
મૅન્ચેસ્ટર: અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં જૂનમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ઇંગ્લૅન્ડની ટીમના મૅનેજિંગ ડિરેકટર રોબર્ટ કીએ જાહેર કર્યું છે કે ‘આ વિશ્ર્વકપ સંબંધમાં આઇપીએલના આગામી પ્લે-ઑફમાંથી ખેલાડીઓને પાછા બોલાવી લેવાનો આગ્રહ બ્રિટિશ ટીમના કૅપ્ટન જૉસ બટલરે અમને કર્યો હતો.’
આઇપીએલની 17મી સીઝનમાં પ્લે-ઑફ માટેની ચાર ટીમો હજી હવે નક્કી થવાની છે, પરંતુ આ ટૂર્નામેન્ટની છ ટીમ એવી છે જેમાં ઇંગ્લૅન્ડના ખેલાડીઓનો સમાવેશ છે. એ છમાંથી જે પણ ટીમ પ્લે-ઑફમાં જાય એમાંના બ્રિટિશ ખેલાડીઓ પ્લે-ઑફમાં રમવાને બદલે ઇંગ્લૅન્ડ પાછા જતા રહેશે, કારણકે એ જ અરસામાં (21-26 મે દરમ્યાન) ઇંગ્લૅન્ડની પાકિસ્તાન સામેની ચાર મૅચની ટી-20 સિરીઝ શરૂ થવાની છે.
બટલર અને ઇંગ્લૅન્ડનું ટીમ-મૅનેજમેન્ટ ઇચ્છે છે કે વર્લ્ડ કપનું ડિફેન્ડિંગ ચૅમ્પિયન વર્લ્ડ કપમાં રમવાનું શરૂ કરે એના પૂરતા દિવસો પહેલાં જ બધા ખેલાડીઓ આઇપીએલ છોડીને સ્વદેશ પાછા આવી જાય.
આપણ વાંચો: માઇકલ વૉનના મતે વર્લ્ડ કપ સેમિ ફાઇનલના દાવેદારોમાં ભારત નથી, તો કયા ચાર દેશ છે?
રોબર્ટ કીએ એક જાણીતી વેબસાઇટને કહ્યું, ‘મેં બટલરને પહેલા જ કહ્યું હતું કે તું ટી-20 ટીમનો કૅપ્ટન નિયુક્ત થઈ રહ્યો હોવાથી તારે વર્લ્ડ કપ પહેલાંની પાકિસ્તાન સામેની સિરીઝમાં રમવું જ પડશે. મેં આ વિશે પૂછ્યું એટલે બટલરે મને તરત હા પાડી અને કહ્યું કે હું વર્લ્ડ કપ પહેલાંની પાકિસ્તાન સામેની સિરીઝમાં રમવા ભારતથી વહેલો આવી જ જઈશ.’
બટલર રાજસ્થાન રૉયલ્સની ટીમમાં છે અને બે સદી ફટકારી ચૂક્યો છે. રાજસ્થાન ટેબલમાં ટૉપ છે અને પ્લે-ઑફમાં આ ટીમ લગભગ પહોંચી જ ગઈ છે. જોકે પ્લે-ઑફમાં રાજસ્થાનની ટીમને તેની મદદ નહીં મળી શકે.
આઇપીએલમાં રમતા ઇંગ્લૅન્ડના બીજા વર્લ્ડ કપ માટેના ખેલાડીઓને પણ ક્રિકેટ બોર્ડે આઇપીએલમાંથી વહેલા નીકળીને પાછા આવી જવા કહ્યું છે. એમાં ફિલ સૉલ્ટ (કોલકાતા), વિલ જૅક્સ તથા રીસ ટૉપ્લી (બેન્ગલૂરુ), મોઇન અલી (ચેન્નઈ), સૅમ કરૅન તેમ જ જૉની બેરસ્ટો અને લિઆમ લિવિંગસ્ટન (ત્રણેય પંજાબના)નો સમાવેશ છે.