સ્પોર્ટસ

ગાવસકરને કેમ લાગે છે કે રોહિત પછી બુમરાહ જ ભારતનો કૅપ્ટન બનશે?

સિડનીઃ ભારતના બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકર વર્લ્ડ નંબર-વન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની નેતૃત્વ સંભાળવાની કાબેલિયત પર આફરીન છે અને તેઓ દૃઢપણે માને છે કે રોહિત શર્મા પછી બુમરાહ જ ભારતનો કૅપ્ટન બનશે.
બુમરાહે તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં (માત્ર 13.06ની સરેરાશે) સૌથી વધુ 32 વિકેટ લીધી હતી.

ઑસ્ટ્રેલિયાની ધરતી પર રમી ચૂકેલા વિદેશી બોલર્સમાં શ્રેષ્ઠ કહી શકાય એવા પફોર્મન્સીસમાં બુમરાહનો આ દેખાવ અચૂક સામેલ કરી શકાય. ઑસ્ટ્રેલિયામાં એક ટેસ્ટ-શ્રેણીમાં સૌથી વધુ 32 વિકેટનો ભારતીય વિક્રમ પણ તેણે નોંધાવ્યો છે. ટેસ્ટ-ટૂરમાં ભારત (પર્થમાં) જે એકમાત્ર ટેસ્ટ જીત્યું એમાં બુમરાહ કૅપ્ટન હતો.

સિડનીની છેલ્લી ટેસ્ટમાંથી રોહિત શર્મા નીકળી જતાં બુમરાહને સુકાન સોંપાયું હતું. બુમરાહ જો અંતિમ દિવસે બોલિંગ કરી શક્યો હોત તો ભારત એ ટેસ્ટ જીતી ગયું હોત અને સિરીઝ 2-2થી બરાબરીમાં થવાની સાથે ભારતે બોર્ડર-ગાવસકર ટ્રોફી જાળવી રાખી હોત. જોકે પીઠની ઈજાને કારણે તેણે એ દિવસે (રવિવારે) બોલિંગ નહોતી કરી અને ભારતીય ટીમ હારી ગઈ હતી.

આપણ વાંચો: અરે ભાઈ! ક્રિકેટ વિશે અમને ક્યાં કંઈ આવડે છે?ઃ સુનીલ ગાવસકર…

ગાવસકરે ઑસ્ટ્રેલિયાની જાણીતી ટીવી ચૅનલને મુલાકાતમાં કહ્યું છે કે `રોહિત પછી મારી દૃષ્ટિએ બુમરાહ જ કૅપ્ટન બની શકે એમ છે. સુકાનીપદ માટે બુમરાહ જ સૌથી વધુ લાયક છે. તે નેતૃત્વને ખૂબ જ સક્રિયપણે સંભાળે છે અને પોતાની જવાબદારી પણ ખૂબ સારી રીતે સમજે છે.

સાથીઓ પર પ્રેશર નાખ્યા વગર સુકાન સંભાળવાની ખૂબ સારી સૂઝબૂઝ તેનામાં જોવા મળી છે. ક્યારેક કૅપ્ટન સાથીઓ પર ભારે દબાણ નાખતો હોય છે, પરંતુ બુમરાહમાં ખાસિયત એ છે કે દરેક સાથી પાસે તેની જવાબદારી મુજબ કામ લેવાની તેનામાં આવડત છે, કારણકે તેઓ રાષ્ટ્રીય ટીમ વતી રમી રહ્યા હોય છે. જોકે આવું કરવામાં બુમરાહ કોઈને દબાણ નથી કરતો, તેને પોતાની જવાબદારી સમજાવીને રમવાની સલાહ આપે છે.’

આપણ વાંચો: ટ્રોફી મારા નામની, હું મેદાન પર જ હતો અને મને જ સમારોહમાં આમંત્રણ નહીં?: સુનીલ ગાવસકર

ટેસ્ટના વર્લ્ડ નંબર-વન બોલર બુમરાહે બુધવાર, આઠમી જાન્યુઆરીએ આઇસીસી રૅન્કિંગ્સમાં પોતાનું મોખરાનું સ્થાન વધુ મજબૂત કર્યું હતું. તેનું માર્ગદર્શન મોહમ્મદ સિરાજને પણ પર્ફોર્મન્સ સુધારવામાં મદદરૂપ થયું છે.
ગાવસકરના મતે થોડા જ સમયમાં બુમરાહ કૅપ્ટન્સીની જવાબદારી સંપૂર્ણપણે ઉપાડી લેશે.

ઑસ્ટ્રેલિયામાં ભારતીય ખેલાડીઓમાં એકમાત્ર બુમરાહ સતતપણે સારું રમ્યો હતો. જો ભારતનો ટૉપ બૅટિંગ-ઑર્ડર નિષ્ફળ ન ગયો હોત તો ભારત સિરીઝ જીતી ગયું હોત અને બુમરાહનો 32 વિકેટનો સુપર-પફોર્મન્સ એળે ન ગયો હોત. એકલા હાથે ભારતીય ટીમને લડત અપાવવા બદલ અને હાઇએસ્ટ 32 વિકેટ લેવા બદલ બુમરાહને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button