રિષભ પંત વિશે બીસીસીઆઇએ મહત્ત્વની જાહેરાત કરી
મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ ક્રિષ્ના અંગે પણ ક્રિકેટ બોર્ડે નિવેદન બહાર પાડ્યું
નવી દિલ્હી: વિકેટકીપર-બૅટર છેલ્લે ડિસેમ્બર 2022માં (15 મહિના પહેલાં) રમ્યો હતો અને હવે ફરી મેદાન પર ઊતરવા ઘણા અઠવાડિયાથી પ્રૅક્ટિસ કર્યા બાદ તેને એનું ફળ મળવા લાગ્યું છે. બીસીસીઆઇએ પંત વિશે મહત્ત્વની જાહેરાત ટ્વિટર પર કરી છે જેમાં પંતને ફિટ જાહેર કરવામાં આવ્યો છે.
પંતને ડિસેમ્બર, 2022માં કાર દુર્ઘટનામાં ગંભીર ઈજા થઈ હતી. તેણે ઘૂંટણમાં ઑપરેશન કરાવવું પડ્યું હતું જેને કારણે તે 2023ની આઇપીએલમાં નહોતો રમી શક્યો.
જોકે બીસીસીઆઇએ સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે ‘રિષભ પંતને પંદર મહિના પહેલાં એટલી ગંભીર ઈજા થઈ હતી કે એ અકસ્માત તેના માટે જીવલેણ બની શક્યો હોત. 14 મહિનાની રિહૅબ અને રિકવરીની પ્રક્રિયા બાદ હવે પંતને આઇપીએલ-2024 માટે ફિટ ઘોષિત કરવામાં આવી રહ્યો છે. તે વિકેટકીપર અને બૅટર તરીકે રમી શકશે.’
પંત દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન છે અને ટીમના માલિક પાર્થ જિંદાલે થોડા જ દિવસ પહેલાં તેને ટીમના સુકાની તરીકે જાહેર કર્યો હતો.
જોકે પેસ બોલરો મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ ક્રિષ્ના વિશે ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કહી દીધું છે કે આ બન્ને બોલર ઈજાને લીધે બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલમાં નહીં રમે.
શમી છેલ્લે નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યો હતો. તેણે એ વિશ્ર્વ કપમાં માત્ર સાત મૅચમાં હાઈએસ્ટ 24 વિકેટ લીધી હતી. 2023ની આઇપીએલમાં સૌથી વધુ 28 વિકેટ શમીની હતી. તે ગુજરાત ટાઇટન્સ ટીમમાં છે.
પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના ઈજાને લીધે 2023 પછી 2024ની આઇપીએલમાં પણ નહીં રમી શકે.
રાજસ્થાન રૉયલ્સની ટીમ સતત બીજી સીઝનમાં ક્રિષ્નાની બોલિંગ ગુમાવશે. તેને સાથળમાં દુખાવો છે. તાજેતરમાં રણજી ટ્રોફીમાં કર્ણાટકની ટીમ વતી એક મૅચમાં રમતી વખતે તેને આ ઈજા નડી હતી જેને લીધે તે હવે આઇપીએલ પણ ગુમાવશે.