રાજકીય મતભેદો ભૂલી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે બેસીને મેચ નિહાળી
IPL 2024સ્પોર્ટસ

રાજકીય મતભેદો ભૂલી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે બેસીને મેચ નિહાળી

રમત ગમત લોકોને એકબીજાના નજીક લાવે છે, લોકો ભલે બે દેશ, બે ધર્મ અથવા બે પક્ષના હોઈ હોય. ગઈ કાલે રવિવારે ધર્મશાલા સ્ટેડિયમમાં એક ખાસ દ્રશ્ય જોવા મળ્યું હતું. જ્યાં રાજકીય હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ રાજકીય મતભેદોને ભૂલીને ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપ ક્રિકેટ મેચ સાથે બેસીને નિહાળતા જોવા મળ્યા હતા.

હિમાચલ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, હિમાચલ પ્રદેશના ઉદ્યોગ પ્રધાન હર્ષ વર્ધન અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા જય રામ ઠાકુરે સાથે બેસીને મેચની મજા માણી હતી. આ સિવાય હિમાચલ પ્રદેશ બીજેપી અધ્યક્ષ ડૉ. રાજીવ બિંદલ અને કોંગ્રેસના અન્ય ઘણા વિધાનસભ્યો પણ મેચ જોવા માટે ધર્મશાલા સ્ટેડિયમ પહોંચ્યા હતા.

હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે, “આ ઈવેન્ટ આપણા દેશના રમતગમત માટેના ઉત્સાહનો પુરાવો છે.”

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન સુખવિંદર સિંહ સુખુ VVIP સ્ટેન્ડમાં જેપી નડ્ડા અને અનુરાગ ઠાકુર વચ્ચે બેઠા હતા. આ દરમિયાન તેઓ અનુરાગ ઠાકુરનો હાથ પકડી વાતો કરતા જોવા મળ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના અધ્યક્ષ અરુણ ધૂમલ અને હિમાચલ પ્રદેશ રાજ્ય પ્રવાસન નિગમના અધ્યક્ષ રઘુબીર સિંહ બાલી પણ મેચ જોવા આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રવિવારે ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવી વર્લ્ડ કપમાં સતત પાંચમી જીત નોંધાવી . ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આ વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં પાંચ વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું અને ન્યૂઝીલેન્ડને 273 રન પર રોકી દીધું. ત્યાર બાદ વિરાટ કોહલીની 95 રનની જબરદસ્ત ઈનિંગના કારણે ભારતે ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી હતી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button