જાડેજા પર અશ્ર્વિન અને ભરત પર બુમરાહ ભડક્યો!
હૈદરાબાદ: ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં શનિવારના ત્રીજા દિવસે વનડાઉન બૅટર ઑલી પોપે ઝમકદાર અણનમ સેન્ચુરીથી ભારતીય ટીમને વળતો જવાબ આપ્યો એને બાદ કરતા આખી મૅચમાં મોટા ભાગે રોહિત શર્મા ઍન્ડ કંપનીનું જ વર્ચસ રહ્યું છે, પરંતુ બે ક્ષણ એવી આવી ગઈ જેમાં ભારતીય પ્લેયરે સાથી ખેલાડી પર જ આક્રોશ ઠાલવવો પડ્યો હતો. શુક્રવારે રવીન્દ્ર જાડેજા પર રવિચન્દ્રન અશ્ર્વિન થોડો ગુસ્સે થયો હતો અને શનિવારે જસપ્રીત બુમરાહે મગજ પરથી કાબૂ ગુમાવીને વિકેટકીપર શ્રીકાર ભરત પર ક્રોધ ઠાલવ્યો હતો.
બન્યું એવું કે શુક્રવારના બીજા દિવસે ભારતની 89મી ઓવરમાં વિકેટકીપર શ્રીકાર ભરત 41 રન બનાવીને આઉટ થયા પછી આઠમા નંબરે રમવા આવેલો રવિચન્દ્રન અશ્ર્વિન માંડ ક્રીઝમાં સેટ થયો હતો ત્યાં રવીન્દ્ર જાડેજા સાથેની ગેરસમજના પરિણામે તેણે રનઆઉટમાં વિકેટ ગુમાવવી પડી હતી.
ગુરુવારના પહેલા દિવસે પ્રથમ દાવમાં જાડેજા અને અશ્ર્વિને બહુ સારા તાલમેલથી બ્રિટિશ બૅટર્સની ખબર લઈ નાખી હતી અને ત્રણ-ત્રણ વિકેટ લઈને ઇંગ્લૅન્ડને 246 રન સુધી સીમિત રખાવ્યું હતું. એટલું જ નહીં, જાડેજા-અશ્ર્વિનની જોડી 504 વિકેટ લઈને ભારતીય બોલરોની જોડીઓમાં નંબર-વન જોડી પણ બની હતી, પણ બૅટિંગમાં તેમની પેર લાંબુ નહોતી ટકી શકી.
ભારતની કુલ ચાર વિકેટ લેનાર જો રૂટે ભરતને એલબીડબ્લ્યૂમાં આઉટ કર્યો ત્યાર પછી દસ જ બૉલમાં બ્રિટિશરોને અશ્ર્વિનની મહત્ત્વની વિકેટ મળી ગઈ હતી.
અશ્ર્વિને આઘાતજનક રનઆઉટમાં વિકેટ ગુમાવીને બહુ જલદી પૅવિલિયન ભેગા થવું પડ્યું હતું. રૂટની નવી ઓવરના ત્રીજા બૉલને અશ્ર્વિને કવર તરફ મોકલ્યો હતો અને તરત જ રન લેવા દોડ્યો હતો. જાડેજાએ પણ કૉલના જવાબમાં સામા છેડેથી સ્ટાર્ટ આપ્યું હતું, પરંતુ ફીલ્ડર ટૉમ હાર્ટલીને તરત જ બૉલ પર કબજો જમાવતો જોઈને જાડેજાએ નિર્ણય બદલ્યો અને પાછો પોતાની ક્રીઝમાં આવી ગયો હતો.
જોકે અશ્ર્વિનનું ધ્યાન બૉલ પર જ હતું એટલે તેને જાડેજાના પાછા જવાનું ધ્યાનમાં જ નહોતું આવ્યું. પરિણામ એ આવ્યું કે જાડેજાવાળા છેડે અશ્ર્વિન પણ આવી પહોંચ્યો હતો, જ્યારે હાર્ટલીએ બૉલ વિકેટકીપર બેન ફૉક્સને આપી દીધો જેણે સ્ટમ્પ્સ પરની બેલ્સ ઉડાડી દીધી હતી. અશ્ર્વિન થોડો જાડેજા પર ખફા થયો હતો, પણ સ્થિતિને સમજીને નિરાશ હાલતમાં પાછો ગયો હતો.
શનિવારના ત્રીજા દિવસે બીજા સેશનમાં બુમરાહના બૉલમાં ઇંગ્લિશ ઓપનર બેન ડકેટ એલબીડબ્લ્યૂની અપીલમાં બચી ગયો હતો. બન્યું એવું કે બુમરાહે ઓવરના છેલ્લા બૉલમાં ડકેટ સામે લેગ બિફોરની જોરદાર અપીલ કરી હતી. જોકે કૅપ્ટન રોહિત શર્માએ વિકેટકીપર શ્રીકાર ભરત સાથેની ચર્ચા પછી બુમરાહની અપીલને નજરઅંદાજ કરીને ડીઆરએસમાં જવાનું (થર્ડ અમ્પાયરની મદદ લેવાનું) ટાળ્યું હતું. ઓવર પૂરી થયા બાદ બિગ સ્ક્રીન પર બતાવેલા રિપ્લે મુજબ બૉલ જો ડકેટને ન વાગ્યો હોત તો સીધો સ્ટમ્પ્સમાં ગયો હોત એટલે જો ભારતીય ટીમે રિવ્યૂ લીધી હોત તો ડકેટની વિકેટ પડી ગઈ હોત. એ તબક્કે બુમરાહે ભરત પર ગુસ્સે થઈને તેને કંઈક કહ્યું હતું. બુમરાહના એ ક્રોધાવેશનો વીડિયો તરત જ ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો હતો.
સામાન્ય રીતે ફાસ્ટ બોલર બહુ જલદી ગુસ્સે થઈ જતા હોય છે, પરંતુ બુમરાહ કૂલ માઇન્ડેડ છે અને ક્યારેય મગજ પરથી અંકુશ ગુમાવતો નથી જોવા મળતો. જોકે ભરત સામેના તેના ગુસ્સાવાળી ક્લિપ વાયરલ થઈ ગઈ હતી. એ સમયે ડકેટ 39 રને રમી રહ્યો હતો અને બુમરાહે પોતાની પછીની જ ઓવરમાં તેને તેના 47મા રને ક્લીન બોલ્ડ કરી દીધો એટલે બુમરાહે ડકેટના કિસ્સામાં ખાસ કંઈ ગુમાવવા જેવું નહોતું. ડકેટનું ઑફ સ્ટમ્પ ઉડાડ્યા પછી બુમરાહે આક્રમક મિજાજમાં સેલિબ્રેશન કર્યું હતું. કોણ જાણે તે ડકેટને પરચો બતાવવા માગતો હતો કે ભરત પર ગુસ્સો ઠાલવી રહ્યો હતો!