ઇસ્લામાબાદ: ભારતના ટેનિસ ખેલાડીઓ પાકિસ્તાનમાં ટેનિસની ટૂર્નામેન્ટ રમવા ગયા હોવાનો બનાવ છ દાયકા બાદ (60 વર્ષે) પહેલી વાર બન્યો અને એમાં ભારતે પાકિસ્તાનની જ ધરતી પર એના જ ખેલાડીઓનો વ્હાઇટવૉશ કર્યો છે. શનિવારે ભારતે 2-0ની સરસાઈ મેળવ્યા પછી રવિવારે વધુ બે મૅચ જીતીને 4-0થી ક્લીન સ્વીપ કરી.
એ સાથે, ભારતે ડેવિસ કપના વર્લ્ડ ગ્રૂપમાં સ્થાન મેળવી લીધું છે. ડેવિસ કપ એટલે ટેનિસનો વર્લ્ડ કપ અને એના ઇતિહાસમાં ભારતનો પાકિસ્તાન સામે આ લાગલગાટ આઠમો વિજય છે. આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ભારત ક્યારેય પાકિસ્તાન સામે નથી હાર્યું.
શનિવારે સિંગલ્સમાં રામકુમાર રામનાથન અને ડબલ્સના સ્પેશિયાલિસ્ટ એન. શ્રીરામ બાલાજીએ પાકિસ્તાનના ખેલાડીઓ અનુક્રમે ઐસામ ઉલ હક કુરેશી અને અકીલ ખાનને હરાવ્યા હતા. રવિવારે ડબલ્સમાં યુકી ભાંબરી અને સાકેત માયનેનીની જોડીએ મુઝમ્મીલ મુર્તઝા તથા અકીલ ખાનની જોડીને 6-2, 7-6 (7-5)થી હરાવી દીધી હતી અને એ સાથે ભારતે વર્ચસ જાળવી રાખ્યું હતું.
પાકિસ્તાને યુકી-સાકેતની અનુભવી જોડી સામે પોતાના ઓછા અનુભવી ખેલાડી બરકત ઉલ્લાને બદલે અકીલ ખાનને રમાડવાનું નક્કી કર્યું હતું, પરંતુ ભારતીય જોડી સામે તે ડબલ્સમાં પણ નિષ્ફળ ગયો હતો અને ભારતે 3-0થી સરસાઈ મેળવી લીધી હતી. ડબલ્સમાં ખાસ કરીને યુકીના પર્ફોર્મન્સ સામે પાકિસ્તાની પ્લેયરો સાવ નબળા પુરવાર થયા હતા.
પાંચ મૅચના મુકાબલામાં ભારતે 3-0થી વિજય મેળવી જ લીધો હતો એટલે ચોથી તથા પાંચમી મૅચનો કોઈ મતલબ નહોતો, પરંતુ ચોથી મૅચ રાખવામાં આવી હતી જેમાં નિકી પૂનાચાએ વિનિંગ ડેબ્યૂ કર્યું હતું. પૂનાચાએ મુહમ્મદ શોએબને 6-3, 6-4થી હરાવીને ભારતને 4-0થી લીડ અપાવી હતી. છેવટે પાંચમી મૅચ રાખવામાં જ નહોતી આવી.
ભારત હવે સપ્ટેમ્બરમાં વર્લ્ડ ગ્રૂપ-વનમાં રમશે, જ્યારે પાકિસ્તાન ગ્રૂપ-ટૂમાં જ રહેશે.
ઇસ્લામાબાદની ટેનિસ કોર્ટમાં ભારે સલામતી વચ્ચે ભારત-પાકિસ્તાનના આ ટેનિસ મુકાબલા રાખવામાં આવ્યા હતા. સલામતીના તથા અવરજવરની મર્યાતાને લગતા આ માહોલમાં ભારતીય ખેલાડીઓએ અસલામતીના કોઈ પણ પ્રકારના ભય વગર રમવાનું ચાલુ રાખ્યું હતું અને પોતાની ટૅલન્ટ તથા ક્ષમતા પુરવાર કર્યા હતા.
આ ટૂર્નામેન્ટ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ વિના સફળતાથી પૂરી થઈ હતી. પાકિસ્તાન ટેનિસ ફેડરેશને ખેલાડીઓની આસપાસ ખૂબ જ અસરદાર સલામતી કવચ ઊભું કર્યું હતું. ભારતના નૉન-પ્લેઇંગ કૅપ્ટન ઝીશાન અલીએ આ સ્પર્ધા ને લગતી તમામ વ્યવસ્થાને બિરદાવી હતી અને પાકિસ્તાન ફેડરેશનનો આભાર માન્યો હતો.