ઇંગ્લૅન્ડ-ઝિમ્બાબ્વેની બે ટેસ્ટ-સિરીઝ વચ્ચે ઍન્ડરસનની આખી કરીઅર પસાર થઈ ગઈ!
બાવીસ વર્ષ પછી ફરી બાવીસમી મે આવી અને બન્ને દેશ વચ્ચે શરૂ થઈ ટેસ્ટ

નૉટિંગહૅમઃ ઇંગ્લૅન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે ગુરુવારે ફરી એક વખત ટેસ્ટ મૅચ રમાવાની શરૂ થઈ, પરંતુ એમાં બહુ મોટો ફરક છે, કારણકે બન્ને દેશ બરાબર બાવીસ વર્ષ બાદ ફરી એક વખત ટેસ્ટના મુકાબલામાં સામસામે આવી ગયા છે. નૉટિંગહૅમમાં ઇંગ્લૅન્ડની બૅટિંગ સાથે શરૂ થયેલી આ એકમાત્ર ટેસ્ટમાં બેન સ્ટૉક્સ ઇંગ્લૅન્ડનો અને ક્રેગ ઇરવિન ઝિમ્બાબ્વે (ZIMBABWE)નો સુકાની છે. સૌથી મોટી નવાઈની વાત એ છે કે છેલ્લે 2003માં આ બે દેશ વચ્ચે જે ટેસ્ટ-સિરીઝ રમાઈ હતી એ ઇંગ્લૅન્ડ (ENGLAND)ના પેસ લેજન્ડ જેમ્સ ઍન્ડરસન (JAMES ANDERSON)ની ડેબ્યૂ ટેસ્ટ-શ્રેણી હતી અને ત્યાર પછીના બે દાયકામાં ઍન્ડરસનની આખી કરીઅર પૂરી થઈ ગઈ હતી. ઍન્ડરસને તેની એ પ્રથમ ટેસ્ટ (TEST)ના પહેલા દાવમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી.
2003ની બાવીસમી મેએ શરૂ થયેલી ટેસ્ટ ત્રણ દિવસ ચાલી હતી અને એમાં ઇંગ્લૅન્ડે એક દાવ અને 92 રનથી વિજય મેળવ્યો હતો. નાસિર હુસેન ઇંગ્લૅન્ડનો અને હીથ સ્ટ્રીક ઝિમ્બાબ્વેનો કૅપ્ટન હતો. હીથ સ્ટ્રીકનુંં કૅન્સરના મહારોગ સામે લડ્યા બાદ સપ્ટેમ્બર, 2023માં અવસાન થયું હતું.
2003ની એ સિરીઝની પહેલી ટેસ્ટના પ્રથમ દાવમાં 137 રન કરનાર ઇંગ્લૅન્ડના માર્ક બુચરને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. ઇંગ્લૅન્ડની વર્તમાન ટીમનો સુકાની બેન સ્ટૉક્સ ત્યારે 12 વર્ષનો હતો અને ઝિમ્બાબ્વેનો વર્તમાન સુકાની ક્રેગ ઇરવિન 18 વર્ષનો હતો. જોકે ઇરવિનનો મોટો ભાઈ શૉન ઇરવિન 2003ની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં રમ્યો હતો. ખાસ કરીને ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ પ્રમુખ રોબર્ટ મુગાબેના શાસનકાળ દરમ્યાન આઇસીસી સાથેના ઝિમ્બાબ્વેના ક્રિકેટ-સંબંધો સારા ન હોવાને લીધે ઝિમ્બાબ્વેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું.
2003માં ઝિમ્બાબ્વે સામે રમીને ટેસ્ટ-ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર જેમ્સ ઍન્ડરસન હાલમાં 42 વર્ષનો છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે. તેણે 2003થી 2024 સુધીની ટેસ્ટ-કારકિર્દીમાં 704 વિકેટ લીધી હતી અને ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લઈ ચૂકેલા બોલર્સમાં તે ત્રીજા નંબરે છે. મુથૈયા મુરલીધરન (800 વિકેટ) પ્રથમ નંબરે અને શેન વૉર્ન (708 વિકેટ) બીજા નંબરે છે.
ઍન્ડરસને 2003માં ઝિમ્બાબ્વે સામે રમીને ટેસ્ટ-ક્રિકેટમાં આગમન કર્યું હતું, પરંતુ ઝિમ્બાબ્વે સામેની એ અંતિમ ટેસ્ટ-શ્રેણી હતી અને ત્યાર બાદ છેક ગુરુવાર, 22મી મેએ બન્ને રાષ્ટ્ર વચ્ચે ટેસ્ટ રમાવાની શરૂ થઈ. 2003 અને 2025 દરમ્યાન ઍન્ડરસનની આખી કારકિર્દી પસાર થઈ ગઈ જેમાં તેણે કુલ 188 ટેસ્ટના 350 દાવમાં બોલિંગ કરી, કુલ મળીને 40,037 બૉલ ફેંક્યા અને એમાં તેણે 18,627 રનના ખર્ચે 704 વિકેટ લીધી હતી.
ગુરુવારે શરૂ થયેલી ટેસ્ટ અગાઉ બન્ને દેશ વચ્ચે 1996થી 2003 દરમ્યાન છ ટેસ્ટ રમાઈ હતી જેમાંથી ત્રણ ઇંગ્લૅન્ડે જીતી હતી અને ત્રણ ટેસ્ટ ડ્રૉમાં પરિણમી હતી. છેલ્લે 2003ના જૂનમાં ઝિમ્બાબ્વે સામે રમાયેલી અંતિમ શ્રેણીની આખરી ટેસ્ટ ઇંગ્લૅન્ડે એક ઇનિંગ્સ અને 69 રનથી જીતી લીધી હતી. ઍન્ડરસને એના પ્રથમ દાવમાં બે અને બીજા દાવમાં ચાર વિકેટ લીધી હતી.
ઝિમ્બાબ્વે ટેસ્ટ-ક્રિકેટમાં જોરદાર કમબૅક કરી રહ્યું છે. 2025ના વર્ષમાં એની કુલ 11 ટેસ્ટ રમાશે એવું નક્કી થયું છે. હજી ગયા મહિને ઝિમ્બાબ્વેએ બાંગ્લાદેશને એક ટેસ્ટમાં હરાવીને સિરીઝ 1-1થી બરાબરીમાં પૂરી કરી હતી.
આ પણ વાંચો…વાનખેડેમાં સૂર્યકુમારે સપાટો બોલાવ્યો, દિલ્હીના બોલર્સની ઍનેલિસિસ બગાડી