
નવી દિલ્હીઃ 2036ની ઑલિમ્પિક ગેમ્સ ભારતમાં યોજવા માટે ભારત સરકાર દ્વારા પ્રબળ દાવો કરવામાં આવી રહ્યો છે. 11 વર્ષ પછી અમદાવાદ અને ગાંધીનગર, ગુજરાતના આ બે શહેરમાં દુનિયાનો આ સૌથી મોટો રમતોત્સવ યોજવા વિશે ભારત સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે.
ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિયેશન (IOA)એ ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (IOC)ને પ્રારંભિક અરજી (બિડ) મોકલી હોવાનો અહેવાલ છે. હવે આ મેગા સ્પોર્ટ્સ-ફેસ્ટિવલ યોજવા બાબતમાં શું તૈયારીઓ કરવી પડશે એનો અંદાજ લેવામાં આવી રહ્યો છે.
એક અહેવાલ મુજબ ભારતમાં 2036ની ઑલિમ્પિક્સ (Olympics) યોજવા પાછળ વધુમાં વધુ અંદાજે 7.47 અબજ ડૉલર (આશરે 64,000 કરોડ રૂપિયા)નો ખર્ચ થશે અને એ ખર્ચ 2028માં અમેરિકાના લૉસ ઍન્જલસ (Los Angeles) શહેરમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સ (Olympic Games) પાછળના પાંચ અબજ ડૉલર (43,633 કરોડ રૂપિયા)થી ઘણો વધુ અંદાજવામાં આવી રહ્યો છે. એ રીતે, અમદાવાદની ઑલિમ્પિક ગેમ્સ આ વૈશ્વિક રમતોત્સવના ઇતિહાસમાં સૌથી મોંઘી સાબિત થશે.
આપણ વાંચો: એક બાજુ ઑલિમ્પિક યોજવાની વાત ને બીજી બાજુ રાજ્યની સ્કૂલોમાં મેદાન જ નહીં…
બીજી બાજુ, અમદાવાદ ઑલિમ્પિક્સ અને લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સના આયોજન પાછળના ઓછામાં ઓછા ખર્ચ વચ્ચેનો તફાવત એક મિલિયન ડૉલર અને એ રીતે અમદાવાદ ઑલિમ્પિક્સના આયોજન પાછળનો ન્યૂનત્તમ ખર્ચ ચાર અબજ ડૉલર (34,700 કરોડ રૂપિયા) અંદાજવામાં આવી રહ્યો છે.
આ સંભવિત ખર્ચને લગતી યોજના તાજેતરમાં ગાંધીનગરમાં ઉચ્ચ-સ્તરિય સંકલન સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલી બ્લ્યૂ પ્રિન્ટમાં દર્શાવવામાં આવી હતી.
એવું મનાય છે કે ભારતને 2036ની ઑલિમ્પિક ગેમ્સના આયોજનનો અવસર મળશે તો એની રમતોની હરીફાઈઓ મુખ્યત્વે અમદાવાદ તથા ગાંધીનગર ઉપરાંત અમુક હરીફાઈઓ મુંબઈ, પુણે, ભોપાલ અને ગોવામાં પણ યોજાશે.
ઉલ્લેખનીય છે કે ભારતે 2030ની કૉમનવેલ્થ ગેમ્સના આયોજન માટેનો પ્રબળ દાવો કર્યો છે અને એ પ્રકલ્પ ભારતને મળવાની પાકી સંભાવના છે. એવું મનાય છે કે 2036ની ઑલિમ્પિક્સનું આયોજન આસાન બની રહે એ હેતુથી ભારત સરકાર એના છ વર્ષ પહેલાં (2030માં) કૉમનવેલ્થ ગેમ્સના સફળ આયોજનનું ઉદાહરણ દુનિયા સમક્ષ મૂકવા માગે છે.
આપણ વાંચો: વિરાટે મજાકમાં ને મજાકમાં કહી દીધું, `મારે 2028ની ઑલિમ્પિક્સમાં ક્રિકેટનો ગોલ્ડ મેડલ જીતવો છે’
એવું પણ મનાય છે કે 2030ની કૉમનવેલ્થ ગેમ્સ પણ અમદાવાદમાં યોજવામાં આવશે કે જેથી ત્યાર બાદ ઑલિમ્પિક્સના આયોજનમાં સરળતા પડે. 2010માં કૉમનવેલ્થ ગેમ્સ દિલ્હીમાં યોજાઈ હતી જેમાં ભ્રષ્ટાચાર તથા ગેરવ્યવસ્થાના આક્ષેપો થયા હતા. જોકે દિલ્હીમાં કૉમનવેલ્થ હેઠળના 70થી પણ વધુ દેશ વચ્ચેની એ સ્પર્ધાનું આયોજન એકંદરે સફળ રહ્યું હતું.
દરમ્યાન, 2036ની સંભવિત ઑલિમ્પિક્સ માટે તાજેતરમાં ગાંધીનગરમાં અમદાવાદ 2036' (Ahmedabad 2036)ને લગતું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ઇતિહાસ પર નજર કરીએ તો સૌપ્રથમ ઑલિમ્પિક ગેમ્સ 1896માં યુરોપમાં ગ્રીસ દેશના ઍથેન્સ શહેરમાં યોજાઈ હતી. ભારતને ઑલિમ્પિક્સ યોજવાનો અવસર ક્યારેય નથી મળ્યો, પરંતુ આ વખતે કેન્દ્ર સરકાર મક્કમ છે અને 2036ની ઑલિમ્પિક્સ ભારતમાં લઈ આવવા કોઈ કસર બાકી નથી રાખવા માગતી.
આપણ વાંચો: મનુ ભાકર સહિત અનેક ઍથ્લીટોએ ફરિયાદ કરી કે `અમારા ઑલિમ્પિક મેડલ…’
દર ચાર વર્ષે સમર ઑલિમ્પિક્સ યોજવામાં આવે છે ત્યાર બાદ મહિના પછી એ જ શહેરમાં દિવ્યાંગ ઍથ્લીટો માટેની પૅરાલિમ્પિક્સનું પણ આયોજન કરવામાં આવે છે. ગયા વર્ષે પૅરિસ ઑલિમ્પિક્સનું શાનદાર આયોજન થયું હતું. એક અહેવાલ મુજબ ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે 2036ની ઑલિમ્પિક્સના ઍથ્લીટો-ખેલાડીઓ માટે
ઑલિમ્પિક વિલેજ’ તેમ જ અન્ય સગવડો ઊભી કરવાના હેતુથી અમદાવાદમાં 650 એકર જમીન મેળવવા માટેની વિધિ શરૂ કરી દીધી છે.
એક જાણીતા અંગે્રજી દૈનિકના અહેવાલ અનુસાર રાજ્ય સરકાર ત્રણ આશ્રમની જમીન પોતાને હસ્તક લેશે અને એ ત્રણમાંથી એક આશ્રમ આસારામનો છે. સરકાર જે ત્રણ આશ્રમની જમીન ઑલિમ્પિક્સ માટે હસ્તગત કરશે એમાં આસારામ આશ્રમ, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળનો સમાવેશ છે. આસારામ આશ્રમનો પ્લૉટ અમદાવાદમાં મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીકમાં છે.