આજે WWW ડે: કોણે કરી હતી World Wide Webની શોધ ? જાણો વેબસાઈટ્સનો રસપ્રદ ઈતિહાસ

અમદાવાદ: આજે ઈન્ટરનેટ અને વેબ વગર આપણા જીવનની કલ્પના કરવી અશક્ય લાગે છે, ઈન્ટરનેટ વિશ્વના દરેક સમાજના અસ્તિવ સાથે જોડાઈ ગયું છે. ઈન્ટરનેટ અને કોરડો વેબ પેજને કારણે માનવ જીવન સરળ બન્યું છે, આજે 1લી ઓગસ્ટ આ વેબ પેજની શરૂઆતને યાદ કરવાનો દિવસ છે. દર વર્ષે 1લી ઓગસ્ટને વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW ડે તરીકે ઉજવવામાં (World Wide Web Day) આવે છે. તો આવો જાણીએ World Wide Webનો રસપ્રદ ઈતિહાસ.
કેમ થઇ હતી શરૂઆત?
WWWની શરૂઆત 1989માં થઇ હતી, બ્રિટિશ કમ્પ્યુટર વૈજ્ઞાનિક ટિમ બર્નર્સ-લી(Tim Berners-Lee)એ તેના પિતા માનવામાં આવે છે. ટિમ બર્નર્સ-લી સ્વિઝરલેન્ડમાં આવેલા યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ (CERN)માં કામ કરતા હતાં, માર્ચ 1989માં બર્નર્સ-લીએ CERN ના વૈજ્ઞાનિકો વચ્ચે માહિતીની આપ-લે સરળ બનાવવા માટે એક પ્રસ્તાવ મુક્યો. જેમાં “ડિસ્ટ્રીબ્યુટડ ઇન્ફોર્મેશન સિસ્ટમ” વિકસાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ પ્રસ્તાવને આધારે બર્નર્સ-લી અને તેમના સાથી રોબર્ટ કેલિયુએ મળીને વર્ષ 1990માં વિશ્વનું પ્રથમ વેબ બ્રાઉઝર, World Wide Web(WWW) વિકસાવ્યું અને આ સાથે તેમણે પ્રથમ વેબ સર્વર “httpd” શરુ કર્યું.
કેવી હતી વિશ્વની પ્રથમ વેબસાઇટ?
વિશ્વની પ્રથમ વેબસાઇટ 6 ઓગસ્ટ, 1991 ના રોજ લાઇવ કરવામાં આવી હતી, જે એક પ્રાથમિક વેબ પેજ હતું જેમાં વર્લ્ડ વાઇડ વેબ પ્રોજેક્ટને લગતી જાણકારી આપવામાં આવી હતી. આ પેજ પર WWWને કેવી રીતે ઍક્સેસ કરવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ અંગે માહિતી દર્શાવવામાં આવી હતી. આ વેબસાઈટ તેના ડેવલોપર બર્નર્સ-લીના નેક્સ્ટ કમ્પ્યુટર પર હોસ્ટ કરવામાં આવી હતી, આમ આ રીતે તેમનું કમ્પ્યુટર વિશ્વનું પ્રથમ વેબ સર્વર બન્યું.
ડોટ-કોમ બબલ:
ત્યાર બાદ WWW ને અન્ય રીસર્ચ ઇન્સ્ટીટયુટ અને ઓર્ગેનાઈઝેશન સાથે શેર કરવામાં આવ્યું. CERN એ રોયલ્ટી માફ કર્યા બાદ જાહેર જનતા માટે WWW વર્ષ 1993માં શરુ કરવામાં આવ્યું. આ સથે ઈન્ટરનેટ ક્રાંતિની શરૂઆત થઇ. WWW લોન્ચ થયાના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં, સેંકડો વેબસાઇટ્સ બનાવવામાં આવી. ટૂંક સમયમાં WWWના હરણફાળ વિકાસને કારને 1995 માં ડોટ-કોમ બબલ શરૂ થયો.
WWW અને ઈન્ટરનેટમાં શું ફરક:
વર્લ્ડ વાઇડ વેબ એ બધી વેબસાઇટ્સ, વેબપેજ અને સંસાધનોનો સંગ્રહ છે, જેના પર આપણે આપણને જોઈતી માહિતી અને સુવિધા મળે છે. જ્યારે ઇન્ટરનેટ એ આ બધા વેબપેજ અને વેબસાઇટ્સને સુધી પહોંચવાનો રસ્તો છે.
આજે ઈન્ટરનેટ પર અબજો વેબ પેજ છે. આપણે દરરોજ ઈન્ટરનેટનો વ્યાપક ઉપયોગ કરીએ છીએ, ત્યારે આજનો દિવસ આ મહાન શોધ કરનારા ટિમ બર્નર્સ-લી અને તેના વિકાસમાં ફાળો આપનારા અસંખ્ય અન્ય લોકોનીને યાદ કરવાનો મોકો છે.
આપણ વાંચો: આજે ગુજરાતમાં સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના…