સ્પોર્ટસ

વિરારના ટીનેજ ક્રિકેટરે અમદાવાદમાં યશસ્વી જયસ્વાલનો કયો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો!

અમદાવાદઃ અહીં ચાલી રહેલી વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં મુંબઈના 17 વર્ષીય ઓપનર આયુષ મ્હાત્રેએ મુંબઈના જ ખેલાડી યશસ્વી જયસ્વાલનો એક વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો છે.

આયુષની ઉંમર 17 વર્ષ અને 168 દિવસ છે અને તે લિસ્ટ-એ ક્રિકેટ તરીકે ઓળખાતી ડોમેસ્ટિક વન-ડે ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં 150-પ્લસ રન બનાવનાર સૌથી યુવાન ખેલાડી બન્યો છે. યશસ્વીએ 2019માં પહેલી વાર લિસ્ટ-એમાં 150-પ્લસ રન બનાવ્યા હતા ત્યારે તેની ઉંમર 17 વર્ષ, 291 દિવસ હતી.

ટીનેજ ઓપનર આયુષ વિરારમાં રહે છે. તે મુંબઈ વતી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે અને તે બહુ સારા ફૉર્મમાં છે. તાજેતરમાં ઇરાની કપમાં મુંબઈ ચૅમ્પિયન બન્યું ત્યારે પણ આયુષ મુંબઈની ટીમમાં હતો. તેણે રણજી ટ્રોફીની ડેબ્યૂ મૅચમાં 71 બૉલમાં બાવન રન બનાવ્યા હતા.

આપણ વાંચો: વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈ, ગુજરાત, સૌરાષ્ટ્ર, બરોડાનો વિજય…

જોકે બરોડા સામેની એ સીઝનની પ્રથમ મૅચમાં મુંબઈનો પરાજય થયો હતો. ત્યાર બાદ આયુષે મહારાષ્ટ્ર સામેની મૅચમાં 232 બૉલમાં 176 રન બનાવ્યા હતા જેમાં તેની ચાર સિક્સર અને બાવીસ ફોર સામેલ હતી. તેણે આ સીઝનની શરૂઆતમાં ડિફેન્ડિંગ રણજી ચૅમ્પિયન મુંબઈ વતી ડેબ્યૂ કર્યું છે ત્યારથી મુંબઈની ટીમે ઓપનિંગમાં બહુ સારી શરૂઆતો કરી છે.

રાઇટ-હૅન્ડ બૅટર આયુષે આજે અમદાવાદમાં નાગાલૅન્ડ સામેની વિજય હઝારે ટ્રોફી મૅચમાં જબરદસ્ત ફટકાબાજી કરી હતી. આયુષે 117 બૉલમાં અગિયાર સિક્સર અને પંદર ફોરની મદદથી 181 રન ખડકી દીધા હતા. શાર્દુલ ઠાકુર મુંબઈનો કૅપ્ટન છે અને તેણે પણ જોરદાર હિટિંગ કર્યું હતું.

તેણે માત્ર 28 બૉલમાં આઠ સિક્સર અને બે ફોર સાથે અણનમ 73 રન બનાવ્યા હતા. મુંબઈએ આ વન-ડેમાં 50 ઓવરમાં સાત વિકેટે 403 રન ખડકી દીધા હતા અને પછી જગદીશ સુચિથના 104 રન છતાં નાગાલૅન્ડને 50 ઓવરમાં નવ વિકેટે બનેલા 214 રન સુધી સીમિત રાખ્યું હતું અને 189 રનથી વિજય મેળવ્યો હતો.

આપણ વાંચો: વિજય હઝારે ટ્રોફીઃ 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો નવો રેકોર્ડ

શાર્દુલે સૌથી વધુ ત્રણ વિકેટ અને રૉયસ્ટન ડાયસ તથા સૂર્યાંશ શેડગેએ બે-બે વિકેટ લીધી હતી.
આયુષને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. તેને તાજેતરમાં સર્વિસીઝ સામેની રણજી મૅચની સેન્ચુરી (149 બૉલમાં 116 રન) બદલ અન્ડર-19 એશિયા કપ માટેની ટીમમાં સ્થાન મળ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button