ભારતમાં એક કપ ચા કરતા 1GB ડેટા વધુ સસ્તો, વડા પ્રધાન મોદીએ શા માટે કહ્યું?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં બે દિવસની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (આઈએમસી 2025)ની નવમી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતા કહ્યું કે દેશમાં આજે એક 1GB ડેટાની કિંમત એક કપ ચા કરતા ઓછી છે. ડિજિટલ ક્રાંતિનું ઉદાહરણ આપતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે આપણે મેઈડ ઈન ઈન્ડિયા 4G Stack લોન્ચ કરીને ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે.
ડિજિટલ ઈન્ડિયાની પહોંચ અંતરિયાળ ગામડા સુધી પહોંચી
વડા પ્રધાન મોદીએ મોબાઈલ કોંગ્રેસમાં કહ્યું કે એક જમાનામાં ડેટા મોંઘો હતો, જે સામાન્ય જનતાની પહોંચ બહાર હતો, પરંતુ આજના જમાનામાં સૌથી સસ્તો ડેટા પૂરો પાડનાર દેશ બન્યો છે. ભારતમાં હવે 1GB ડેટા એક કપ ચા કરતા પણ વધુ સસ્તો મળી જાય છે, જેનાથી ડિજિટલ ઈન્ડિયાની પહોંચ દેશના અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચશે.
દેશમાં મેઈડ ઈન ઈન્ડિયા 4G Stackની સૌથી મોટી સિદ્ધિ
પીએમ મોદીએ કહ્યું કે ભારતે હવે પૂરી રીતે સ્વદેશી 4G Stack વિકસિત કરી લીધું છે. આ ટેક્નિકથી ભારત એ પાંચ દેશની યાદીમાં સમાવિષ્ટ થયો છે, જેમની પાસે આજની તારીખે ક્ષમતા છે. આ પગલું દેશમાં ફક્ત આત્મનિર્ભરતાભણી મહત્ત્વનું પગલું છે તેમ જ ભારત ગ્લોબલ ટેક્નોલોજીમાં પાવર બનવાની પણ ક્ષમતા ધરાવે છે.
સેમી કન્ડક્ટર ભારતની આત્મ નિર્ભરતાની બની નવી ઓળખ
અહીંની મોબાઈલ કોંગ્રેસમાં ઉપસ્થિત કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ભારતમાં ઈનોવેશન અને સેમી કન્ડક્ટર અંગે મહત્ત્વની વાત જણાવી. તેમણે કહ્યું કે ભારતમાં ઈનોવેશન અને સેમી-કન્ડક્ટર ક્ષેત્રે ઝડપથી મંડાણ કર્યા છે, જે આત્મનિર્ભર માટે નવી ઓળખ ઊભી કરશે. અહીં એ જણાવવાનું કે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ એશિયાની સૌથી મોટી ટેક્નોલોજી, ટેલિકોમ અને મીડિયા ઈવેન્ટ છે. આ ઈવેન્ટનું આયોજન સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા અને ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે.
આપણ વાંચો : સારા તેંડુલકરનો ભાભી સાનિયા ચંડોકનો ‘Dog Love’ વીડિયો વાઈરલ, વીડિયો થયો વાઈરલ…