સ્પોર્ટસ

જયસ્વાલના જલસા પછી બુમરાહ બેકાબૂ

ઓપનિંગ બૅટર ડબલ સેન્ચુરી ફટકારનાર ભારતનો ત્રીજો યંગેસ્ટ પ્લેયર, અનેક રીતે રેકૉર્ડ-બુકમાં પણ આવી ગયો: ફાસ્ટ બોલરના છ વિકેટના તરખાટથી ઇંગ્લૅન્ડ ઝૂક્યું

વિશાખાપટ્ટનમ: ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં બીજા દિવસે પહેલા દાવમાં ભારતના બે ખેલાડી છવાઈ ગયા હતા. યશસ્વી જયસ્વાલે ડબલ સેન્ચુરી સાથે ભારતની રેકૉર્ડ-બુકમાં સ્થાન મેળવ્યું અને પછી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે છ વિકેટ લઈને બ્રિટિશરોની છાવણીમાં સોપો પાડી દીધો હતો અને તેમનો દાવ 253 રનના સ્કોરે સમેટાઈ જતાં ભારતે 143 રનની સરસાઈ લીધી હતી.

જયસ્વાલે 423 મિનિટ સુધી ક્રીઝ પર ટકી રહીને 290 બૉલમાં સાત સિક્સર અને ઓગણીસ ફોરની મદદથી 209 રન બનાવ્યા હતા. ભારતની 107મી ઓવર જેમ્સ ઍન્ડરસને કરી હતી જેના પાંચમા બૉલમાં જયસ્વાલે ધૈયૈ ગુમાવીને ઉતાવળે લૉફ્ટેડ શૉટ મારવાની ભૂલ કરી હતી અને જૉની બેરસ્ટૉએ તેનો કૅચ પકડી લીધો હતો.

જોકે એ પહેલાં તેણે ભારતને 383 રનનો સન્માનજનક સ્કોર અપાવી દીધો હતો અને ભારતનો દાવ બુમરાહની વિકેટ પડતાં 395 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો. આખી ટીમમાં બીજો કોઈ બૅટર હાફ સેન્ચુરી પણ નહોતો ફટકારી શક્યો. શુભમન ગિલના 34 રન જયસ્વાલના 209 રન પછી બીજા સ્થાને હતા. શુક્રવારે જયસ્વાલ સાથે નૉટઆઉટ રહેલો આર. અશ્ર્વિન 20 રનના પોતાના સ્કોર પર જેમ્સ ઍન્ડરસનના બૉલમાં વિકેટકીપર બેન ફૉક્સના હાથમાં કૅચઆઉટ થયો હતો. ઍન્ડરસન તેમ જ સ્પિનરો શોએબ બશીર અને રેહાન અહમદે ત્રણ-ત્રણ વિકેટ અને સ્પિનર ટૉમ હાર્ટલીએ એક વિકેટ લીધી હતી. જો રૂટને 71 રનમાં એકેય વિકેટ નહોતી મળી.

બીજા દિવસની રમતને અંતે ભારતનો બીજા દાવનો સ્કોર વિના વિકેટે 28 રન હતો અને લીડ સાથે ભારતના 171 રન હતા. જયસ્વાલે શનિવારે પ્રથમ દાવની ઇનિંગ્સ બાદ બીજા દાવમાં પણ બૅટિંગ કરી હતી અને 15 રને રમી રહ્યો હતો. કૅપ્ટન રોહિત શર્મા 13 રન સાથે દાવમાં હતો.

ઇંગ્લૅન્ડના પ્રથમ દાવમાં બુમરાહની છ વિકેટ ઉપરાંત કુલદીપ યાદવે ત્રણ અને અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી. અશ્ર્વિનને 61 રનમાં અને સિરાજના સ્થાને રમેલા મુકેશ કુમારને 44 રનમાં વિકેટ નહોતી મળી.
રવિવારે ભારતીય ટીમ 400-પ્લસનો ટાર્ગેટ ઇંગ્લૅન્ડને આપી શકશે તો રવિવારે જ અથવા સોમવારે ચોથા દિવસે ભારતની ફેવરમાં મૅચનું પરિણામ આવી શકે.

જયસ્વાલની ઉંમર શનિવારે બાવીસ દિવસ અને 36 દિવસની હોવાથી ટેસ્ટમાં ભારત વતી ડબલ સેન્ચુરી ફટકારનારો ત્રીજા નંબરનો સૌથી યુવાન ખેલાડી બન્યો છે. વિનોદ કાંબળીએ તો બાવીસ વર્ષનો થયો એ પહેલાં જ બે ડબલ સેન્ચુરી ફટકારી દીધી હતી. 1993માં ઇંગ્લૅન્ડ સામેની પહેલી ડબલ વખતે તેની ઉંમર 21 વર્ષ અને 32 દિવસ હતી અને તેણે ત્યારે વાનખેડેમાં એ ડબલ સેન્ચુરી નોંધાવી હતી. 1971માં સુનીલ ગાવસકરે પોર્ટ ઑફ સ્પેનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે કરીઅરની પ્રથમ ડબલ સેન્ચુરી ફટકારી ત્યારે તેમની ઉંમર 21 વર્ષ અને 277 દિવસ હતી.

છેલ્લા 20 વર્ષમાં ટેસ્ટમાં જયસ્વાલ કરતાં નાની ઉંમરે ડબલ સેન્ચુરી ફક્ત એક જ પ્લેયર ફટકારી શક્યો છે. વેસ્ટ ઇન્ડિઝના ક્રેગ બ્રેથવેઇટે 2014માં કિંગસ્ટનમાં બાંગ્લાદેશ સામે પ્રથમ દાવમાં 212 રન બનાવેલા ત્યારે તે 21 વર્ષ અને 278 દિવસનો હતો.

ભારતીય બૅટર્સમાં 23 વર્ષની ઉંમરે પહોંચતાં પહેલાં કોઈએ બે વખત 150-પ્લસના સ્કોર નોંધાવ્યા હોય એમાં જયસ્વાલ ત્રીજો છે. તેણે ગયા વર્ષે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટમાં 171 રન ફટકાર્યા હતા. સચિન અને કાંબળી 23 વર્ષના થયા એ પહેલાં તેમના નામે બે 150-પ્લસના સ્કોર હતા.

સૌથી યુવાન વયે વિદેશમાં અને ભારતમાં સેન્ચુરી નોંધાવનારાઓમાં પણ જયસ્વાલ ત્રીજો છે. સચિન ટીનેજર હતો ત્યારે જ આ બે સિદ્ધિ મેળવી હતી, જ્યારે કાંબળીએ બાવીસ વર્ષની ઉંમર પહેલાં બે સદી (એક વિદેશમાં, એક ભારતમાં) ફટકારી હતી.

જયસ્વાલ એવો પ્રથમ ભારતીય બૅટર છે જેની ટેસ્ટના જે દાવમાં ડબલ સેન્ચુરી છે એમાં બીજા કોઈ ભારતીયની હાફ સેન્ચુરી પણ નથી. તેના 209 રન સામે સેક્ધડ-હાઈએસ્ટ શુભમન ગિલના 34 રન હતા. વિશ્ર્વમાં આવા પ્રકારની સિદ્ધિ મેળવનારાઓમાં જયસ્વાલ સાતમો છે.

જયસ્વાલ ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટના એક દાવમાં સાત સિક્સર ફટકારનારો પ્રથમ ભારતીય બૅટર છે. તેના 209 રનમાં સાત છગ્ગા અને ઓગણીસ ચોક્કા હતા. ઇંગ્લૅન્ડ સામે બીજા કોઈ ભારતીય બૅટરની એક દાવમાં પાંચ સિક્સર પણ નથી.
જયસ્વાલે 209 રનમાંથી 192 રન સ્પિનરો સામે બનાવ્યા હતા. એક જ દાવમાં સ્પિનરો સામે આટલા રન બનાવનારો તે બીજો ભારતીય છે. 2016માં કરુણ નાયરે ઇંગ્લૅન્ડ સામે જે 303 રન બનાવ્યા હતા એમાં તેના પણ સ્પિનરો સામે 192 રન હતા. શનિવારે પૂરી થયેલી જયસ્વાલ પ્રથમ દાવની 209 રનની ઇનિંગ્સમાં પેસ બોલર (જેમ્સ ઍન્ડરસન) સામે 17 રન બનાવી શક્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button