ન્યૂ ઝીલેન્ડને ઘરઆંગણે પહેલીવાર ટવેન્ટી-20માં હરાવીને બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ

નેપિયરઃ બાંગ્લાદેશે ન્યૂ ઝીલેન્ડને પહેલી જ વખત ટવેન્ટી-20 મેચમાં શાનદાર જીત મેળવી છે. ત્રણ મેચની સીરીઝની પ્રથમ મેચમાં બાંગ્લાદેશી ટીમે કિવી ટીમને 5 વિકેટે હરાવ્યું છે. આવું પહેલી વાર બન્યુ છે, જ્યારે બાંગ્લાદેશે ઘરઆંગણે ટી20 મેચમાં ન્યૂ ઝીલેન્ડને હરાવ્યું હોય. મેહદી હસન આ ઐતિહાસિક જીતનો હીરો રહ્યો હતો. તેના ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે બાંગ્લાદેશની ટીમ જીત મેળવી શકી હતી.
નેપિયરમાં રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસેન શાંતોએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અહીં ન્યૂ ઝીલેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કિવિ ટીમની ત્રણ વિકેટ માત્ર એક રનના સ્કોર પર પડી ગઈ હતી. મેહદી હસને પ્રથમ જ ઓવરમાં ટિમ સેફર્ટને શૂન્ય રને પેવેલિયન મોકલી દીધો હતો. આગલી જ ઓવરમાં શોરીફુલ ઈસ્લામે બેક ટૂ બેક બોલમાં ફિન એલન 1 રન અને ગ્લેન ફિલિપ્સને શૂન્ય રને આઉટ કર્યા હતા.
ડેરિલ મિશેલ 14 રન અને માર્ક ચેપમેન 19 રને ન્યૂઝીલેન્ડને અમૂક હદ સુધી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને મોટી ઇનિંગ્સ રમી શક્યા ના હતા. આ પછી જેમ્સ નિશમે 29 બોલમાં 48 રન કર્યા અને કીવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. મિશેલ સેન્ટનર 23 રન અને એડમ મિલ્ને 16 રને પણ તેને સારો સાથ આપ્યો હતો. આ રીતે નિર્ધારિત 20 ઓવરમાં ન્યૂઝીલેન્ડની ટીમ 9 વિકેટે 134 રન કરી શકી હતી. બાંગ્લાદેશ તરફથી શોરીફુલે ત્રણ, મહેદી હસન અને મુસ્તાફિઝુર રહેમાને બે-બે અને તન્ઝીમ અને રિશાદે એક-એક વિકેટ લીધી હતી.
135 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બાંગ્લાદેશે 13 રનના કુલ સ્કોર પર રોની તાલુકદારની વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન શાંતો 19 રન પર આઉટ થયો હતો. સૌમ્ય સરકાર 22 રનની વિકેટ કુલ 67ના કુલ સ્કોર પર તૌહીદ હદ્દૂય 19 રનની 96ના કુલ સ્કોર પર અને અફિફ હુસૈન 1 રનની વિકેટ 97ના કુલ સ્કોર પર પડી હતી.
અહીંથી મેહદી હસને 16 બોલમાં 19 રનની ઇનિંગ રમી હતી અને ઓપનર લિટન દાસને ખૂબ જ સારો સાથ આપ્યો હતો અને છઠ્ઠા બોલમાં અણનમ 40 રન કર્યા હતા. બંનેએ ભાગીદારી કરીને બાંગ્લાદેશને ઐતિહાસિક જીત અપાવી હતી.