મમ્મી બસ કન્ડકટર…પુત્ર બન્યો મુંબઈ ટી-20 લીગનો સૌથી મોંઘો ખેલાડી!

મુંબઈઃ આગામી 26મી મેએ શરૂ થનારી મુંબઈ ટી-20 લીગ (MUMBAI T20 LEAGUE)ની ત્રીજી સીઝન માટે બુધવારે ખેલાડીઓના ઑક્શન માટેનો સમારોહ યોજાયો હતો જેમાં સૌથી વધુ 16.25 લાખ રૂપિયાના ભાવે ખરીદવામાં આવેલા સ્પિન-ઑલરાઉન્ડર અથર્વ અંકોલેકર (ATHARVA ANKOLEKAR)ની મમ્મી મુંબઈમાં બસ કન્ડકટર (Bus conductor) છે.
તેમણે પતિના નિધન બાદ પરિવારનું ગુજરાન ચલાવવા ઉપરાંત પુત્ર અથર્વને ક્રિકેટર બનાવવા નૈતિક અને આર્થિક રીતે ઘણું બલિદાન આપ્યું હતું. અથર્વ 24 વર્ષનો છે. તેણે ફર્સ્ટ ક્લાસ સ્તરની મૅચો સહિત તમામ બિન-આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કુલ 32 મૅચમાં 325 રન કર્યા છે અને 27 વિકેટ લીધી છે.
આપણ વાંચો: હિટમૅન બન્યો ટી-20 મુંબઈ લીગનો ઍમ્બેસેડર
લેફ્ટ-આર્મ સ્પિનર અથર્વના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી સચિન તેન્ડુલકર પણ પ્રભાવિત થયો છે. પાંચ વર્ષ પહેલાં અન્ડર-19 વર્લ્ડ કપમાં અથર્વએ અસાધારણ પર્ફોર્મ કર્યું હતું અને ભારતને ટ્રોફી અપાવવામાં તેનું મોટું યોગદાન હતું. શ્રીલંકા સામેની ફાઇનલમાં તેણે 28 રનમાં પાંચ વિકેટ લીધી હતી અને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો.
અથર્વના પિતા મુંબઈમાં ટ્રાન્સપોર્ટ પબ્લિક સર્વિસમાં નોકરી કરતા હતા. પુત્રને ક્રિકેટર બનાવવામાં તેમનું પણ મોટું યોગદાન છે. તેમણે આઠ વર્ષ સુધી નાઇટ-ડ્યૂટી સ્વીકારી હતી. તેમના ઓચિંતા નિધન બાદ અથર્વની મમ્મી વૈદેહીએ ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી અને બેસ્ટની બસનાં કન્ડકટર તરીકેની નોકરી કરીને પૈસા એકઠાં કરીને પુત્રને મુંબઈ ક્રિકેટમાં અનેરું સ્થાન અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
અથર્વને મુંબઈ ટી-20 લીગ માટેની હરાજીમાં ઇગલ થાણે સ્ટ્રાઇકર્સ ટીમે ખરીદ્યો છે. તેણે આઇપીએલની ચેન્નઈની ટીમના 17 વર્ષીય ઓપનર આયુષ મ્હાત્રેને પણ પાછળ રાખી દીધો હતો. આયુષને ટ્રાયમ્ફ નાઇટ્સ મુંબઈ નૉર્થ-ઈસ્ટ નામની ટીમે 14.75 લાખ રૂપિયામાં મેળવ્યો છે.
આપણ વાંચો: રોમારિયો શેફર્ડ: ટી-20 ક્રિકેટનો સૌથી ડેન્જરસ મૅચ-ફિનિશર
મુંબઈ ટી-20 લીગમાં મુખ્યત્વે કોને કઈ ટીમે કેટલામાં ખરીદ્યા?
(1) ટ્રાયમ્ફ નાઇટ્સ મુંબઈ નૉર્થ-ઈસ્ટઃ (સૂર્યકુમાર યાદવ, આઇકન પ્લેયર, 20 લાખ રૂપિયા), આયુષ મ્હાત્રે (14.75 લાખ રૂપિયા), સૂર્યાંશ શેડગે (13.75 લાખ રૂપિયા).
(2) બાંદરા બ્લાસ્ટર્સઃ (અજિંક્ય રહાણે, આઇકન પ્લેયર, 20 લાખ રૂપિયા), સુવેદ પારકર (8.50 લાખ રૂપિયા), આકાશ આનંદ (8.25 લાખ રૂપિયા).
(3) ઇગલ થાણે સ્ટ્રાઇકર્સઃ (શાર્દુલ ઠાકુર, આઇકન પ્લેયર, 20 લાખ રૂપિયા), અથર્વ અંકોલેકર (16.25 લાખ રૂપિયા), સાઇરાજ પાટીલ (15 લાખ રૂપિયા).
(4) મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રૉયલ્સઃ (તુષાર દેશપાંડે, આઇકન પ્લેયર, 20 લાખ રૂપિયા), સિદ્ધેશ લાડ (10.25 લાખ રૂપિયા), ઇરફાન ઉમૈર (9.25 લાખ રૂપિયા)
(5) આકાશ ટાઇગર્સ મુંબઈ વેસ્ટર્ન સબર્બ્સઃ (સરફરાઝ ખાન, આઇકન પ્લેયર, 20 લાખ રૂપિયા), શમ્સ મુલાની (14 લાખ રૂપિયા), જય બિશ્તા (12 લાખ રૂપિયા).
(6) એઆરસીએસ અંધેરીઃ (શિવમ દુબે, આઇકન પ્લેયર, 20 લાખ રૂપિયા), મુશીર ખાન (15 લાખ રૂપિયા), પ્રસાદ પવાર (13 લાખ રૂપિયા).
(7) સોબો મુંબઈ ફાલ્ક્ન્સઃ (શ્રેયસ ઐયર, આઇકન પ્લેયર, 20 લાખ રૂપિયા), અંગક્રિશ રઘુવંશી (14 લાખ રૂપિયા), આકાશ પારકર (11.25 લાખ રૂપિયા).
(8) નૉર્થ મુંબઈ પૅન્થર્સઃ (પૃથ્વી શૉ, આઇકન પ્લેયર. 20 લાખ રૂપિયા), મોહિત અવસ્થી (10.50 લાખ રૂપિયા), તનુષ કોટિયન (10 લાખ રૂપિયા).