખૂબ રસપ્રદ છે

જોકે ડૅરેન ગૉફનું એવું માનવું છે કેન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીય ટીમે શમીને આરામ આપવો જોઈએ કે જેથી તેની ઈજા વધી ન જાય. દુબઈની પિચ સ્લો છે. મેં જોયું છે કે હાર્દિક પંડ્યા સારી બોલિંગ કરી રહ્યો છે. શમીને આરામ આપવાની જરૂર છે. હું ખાતરીપૂર્વક કહું છું કે ભારતીય ટીમ હાલમાં ખૂબ મજબૂત છે. તાજેતરમાં જ આ ટીમે ઇંગ્લૅન્ડના સૂપડા સાફ કરી દીધા હતા અને ત્યાર બાદ હવે દુબઈમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનને આસાનીથી પરાજિત કર્યા.’

રવિવારે પાકિસ્તાન સામેની ભારતીય ટીમમાં ત્રણ સ્પિનર અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાનો સમાવેશ હતો. કુલદીપને ત્રણ તેમ જ જાડેજા-અક્ષરને એક-એક વિકેટ મળી હતી. આ ટૂર્નામેન્ટ માટેની ભારતીય સ્ક્વૉડમાં બીજા બે સ્પિનર વરુણ ચક્રવર્તી તેમ જ વૉશિંગ્ટન સુંદર પણ સામેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button