ભારતની ત્રણ તીરંદાજે ત્રીજી વાર વર્લ્ડ કપના ગોલ્ડ મેડલને આબાદ નિશાન બનાવ્યો
અંતાલ્યા (ટર્કી): ભારતની ત્રણ મહિલા તીરંદાજોની ટીમ સુવર્ણચંદ્રક જીતવાના લક્ષ્ય સાથે આર્ચરી વર્લ્ડ કપમાં ભાગ લેવા ટર્કીના અંતાલ્યા શહેરમાં આવી હતી અને ધારણા મુજબ ગોલ્ડ મેડલ જીતી છે અને ભારતનું નામ રોશન કર્યું છે. મુખ્ય બાબત એ છે કે તેમણે આ વિશ્ર્વ કપમાં પણ ગોલ્ડ જીતીને હૅટ-ટ્રિક કરવાની હતી અને તેઓ એ સિદ્ધિ હાંસલ કરીને રહ્યા.
જ્યોતિ સુરેખા વેન્નમ (Jyothi Surekha), અદિતી સ્વામી (Aditi Swami) અને પરણીત કૌર (Parneet Kaur)ની ત્રણ તીરંદાજની ટીમ કમ્પાઉન્ડ આર્ચરી ટીમ સ્પર્ધામાં ભાગ લેવા ઉતરી હતી. શનિવારે અહીં તેમણે વર્લ્ડ કપના ત્રીજા તબક્કામાં એસ્ટોનિયાની હરીફ ત્રિપુટીને હરાવીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. વિશ્ર્વ કપના પ્રથમ તબક્કામાં અને બીજા તબક્કામાં પણ આ જ ભારતીય સ્પર્ધકો ગોલ્ડ મેડલ વિજેતાં બની હતી.
આ પણ વાંચો: Archery World Cup: મહિલાઓની તીરંદાજીમાં ભારતીય ત્રિપુટીની ગોલ્ડ મેડલની હૅટ-ટ્રિક
ભારતીય સ્પર્ધકો આ સ્પર્ધામાં ટૉપ-સીડેડ હતી. તેમણે ફાઇનલમાં 232-229ના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો. એસ્ટોનિયાની પરાજિત ત્રિપુટીમાં લિઝેલ જાટ્મા, મીરી-મારિટા પાસ અને મારિસ ટેટ્સમૅનનો સમાવેશ હતો.
શનિવારે એક તરફ પુરુષ-વર્ગમાં તીરંદાજ પ્રિયાંશ બ્રૉન્ઝ મેડલ માટે સંઘર્ષ કરી રહ્યો હતો ત્યાં બીજી બાજુ રિકર્વ વર્ગમાં અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવરા પણ સેમિ ફાઇનલમાં પહોંચીને મેડલની લગોલગ પહોંચી ગયા હતા.