IPL 2024સ્પોર્ટસ

ગુજરાતની જીતના સેલિબ્રેશન બાદ ગિલને મસમોટો દંડ, દરેક સાથી ખેલાડીને પણ પેનલ્ટી કરાઈ

અમદાવાદ: ગુજરાત ટાઇટન્સે કૅપ્ટન શુભમન ગિલ અને સાથી-ઓપનર સાંઇ સુદર્શનની 210 રનની વિક્રમજનક ઓપનિંગ ભાગીદારી બાદ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને અમદાવાદમાં 2023ની ફાઇનલની હારનો બદલો તો લઈ લીધો, પણ એ માટે ગુજરાતની આખી ટીમે આર્થિક રીતે મોટું નુકસાન ભોગવવું પડ્યું છે.

ગુજરાતે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં ત્રણ વિકેટે 231 રન બનાવ્યા ત્યાર બાદ ચેન્નઈએ 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 196 રન બનાવ્યા એટલે ગુજરાતનો 35 રનથી વિજય થયો. જોકે એ 20 ઓવર પૂરી કરવામાં ગુજરાતની ટીમે નિર્ધારિત સમય કરતાં ઘણો વધુ સમય લગાડ્યો એટલે આઇપીએલની આચારસંહિતા મુજબ એને સ્લો ઓવર-રેટના ભંગનો નિયમ લાગુ પડી ગયો.

ગુજરાતની ટીમથી આવું બીજી વાર થયું એટલે એના કૅપ્ટન શુભમન ગિલે સૌથી વધુ દંડ ભોગવવો પડ્યો. મૅચ-રેફરી પંકજ ધરમાણીએ ગિલને 24 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. એ ઉપરાંત, તેની ટીમના બાકીના પ્રત્યેક 10 ખેલાડી (ઇમ્પૅક્ટ પ્લેયરને પણ)ને છ-છ લાખ રૂપિયાનો (અથવા મૅચ-ફીના પચીસ ટકા, જે ઓછું હોય એટલો) દંડ કરવામાં આવ્યો છે. ગુજરાતે આ પહેલાંનો સ્લો ઓવર-રેટનો ભંગ પણ ચેન્નઈ સામેની મૅચમાં જ કર્યો હતો.

ગુજરાતની ટીમ શુક્રવારની આ જીત પછી છેક તળિયેથી (10મા સ્થાનેથી) ઉપર આવીને આઠમા નંબર પર ગોઠવાઈ હતી. આ ટીમ 12 મૅચમાં માત્ર 10 પૉઇન્ટ મેળવી શકી છે. ચેન્નઈની ટીમ ચોથા સ્થાને હતી અને 12 મૅચ રમીને એના ખાતે 12 પૉઇન્ટ હતા. ગુજરાતની ટીમ બારમાંથી સાત મૅચ અને ચેન્નઈની ટીમ બારમાંથી છ મૅચ હારી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button