વીક એન્ડસ્પોર્ટસ

સ્પોર્ટ્સમૅનઃ બોપન્નાની નિવૃત્તિ: ભારતીય ટેનિસના સુવર્ણ યુગનો અંત

સાશા

ટેનિસમાં ગ્રૅન્ડ સ્લૅમની ફાઇનલના નિર્ણાયક સેટમાં 2-4થી પાછળ હોવું એ તો ચિંતાજનક જ કહેવાય. ખેલાડી દ્વારા આ તબક્કે જીતનારો પ્રત્યેક પૉઇન્ટ એવી આશા લઈને આવે છે કે તેને કમબૅકનો હજી પણ મોકો છે, મૅચમાં હજીયે ટકી શકાય એમ છે અને વિજયની સંભાવના હજી પણ છે. આ વાત છે, 2023ની યુએસ ઓપનમાં પુરુષોની ડબલ્સની ફાઇનલની જેમાં રોહન બોપન્ના અને મૅથ્યૂ એબ્ડનને નવો ઇતિહાસ રચવાની તક હતી.

ત્રીજા સેટની સાતમી ગેમમાં મૅથ્યૂ એબ્ડન 0-15 પર સર્વ કરી રહ્યો હતો. એના રિટર્ન પર એબ્ડને જે ક્રૉસ માર્યો એમાં બૉલ તેના પાર્ટનર રોહન બોપન્નાના શર્ટને અડકીને ગયો હતો જેનો રાજીવ રામ તથા જૉ સેલિસ્બરીની હરીફ જોડી પાસે કોઈ જ જવાબ નહોતો અને ચૅર અમ્પાયર જુઆન જહંગે સ્કોર 15-15 ઘોષિત કર્યો હતો. સ્વાભાવિક છે કે બૉલ રોહનના શર્ટને સ્પર્શીને સામેના છેડે ગયો હતો એ અમ્પાયરના ધ્યાનમાં નહોતું આવ્યું.

જોકે બોપન્નાએ અમ્પાયરને જઈને કહી દીધું કે બૉલ તેના શર્ટને સ્પર્શ કરીને ગયો હતો. અમ્પાયર મૂંઝવણમાં મુકાઈ ગઈ અને તેણે બોપન્નાને પૂછ્યું કે શું તમે પૉઇન્ટ જતા કરવા માગો છો?' બોપન્નાએ તેમને સામું કહ્યું,પૉઇન્ટ જતા કરવાનો જો મારો ઇરાદો ન હોત તો મેં તમને કહ્યું જ ન હોત કે બૉલ મને સ્પર્શ કરીને પસાર થઈ ગયો હતો.’ એબ્ડનના મતે સ્ટેડિયમમાં માત્ર તેણે જ જોયું હતું કે બૉલ રોહનને સ્પર્શીને ગયો હતો.

એ રોમાંચક મુકાબલામાં બોપન્ના-એબ્ડનની જોડી હારી તો ગઈ, પણ બોપન્નાએ ઇમાનદારી બતાવીને સૌના દિલ જીતી લીધા હતા. રાજીવ રામે કહ્યું, `રોહન જ્યારે ચૅર અમ્પાયર પાસે જઈ રહ્યો હતો ત્યારે મને થયું કે તે કોઈ ફરિયાદ કરવા જાય છે. તે જીતેલા પૉઇન્ટ અમને આપી દેવા માગતો હતો એવું તો મેં વિચાર્યું જ નહોતું. આ અસાધારણ ખેલ ભાવના છે. એ પૉઇન્ટ મહત્ત્વપૂર્ણ હતા. રોહનના એ અપ્રોચથી તેના પ્રત્યે મારું સન્માન ઘણું વધી ગયું છે. તેની પ્રશંસા માટે મારી પાસે શબ્દો નથી.’

એ વખતે બોપન્ના 43 વર્ષનો હતો અને ટેનિસમાં અવ્વલ સ્તરની સ્પર્ધાત્મક મૅચો રમતો હતો. આ રમતમાં સતતપણે યુવા ખેલાડીઓની વધુને વધુ તાકાત અને ટૅલન્ટ જોવા મળી રહી છે, આ રમત વધુ સ્પર્ધાત્મક બની રહી છે. તેણે ત્યાર સુધી ડબલ્સનો ગ્રૅન્ડ સ્લૅમ ખિતાબ નહોતો જીત્યો, પરંતુ 2024માં 44 વર્ષની ઉંમરે જીતી જ લીધો. એટલું જ નહીં, જાન્યુઆરી 2024માં તેણે મેન્સ ડબલ્સ ટેનિસમાં વર્લ્ડ નંબર-વનની રૅન્ક પણ હાંસલ કરી હતી.

બોપન્નાએ પ્રોફેશનલ ટેનિસના 21મા વર્ષમાં પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ મેળવ્યું હતું. વાત એ છે કે તે ઇચ્છતો હતો કે લોકો તેને પ્રામાણિક ખેલાડી તરીકે યાદ રાખે. વાસ્તવમાં બોપન્નાએ આખી કરીઅરમાં ઇમાનદારીનો અભિગમ જાળવી રાખ્યો હતો. તે ડબલ્સના ટાઇટલ જીત્યો હતો તેમ જ આખી કારકિર્દીમાં ડબલ્સની કુલ 949 મૅચમાંથી 539 મૅચ જીત્યો હતો અને 410 મૅચ હાર્યો હતો.

બોપન્નાએ 2025ની પહેલી નવેમ્બરે જાહેર કર્યું કે તે બાવીસ વર્ષની શાનદાર કારકિર્દી પર પડદો પાડી રહ્યો છે. તેણે કહ્યું કે કરીઅરને અલવિદા કરવાનો હવે સમય આવી ગયો છે, હું મારા રૅકેટને હવે કાયમ માટે વિશ્રામ આપી રહ્યો છું. દેશના નાના એવા કુર્ગ નામના નગરમાંથી મેં મારી ટેનિસ યાત્રા શરૂ કરી હતી.

ટેનિસ કોર્ટ પર હું મારી સર્વ મજબૂત કરી શકું એ માટે મેં કુહાડીથી લાકડા ફાડ્યા હતા, સ્ટૅમિના વધારવા મેં કૉફી એસ્ટેટમાં જૉગિંગ કર્યું હતું અને તૂટેલા ટેનિસ કોર્ટ પર મારા સપનાંનો પીછો કરવા હું મંડી પડ્યો હતો અને મોટી મોટી ટૂર્નામેન્ટોમાં રમ્યો. આ બધા પર ફરી વિચાર કરું છું તો ગર્વ અનુભવું છું.

બોપન્ના 2017માં કૅનેડાની ગૅબ્રિયેલા દાબ્રોવ્સ્કી સાથેની જોડીમાં ફ્રેન્ચ ઓપનનું મિક્સ્ડ-ડબલ્સનું પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો ત્યાર બાદ 2024માં ઑસ્ટે્રલિયન ઓપનમાં ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.

બોપન્ના ભારતના એ ચાર ખેલાડીઓમાં છે જેઓ ટેનિસમાં ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યા છે. બાકીના ત્રણ લેજન્ડમાં લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ અને સાનિયા મિર્ઝાનો સમાવેશ છે. 44 વર્ષની સૌથી મોટી ઉંમરે ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાનો વિશ્વવિક્રમ બોપન્નાના નામે છે. તે પ્રોફેશનલ ટેનિસ રમીને કુલ 7.4 મિલિયન ડૉલર (અંદાજે 66 કરોડ રૂપિયા) કમાયો છે.

આ પણ વાંચો…સ્પોર્ટ્સમૅનઃ રોહિત-કોહલીના વિરાટ યુગનો અંત આવી રહ્યો છે!

આધુનિક વિજ્ઞાન અને સારા પોષણથી ખેલાડીને મદદ જરૂર મળે છે, પણ મૉટિવેશનને અસાધારણ સ્તર સુધી જાળવી રાખવું, દરરોજ પ્રૅક્ટિસ કરવાનું ઝનૂન પણ જાળવવું, દુનિયાભરમાં પ્રવાસ કરવો, બે દાયકા સુધી પોતાની સૌથી ફેવરિટ રમત પર અને પર્ફોર્મન્સ સુધારવા પર ફૉકસ રાખવું વગેરે બાબતો રોહન બોપન્નાની માનસિક ક્ષમતા દર્શાવવા માટે પૂરતી છે.

બોપન્નાની પહેલી ડબલ્સ ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલ (2010, યુએસ ઓપન) અને બીજી ફાઇનલ (2023, યુએસ ઓપન) વચ્ચે 13 વર્ષનું અંતર હતું. તેના બે ઉચ્ચ રૅન્કિંગની વચ્ચે પણ ખાસ્સું એવું (એક દાયકાનું) અંતર હતું. 2024ની 29મી જાન્યુઆરીએ તે મેન્સ ડબલ્સમાં વર્લ્ડ નંબર-વન થયો એ પહેલાં 2013માં તેની ત્રીજા નંબરની અને 2023માં ત્રીજા નંબરની રૅન્ક વચ્ચે પણ એક દશકાનું લાંબુ અંતર હતું.

રૅન્કિંગ વચ્ચેના એક દાયકાના અંતરમાં બોપન્ના હિંમત નહોતો હાર્યો અને ટેનિસની પૅશનને કારણે તેણે કરીઅરને આગળ ધપાવવા પર જ ધ્યાન આપ્યું હતું. આ બધુ યુવા વર્ગ માટે મોટી પ્રેરણા કહી શકાય. તે વિસ્ફોટક કહી શકાય એવો ખેલાડી નહોતો. 2024 પહેલાં તેણે ખાસ કંઈ ચમત્કારિક કે જાદુઈ પર્ફોર્મ પણ નહોતું કર્યું અને ઘૂંટણમાં કાર્ટલિજની ઊણપને કારણે તે જિમ્નેશ્યમમાં વર્કઆઉટ પણ નહોતો કરી શકતો. આ બધી કઠણાઈ વચ્ચે તેણે ફિટ રહેવા યોગને માધ્યમ બનાવ્યું હતું અને સ્વિમિંગનો સહારો પણ લીધો હતો.

બોપન્નાનો જન્મ 1980માં બેંગલૂરુમાં થયો હતો. તેને ટીમ-ગેમમાં (જેમ કે ક્રિકેટ, ફૂટબૉલ, બાસ્કેટબૉલ વગેરે) રસ હતો, પરંતુ તેના પિતા ઇચ્છતા હતા કે તે વ્યક્તિગત રમતમાં (વન-ટુ-વન રમતમાં) ભાગ લે અને એમાં આગળ વધીને કરીઅર બનાવે. પિતાનું માનીને તેણે ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. 2007માં તે ટેનિસની સિંગલ્સમાં 213ની રૅન્ક સુધી પહોંચ્યો હતો, પરંતુ ડબલ્સમાં છ વર્ષ બાદ (2013માં) ત્રીજી રૅન્ક પર પહોંચી ગયો હતો.

એક સમયે બોપન્ના અને પાકિસ્તાનના ઐસામ-ઉલ-કુરેશીની જોડી ડબલ્સની ટેનિસમાં છવાઈ ગઈ હતી. તેઓ 2007ની સાલમાં સતત ચાર ચૅલેન્જર ટાઇટલ જીત્યા હતા. તેમની જોડી લાંબા સમય સુધી `ઇન્ડો-પાક એક્સપ્રેસ’ તરીકે ઓળખાતી હતી. બોપન્નાએ 2012 અને 2016ની ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેની નિવૃત્તિથી ભારતના ગ્રૅન્ડ સ્લૅમ વિજેતાઓના એક યુગનો અંત આવી ગયો છે.

આ પણ વાંચો…સ્પોર્ટ્સમૅનઃ સિલેક્શન કમિટી ટીમ પસંદ કરી લે પછી વિદેશ પ્રવાસમાં એનું શું કામ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button