સ્પોર્ટસ
સૂર્યકુમારની સાથે કચ્છી ક્રિકેટર પણ ટી-20નો સર્વોચ્ચ પુરસ્કાર જીતવાની હરીફાઈમાં
સૂર્યકુમાર યાદવ ઘણા અઠવાડિયાથી મેન્સ ટી-20 રૅન્કિંગ્સમાં નંબર-વન છે જ, પણ થોડા દિવસમાં તેની આ યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાઈ શકે એમ છે. સૂર્યાએ 2022માં આઇસીસી મેન્સ ટી-20 ક્રિકેટર ઑફ ધ યરનો અવૉર્ડ જીતી લીધો હતો. હવે 2023ની સાલના આ જ પુરસ્કાર માટે સૂર્યા ફરી નૉમિનેટ થયો છે.
ધમાકેદાર બૅટિંગ દરમ્યાન કેટલાક વિચિત્ર શૉટ્સ ફટકારવા માટે જાણીતા 33 વર્ષના આ ફાંકડા બૅટરએ 2023ના વર્ષમાં પ્રભુત્વ જમાવ્યું હતું. તેણે 2023ની સાલમાં આ શૉર્ટેસ્ટ ફૉર્મેટમાં 17 ઇન્ટરનૅશનલ ઇનિંગ્સમાં કુલ 733 રન બનાવ્યા હતા.
સૂર્યાની સાથે નૉમિનેટ થયેલા બીજા ત્રણ નૉમિનીમાં ઝિમ્બાબ્વેના સિકંદર રઝા (11 ઇનિંગ્સમાં 515 રન), યુગાન્ડાના કચ્છી ખેલાડી અલ્પેશ રામજિયાણી (55 વિકેટ) અને ન્યુ ઝીલૅન્ડના માર્ક ચૅપમૅન (17 ઇનિંગ્સમાં 556 રન)નો સમાવેશ છે.