ભારતીયોના ઇંગ્લૅન્ડ-પ્રવાસમાં મિડલ-ઑર્ડરના બે સ્થાન માટે છ દાવેદાર, જાણી લો કોણ-કોણ…

નવી દિલ્હીઃ આઇપીએલ પચીસમી મેએ પૂરી થશે ત્યાર બાદ જૂનમાં ભારતીય ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય મૅચોની સફર શરૂ થશે જેમાં આઇપીએલમાં જ ચમકી રહેલા કેટલાક યુવા અને અમુક પીઢ ખેલાડીઓને રમવાનો મોકો મળી શકે. વાત એવી છે કે 20મી જૂને ઇંગ્લૅન્ડ (ENGLAND)માં ભારતની ટીમ પાંચ ટેસ્ટની સિરીઝ શરૂ થશે.
એ જ અરસામાં બીસીસીઆઇ (BCCI) તરફથી ઇન્ડિયા એ' ટીમને પણ મોકલવામાં આવશે જેઓ ત્યાંની સ્થાનિક ટીમો સામે મૅચો રમશે. હવે વાત એવી છે કે ભારતની ટેસ્ટ-ટીમ (TEST TEAM) અને ઇન્ડિયા
એ’ ટીમમાં બૅટિંગના મિડલ-ઑર્ડરમાં કુલ મળીને બે કે બેથી વધુ સ્થાન ખાલી પડ્યા હશે જે ભરવા માટે અજિત આગરકર અને તેમના સાથી સિલેક્ટરોએ સુખદ મથામણ કરવી પડશે. આ બે સ્થાન માટે તેમની પાસે ઓછામાં ઓછા છ દાવેદાર હશે.
આપણ વાંચો: અશ્વિનના પિતાએ છેલ્લી બે ટેસ્ટની ટિકિટ બુક કરાવી હતી, પણ જ્યારે…
2024ના નવેમ્બરમાં બીસીસીઆઇ (BCCI)એ ઑસ્ટ્રેલિયાના ટેસ્ટ પ્રવાસ માટે ભારતથી 17 ખેલાડીઓને મોકલ્યા હતા, પરંતુ ઇંગ્લૅન્ડ ખાતેના આગામી પ્રવાસમાં 15થી 16 ખેલાડીઓને મોકલવામાં આવશે, કારણકે ઇન્ડિયા એ'ની સિરીઝ એ અરસામાં ત્યાં ચાલતી હશે એટલે જરૂર પડશે તો એમાંથી કોઈ ખેલાડીને ટીમ ઇન્ડિયામાં સમાવી શકાશે.
જો બધુ બરાબર ચાલશે તો આ બૅટ્સમેનના નામ ટેસ્ટ-ટીમમાં જોવા મળશે જઃ રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ અને શુભમન ગિલ. ઑલરાઉન્ડરના સ્થાન માટે નીતીશ કુમાર રેડ્ડી નક્કી જણાય છે. જો ઇંગ્લૅન્ડના પ્રવાસે ભારતીય સિલેક્ટરો 15 ખેલાડીઓને મોકલવાના હશે તો એમાં વધારાના એક મિડલ-ઑર્ડર બૅટ્સમૅનનો એમાં સમાવેશ હશે.
આપણ વાંચો: શું તમે જાણો છો કે રોહિત ઑસ્ટ્રેલિયામાં સિરીઝની પહેલી ટેસ્ટ કદાચ કેમ નથી રમવાનો?
જો 16 ખેલાડીઓ મોકલવાના હશે તો એમાં મિડલના વધારાના બે બૅટ્સમેન સમાવવા પડશે. આઇપીએલમાં ઝળકી રહેલા આ છ બૅટ્સમેનમાંથી કોઈ એક કે બે ખેલાડીને ટીમ ઇન્ડિયામાં રમવા મળી શકે. બીજા બૅટ્સમેનનો ઇન્ડિયા
એ’ ટીમમાં સમાવેશ કરાશે એવી ધારણા છેઃ સાઇ સુદર્શન, શ્રેયસ ઐયર, રજત પાટીદાર, કરુણ નાયર, દેવદત્ત પડિક્કલ અને સરફરાઝ ખાન.
આ બધામાંથી સુદર્શન અને કરુણ નાયર પર સૌની નજર રહેશે. મંગળવારે આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યાં સુધીમાં ગુજરાત ટાઇટન્સના સુદર્શનના 417 રન આઇપીએલની વર્તમાન સીઝનમાં તમામ બૅટ્સમેનમાં સૌથી વધુ હતા. કરુણ નાયર દિલ્હી કૅપિટલ્સ વતી રમે છે અને તેણે માર્ચ મહિનામાં રણજી ટ્રોફીમાં કેરળ સામેની ફાઇનલમાં મૅચ-વિનિંગ (86 રન અને 135 રન) પર્ફોર્મ કરીને વિદર્ભને ટાઇટલ અપાવ્યું હતું.