ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ; વેસ્ટ ઇન્ડિઝ માત્ર 27 રનમાં ઓલઆઉટ, આ રેકોર્ડ્સ તૂટ્યા

જમૈકા: ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાયેલી ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં વેસ્ટ ઈન્ડિઝની શરમજનક હાર થઇ (WI vs AUS test series) છે, જમૈકાના કિંગ્સ્ટનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ મેજબાન ટીમને 176 રનથી હરાવી, આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ 3-0થી સિરીઝ જીતી અને વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઇટવોશ થઇ ગયો.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે શરમજનક વાત એ રહી કે બીજી ઇનિંગમાં ટીમ માત્ર 27 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ. આ સાથે વેસ્ટ ઈન્ડિઝે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં બીજો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો.
ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ તૂટતા બચ્યો:
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે, વર્ષ 1955માં ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 26 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ ન્યૂઝીલેન્ડનાં રેકોર્ડની બરાબરી પણ કરી શક્યું હોત, પરંતુ સેમ કોન્સ્ટાસની મિસફિલ્ડને કારણે વેસ્ટ ઈન્ડિઝને એક રન મળી ગયો અને ટીમ આ રેકોર્ડની બરાબરી કરવાથી માંડ માંડ બચી ગઈ.
જો ટેસ્ટની ચોથી ઇનિંગમાં બનેલા સૌથી ઓછા સ્કોર પર નજર કરવામાં આવે તો આ બાબતે વેસ્ટ ઈન્ડિઝે સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો છે. વર્ષ 1896માં દક્ષિણ આફ્રિકાની ટીમ ચોથી ઇનિંગમાં 30 રનમાં જ આઉટ થઈ ગઈ હતી.
વધુ એક શરમજનક રેકોર્ડ:
વેસ્ટ ઇન્ડીઝના 4 બેટર તેના પહેલા બોલ પર જ ખાતું ખોલાવ્યા વગર આઉટ થયા, વેસ્ટ ઈન્ડિઝની બીજી ઇનિંગમાં કુલ 7 બેટર શૂન્ય રન પર એટલે કે ડક આઉટ થયા. આ રીતે, વેસ્ટ ઈન્ડિઝે ટેસ્ટની એક ઇનિંગમાં સૌથી વધુ ડક આઉટનો રેકોર્ડ તોડ્યો.
મિશેલ સ્ટાર્કે તરખાટ મચાવ્યો:
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક(Mitchell Starc)નું પ્રદર્શન શાનદાર રહ્યું. સ્ટાર્કે તેની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝની 6 વિકેટ ખેરવી અને માત્ર 9 જ રન આપ્યા. તેણે પહેલા 15 બોલમાં 5 વિકેટ લીધી, ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી ઝડપી 5 વિકેટ ઝડપવાનો આ રેકોર્ડ હવે સ્ટાર્કના નામે થઇ ગયો છે.
આ પણ વાંચો….ભારતીય બૅટ્સમેનો બ્રિટિશ બોલર્સનો પડકાર ન ઝીલી શક્યા, પરાજયની નજીક પહોંચી ગયા