અંબાણી પરિવારમાં લગ્ન: મુંબઈમાં ટ્રાફિક નિયંત્રણો સામે તીવ્ર આક્રોશ
મુંબઈ: ટ્રાફિક પોલીસે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના દિવસે વાહનવ્યવહાર સરળતાથી ચાલે એ માટે ટ્રાફિક પોલીસ દ્વારા 12થી 15મી જુલાઈની વચ્ચે કેટલાક રસ્તા બંધ કરવાની અને નિયંત્રણો મુકવામાં આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે. જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર તરફ જતા કેટલાક રસ્તાઓ પર આ દિવસ દરમિયાન બપોરે ૧ વાગ્યાથી મધ્યરાત્રિની વચ્ચે પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. જોકે, આ ટ્રાફિક નિયંત્રણોને કારણે ઓનલાઇન આક્રોશ ફાટી નીકળ્યો છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન નિમિત્તે 12થી 15 જુલાઈ દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની અવરજવર પર પ્રતિબંધની જાહેરાત કર્યા પછી ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે મુંબઈ ટ્રાફિક પોલીસને ટેગ કરીને જણાવ્યું હતું કે ‘અનંત અને રાધિકાના લગ્ન એ પ્રાઈવેટ ઈવેન્ટ છે અને એ કોઈ જાહેર કાર્યક્રમ નથી કે એના માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.’
અનંત અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના નાના પુત્ર છે. એન્કોર હેલ્થકેરના સીઇઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે 12મી જુલાઇના રોજ મુંબઇમાં અનંત અંબાણી લગ્ન કરશે. અંબાણી પરિવારે જામનગરમાં તેમજ લક્ઝરી ક્રુઝ પર અગાઉ બે પ્રિ-વેડિંગ ઇવેન્ટનું આયોજન કર્યું હતું એવી જ ધામધૂમથી લગ્ન લેવાય એવી ધારણા છે.
આ પણ વાંચો: Anant Ambani wedding: આ ગ્રુપ ફોટોમાં કોણ કોણ છે કહો
શુક્રવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વખતે બીકેસીના કેટલાક ભાગમાં કાર્યક્રમ માટેના વાહનો સિવાય વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એ માર્ગનો ઉપયોગ કરતા લોકોને વૈકલ્પિક માર્ગ સૂચવવામાં આવ્યા હતા.
મુંબઈ ટ્રાફિક પોલીસે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર ટ્રાફિક નિયંત્રણની વિગતો રજૂ કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ‘પાંચમી જુલાઈ તેમજ 12થી 15 જુલાઈ, 2024 દરમિયાન બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)ના જિયો વર્લ્ડ કન્વેનશન સેન્ટરમાં એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાથી અહીં જણાવેલી ટ્રાફિક વ્યવસ્થા અમલમાં રહેશે.’
ટ્રાફિક નિયંત્રણ અંગે કેટલાક લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. એક પ્રાઇવેટ કાર્યક્રમ માટે લેવાયેલા આ નિર્ણયને કારણે જનતાને હાલાકી ભોગવવી પડશે. ટ્રાફિક નિયંત્રણ સંબંધિત આવેલી પ્રતિક્રિયામાં તીવ્ર નારાજીનો સૂર જોવા મળ્યો હતો.
સોશિયલ મીડિયા પર આ ટ્રાફિક ડાયવર્ઝનને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
નેટિઝન્સ એવા સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે કે કોઈ ઉદ્યોગપતિના પરિવારની પ્રાઈવેટ ઈવેન્ટ જાહેર કાર્યક્રમ કેવી રીતે બની ગયો?’ તો બીજા એક યુઝર્સે જણાવ્યું હતું કે અમને જાહેર કાર્યક્રમની વિગતો આપો. આ જાહેર કાર્યક્રમની ટિકિટ ખરીદી એમાં સહભાગી થવાની અમારી પણ તીવ્ર ઈચ્છા છે.