ટૉપ-ઑર્ડરના ત્રણ બૅટ્સમેનની સેન્ચુરીઃ ઇંગ્લૅન્ડના ત્રણ વિકેટે 498
જૉ રૂટ 13,000 રન કરનાર પ્રથમ બ્રિટિશ ટેસ્ટ બૅટ્સમેન

નૉટિંગહૅમઃ ઇંગ્લૅન્ડે અહીં ગુરુવારે ઝિમ્બાબ્વે સામેની એકમાત્ર ટેસ્ટ (TEST)માં પ્રથમ દિવસે બૅટિંગ મળ્યા બાદ ત્રણ વિકેટે 498 રન કર્યા હતા. ઇંગ્લૅન્ડ (ENGLAND) અને ઝિમ્બાબ્વે (ZIMBABWE) વચ્ચેની બાવીસ વર્ષ પછીની આ પહેલી જ ટેસ્ટ છે.
બેન સ્ટૉક્સના સુકાનમાં રમી રહેલી બ્રિટિશ ટીમનો ટૉપ-ઑર્ડર સુપરહિટ થયો હતો. ઓપનરો ઝૅક ક્રૉવ્લીએ 124 રન અને બેન ડકેટે 140 રન કર્યા હતા. તેમની વચ્ચે 231 રનની ભાગીદારી થઈ હતી.
ત્યાર બાદ ક્રૉવ્લી અને ઑલી પોપ વચ્ચે બીજી વિકેટ માટે 167 રનની પાર્ટનરશિપ થઈ હતી. પોપ 169 રને રમી રહ્યો હતો. તેણે આ 169 રન 163 બૉલમાં બે સિક્સર અને 24 ફોરની મદદથી બનાવ્યા હતા. જૉ રૂટ 34 રન બનાવીને આઉટ થયો હતો. જોકે તે ટેસ્ટ ક્રિકેટમાં 13,000 રનની સિદ્ધિ મેળવનાર વિશ્વનો પાંચમો અને ઇંગ્લૅન્ડનો પ્રથમ બૅટ્સમૅન બન્યો હતો. સચિન, પૉન્ટિંગ, કૅલિસ અને દ્રવિડ અગાઉ 13,000 રનનો આંકડો વટાવી ચૂક્યા હતા.
ક્રેગ ઇરવિન ઝિમ્બાબ્વેનો સુકાની છે. ઝિમ્બાબ્વેના સાત બોલરમાંથી સિકંદર રઝા, બ્લેસિંગ મુઝરબની અને વેસેલી મેઢેવીયરને એક-એક વિકેટ મળી હતી.
આ પણ વાંચો…સૂર્યકુમાર મુંબઈને જિતાડ્યા પછી બોલ્યો, `મારી પત્નીએ મને કહ્યું હતું કે…’