વાઘ બારસ કે વાક્ બારસ? જાણો શું છે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ

ગુજરાતી કેલેન્ડર મુજબ આસો વદ બારસનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેનું નામ વાઘ બારસ કે વાક્ બારસ તરીકે ઉજવાય છે. વાસ્તવમાં આ તહેવારનું નામ વાક્ બારસ છે, જ્યારે અપ્રભંશ કરીને વાઘ કરી દેવામાં આવ્યું છે. દિવાળીના તહેવારનો આ બીજો દિવસ છે. ગુજરાતીઓ માટે આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક મહત્વ પણ ધરાવે છે. પરંપરાઓ અને માન્યતાઓને આધારે આ દિવસે વિવિધ પૂજા અને વ્રતનું આયોજન થાય છે, જે લોકોને ધાર્મિક ઉત્સાહથી ભરી દે છે.
વાઘ બારસની તારીખ અને મહત્વ
ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વાઘ બારસ આજે એટલે કે 17 ઓક્ટોબરના શરૂ થવાની છે. વાઘ બારસ 17 ઓક્ટોબર 11:12 વાગ્યે શરૂ થશે, તો 18 ઓક્ટોબરના 12:18 વાગ્યે પૂર્ણ થવાની છે. આ દિવસે લોકો ધાર્મિક કાર્યોમાં રત થાય છે અને દિવાળીના તહેવારો માટે ઉત્સાહ વધે છે. પૌરાણિક રીતે આ દિવસનું નામ “વાક્” થી ઉદ્ભવ્યું, જેનો અર્થ વાણી છે, પરંતુ સમયની સાથે તે “વાઘ” તરીકે ઓળખાય છે, જેની પાછળ રસપ્રદ કથાઓ છુપાયેલી છે.

માતા સરસ્વતીની પૂજાનું મહત્વ
પૌરાણિક માન્યતા મુજબ, “વાક્” શબ્દ માતા સરસ્વતીનું પ્રતીક છે, જે વિદ્યા અને વાણીની દેવી છે. આ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમના ચોપડા અને પુસ્તકોની પૂજા કરીને માતાની કૃપા મેળવે છે. માનવામાં આવે છે કે આ પૂજાથી મન શુદ્ધ થાય છે અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, જે આ દિવસને વિશેષ બનાવે છે.
પૌરાણિક કથા
એક પ્રાચીન કથા અનુસાર, એક રાક્ષસ વાઘનો વધ આસો વદ બારસે થયો હતો, જેના કારણે આ દિવસે વેપાર બંધ રાખીને ધાર્મિક કાર્યો કરવામાં આવતા હતા. બીજી તરફ, ગૌવત્સ દ્વાદશી તરીકે પણ ઓળખાતા આ દિવસે ગાય અને તેના વાછરડાની પૂજા થાય છે. માનવામાં આવે છે કે ગાયની પૂજાથી સંતાન સુખ મળે છે, જેથી મહિલાઓ આ પરંપરાને શ્રદ્ધાભાવથી નિભાવે છે.
સાંસ્કૃતિક અને વેપારી મહત્વ
વાઘ બારસ વેપારીઓ માટે પણ ખાસ છે, કારણ કે આ દિવસે ચોપડાનું દેવું ચૂકવીને નવા નોંધપત્રની શરૂઆત થાય છે. આદિવાસી સમુદાય જંગલી વાઘની પૂજા કરીને જાન-માલનું રક્ષણ માગે છે, જેમાં ખીરનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ સાથે, લોકો ધનતેરસ માટે ખરીદી પણ શરૂ કરે છે, જે આ તહેવારને કુટુંબી ખુશીઓ સાથે જોડે છે.