અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં રમાનારી ટ્રાઈ સિરીઝ છોડી; રાશિદ ખાને પણ લીધો મોટો નિર્ણય

કાબૂલ: મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષનો પડઘો એશિયા કપ 2025 દરમિયાન ક્રિકેટના મેદાનમાં પડ્યો હતો. તાજેતરમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ થયો હતો, જેમાં બંને પક્ષે જાનમાલનું ભારે નુકશાન થયું છે, કતરમાં થયલી બેઠક બાદ બંને પક્ષો યુદ્ધ વિરામ માટે તૈયાર થયા છે, પરંતુ બંને દેશોના સંબંધો વણસ્યા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે (Afghanistan Cricket Board)પાકિસ્તાનમાં યોજાનારી T20I ત્રિકોણીય શ્રેણીમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો, અફઘાન ક્રિકેટ ટીમના કેપ્ટન રાશિદ ખાને પણ એક મહત્વનો નિર્ણય લીધો છે.
અહેવાલ મુજબ પાકિસ્તાને અફઘાનીસ્તાનમાં કરેલી એર સ્ટ્રાઈકને કારણે ત્રણ અફઘાન ક્રિકેટરો સહીત આઠ નાગરીકોના મોત થયા હતાં. અફઘાનિસ્તાન T20I ત્રિકોણીય શ્રેણીમાંથી ખસી ગયા બાદ રાશિદ ખાન હવે પાકિસ્તાન સુપર લીગ (PSL)નો છોડવાનો નિર્ણય કર્યો છે. રાશિદે તેના X હેન્ડલના બાયોમાંથી તેમની PSL ફ્રેન્ચાઇઝી લાહોર કલંદર્સનો ઉલ્લેખ દૂર કર્યો છે
લાહોર કલંદર્સથી છેડો ફાડ્યો:
અફઘાન ક્રિકેટર રાશિદ ખાન હાલ વર્લ્ડ ક્લાસ પ્રદર્શન કરી રહ્યો છે. ICC મેન્સ ODI બોલિંગ રેકિંગમાં હાલ તે ટોચના સ્થાને છે અને T20I બોલિંગ રેકિંગમાં ત્રીજા સાથે છે. અફઘાનિસ્તાન રાષ્ટ્રીય ટીમ ઉપરાંત તે વિશ્વભરમાં રમાતી લિગમાં અલગ અલગ ટીમો તરફથી રમે છે.
રશીદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટીમ ગુજરાત ટાઇટન્સ, બિગ બેશ લીગ (BBL) ટીમ એડિલેડ સ્ટ્રાઇકર્સ અને PSL ફ્રેન્ચાઇઝ લાહોર કલંદર્સ તરફથી રમે છે. તાજેતરના તેણે X બાયોમાંથી લાહોર કલંદર્સનો ઉલ્લેખ દૂર કર્યો છે. હવે ફક્ત અફઘાનીસ્તાનની રાષ્ટ્રીય ટીમ, IPL અને BBLનો જ ઉલ્લેખ છે.
એર સ્ટ્રાઈકને વખોડી:
રશીદે તાજેતરમાં પાકિસ્તાને કરેલી એર સ્ટ્રાઈકની કડક શબ્દોમાં નિંદા કરી હતી. રાશિદે X પર પોસ્ટ કરી લખ્યું, “અફઘાનિસ્તાન પર તાજેતરના પાકિસ્તાની હવાઈ હુમલામાં નાગરિકોના જીવ જવાથી હું ખૂબ જ દુઃખી છું. આ હુમલામાં મહિલાઓ, બાળકો અને વિશ્વ મંચ પર પોતાના રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન જોતા મહત્વાકાંક્ષી યુવા ક્રિકેટરોના જીવ ગયા. આ અન્યાયી અને ગેરકાયદે કૃત્યો માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે.”
અફઘાનીસ્તાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા મુજબ પક્તિકાના ઉર્ગુન જિલ્લામાં થયેલી એર કબીર, સિબઘાતુલ્લાહ અને હારૂન નામના ત્રણ યુંઅવા ક્રિકેટરોના મોત થયા હતાં.
અફઘાનીસ્તાનની જગ્યાએ આ ટીમ રમશે:
પાકિસ્તાનમાં 17 થી 29 નવેમ્બર દરમિયાન પાકિસ્તાન, શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે T20I ત્રિકોણીય શ્રેણી યોજવાની હતી. એર સ્ટ્રાઈક બાદ અફઘાનીસ્તાન ક્રિકેટ બોર્ડે આ સિરીઝમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ અફઘાનિસ્તાનની જગ્યાએ ઝિમ્બાબ્વેની ટીમ આ ત્રિકોણીય શ્રેણીમાં સમાવા તૈયાર થઇ છે.