સ્પેશિયલ ફિચર્સ

કેમ અલગ છે આધુનિક લગ્નથી વૈદિક વિવાહ? જાણો શું હોઈ છે ખાસ

આજના ડેસ્ટિનેશન વેડિંગના સમયમાં વૈદિક વિવાહનો અર્થ જાણનારો વર્ગ કદાચ ઓછો હશે. ત્યારે થોડા દિવસોથી વૈદિક વિવાહનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. કેમ કે કથાવાચક ઇન્દ્રેશ ઉપાધ્યાયના લગ્ન દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

ઇન્દ્રેશ ઉપાધ્યાયે પોતાના લગ્નનું કાર્ડ ‘વૈદિક વિવાહ’ શીર્ષક સાથે છપાવ્યું હતું. તેના સમગ્ર લગ્ન સમારોહ વૈદિક પદ્ધતિઓ, પ્રાચીન મંત્રો અને ઋષિ-મુનિઓની પરંપરાઓ અનુસાર સંપન્ન થયા હતા. આ પગલાથી ઘણા લોકોના મનમાં આ સવાલ ઊભો થયો છે કે આખરે આ વૈદિક વિવાહ શું છે અને તે આધુનિક લગ્નોથી કેવી અલગ છે?

આપણ વાચો: શાસ્ત્રો પ્રમાણે વિવાહ એ ધાર્મિક પ્રસંગ છે કે સામાજિક? શું છે તેના પ્રકારો?

વૈદિક વિવાહ શું છે?

વૈદિક વિવાહને હિંદુ ધર્મનો સૌથી પ્રાચીન અને પવિત્ર લગ્ન સંસ્કાર માનવામાં આવે છે. તેના મૂળિયાં આપણા ચાર વેદો – ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદમાં રહેલા છે. આ કોઈ દેખાવલક્ષી અથવા આધુનિક ઉજવણી નથી, પરંતુ તે સંપૂર્ણપણે પવિત્ર મંત્રોચ્ચાર, અગ્નિની સાક્ષી અને પ્રાચીન પરંપરાઓ પર આધારિત છે.

આ પ્રકારના લગ્નમાં સૌથી વધુ ભાર ધર્મ, સત્ય, પ્રેમ અને પારિવારિક જવાબદારીઓનું પાલન કરવા પર આપવામાં આવે છે. વૈદિક પરંપરામાં લગ્નને માત્ર એક ‘ઉત્સવ’ નહીં, પણ બે આત્માઓના મિલનનો એક ગહન ‘સંસ્કાર’ ગણવામાં આવે છે, જ્યાં યુગલ જીવનભર એકબીજાનો સાથ નિભાવવાની પ્રતિજ્ઞા લે છે.

આપણ વાચો: નવ યુગલમાં કેમ ડાબી બાજુએ બેસે છે વધુ? જાણો શું છે વેદ અને વિજ્ઞાનનું કારણ

વૈદિક લગ્નનો મુખ્ય આધાર

વૈદિક વિવાહનો સૌથી ખાસ અને મુખ્ય હિસ્સો પવિત્ર અગ્નિની સામે મંત્રોનું ઉચ્ચારણ, ફેરા અને સપ્તપદી એટલે કે સાત વચનો છે. આ સાત વચનો દ્વારા નવદંપતી એકબીજાને સાથ આપવા, સન્માન કરવા, સુખ-દુઃખમાં સાથે રહેવા અને પરિવારની જવાબદારીઓ સંયુક્ત રીતે નિભાવવાનું વચન આપે છે.

આ વિવાહની વિશેષતા એ છે કે તેની દરેક વિધિનું પોતાનું એક ઊંડું અને ધાર્મિક મહત્વ છે. સામાન્ય રીતે લોકો સાત ફેરા વિશે જાણે છે, પરંતુ વૈદિક વિવાહમાં પવિત્ર અગ્નિની આસપાસ માત્ર ચાર ફેરા લેવામાં આવે છે. આ ચાર ફેરા જીવનના ચાર મુખ્ય સ્તંભો — ધર્મ, અર્થ, કામ અને મોક્ષ —નું પ્રતિનિધિત્વ કરે છે.

વૈદિક વિવાહમાં દરેક ફેરાનું અનેરું મહત્વ હોઈ છે. જેમાં પહેલા ફેરાનું અર્થ થાય છે કે સાથે મળીને ફરજો અને જવાબદારીઓ નિભાવવાની પ્રતિજ્ઞા લેવી. બીજો ફેરોમાં જીવનમાં સમૃદ્ધિ મેળવવા માટે મહેનત અને સંકલ્પબદ્ધ થવાની પ્રતિજ્ઞા કરે છે નવદંપતી.

ત્રીજો ફેરામાં એકબીજાના પ્રેમ, સુખ અને લાગણીઓનું સન્માન કરવા વચન આપે છે. જ્યારે ચોથા ફેરામાં સાથે મળીને આધ્યાત્મિક વિકાસ અને જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવાનો સંકલ્પ લે છે.

ચાર ફેરા પૂરા થયા પછી સપ્તપદી એટલે કે સાત કદમની વિધિ આવે છે. આ વિધિમાં વર-વધૂ ચોખાના ઢગલા પર પોતાનો જમણો પગ મૂકીને સાત ડગલાં આગળ વધે છે.

દરેક ડગલું એક અલગ વચનનું પ્રતીક છે, જેમાં એકબીજાને સાથ આપવો, સુખ-દુઃખમાં સાથે રહેવું, પરિવારની જવાબદારીઓ નિભાવવી અને જીવનમાં આધ્યાત્મિક-સાંસારિક સંતુલન જાળવવાનો સમાવેશ થાય છે. આ વિધિઓ વૈદિક વિવાહને એક આદર્શ અને અર્થપૂર્ણ સંસ્કાર બનાવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button