વિટામિન D સપ્લિમેન્ટ્સનું વધુ પડતું સેવન કિડનીને કરી શકે છે નુકસાન: જાણો લક્ષણો અને ઉપાય

વિટામિન D ને સામાન્ય રીતે ‘સનશાઇન વિટામિન’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે આપણા શરીરની અનેક આવશ્યક પ્રક્રિયાઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે માત્ર હાડકાંને મજબૂત બનાવે છે એટલું જ નહીં, પરંતુ રોગપ્રતિકારક શક્તિને પણ સુધારે છે, જેથી શરીર રોગો સામે લડી શકે. જોકે, છેલ્લા કેટલાક સમયમાં વિટામિન Dના સપ્લિમેન્ટ્સનો ઉપયોગ એટલો વધી ગયો છે કે હવે તેનો ઓવરડોઝ લેવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે.
ઘણા લોકો વધુ પડતું વિટામિન D લેવાથી સ્વાસ્થ્ય વધુ સારું થશે તેમ માને છે, જ્યારે વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે. વિટામિન D ની વધુ પડતી માત્રા શરીરમાં કેલ્શિયમનું સ્તર અસામાન્ય રીતે વધારી દે છે, જેનાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ વધારે માત્રામાં વિટામિન D લે છે, ત્યારે લોહીમાં કેલ્શિયમનું સ્તર ઘણું વધી જાય છે, જેને ‘હાઇપરકેલ્સેમિયા’ કહેવાય છે. આ વધારાના કેલ્શિયમને ફિલ્ટર કરવા માટે કિડનીને ખૂબ જ વધારે મહેનત કરવી પડે છે. લાંબા ગાળે, આનાથી અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. કિડનીમાં કેલ્શિયમ જમા થવું, પથરી થવી, કિડનીને નુકસાન થવું, કિડની ફેલ થવા જેવા સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
એક કેસ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે વિટામિન Dનો ઓવરડોઝ માત્ર જાતે દવા લેવાથી જ નહીં, પરંતુ ક્યારેક ડોક્ટરની ભૂલથી પણ થઈ શકે છે. શરૂઆતના લક્ષણો પણ એટલા હળવા હોય છે કે લોકો તેને અવગણી દે છે.
વધુ પડતા વિટામિન Dના સેવનથી પેટમાં ગડબડ રહે છે, જેના કારણે સતત ઉબકા, ઊલટી અને પેટમાં દુખાવો થઈ શકે છે. આ ઉપરાંત કિડની વધારાનું કેલ્શિયમ બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, તેથી વારંવાર શૌચાલય જવું પડે છે અને ખૂબ તરસ લાગે છે. કેલ્શિયમનું અસંતુલન સ્નાયુઓને નબળા પાડે છે. વધુ કેલ્શિયમ મગજ પર અસર કરે છે, જેનાથી મૂંઝવણ, ચીડિયાપણું અથવા ધ્યાન ન લાગવાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. પીઠના નીચેના ભાગમાં કે કમરની બાજુમાં દુખાવો, જે કિડની સ્ટોનનો સંકેત હોઈ શકે છે. જો કિડની યોગ્ય રીતે કામ ન કરે, તો શરીરમાં પાણી જમા થાય છે, જેનાથી પગમાં સોજો આવી શકે છે. આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.
મોટાભાગના પુખ્ત વયના લોકો માટે દરરોજ માત્ર 400 થી 1,000 IU (ઇન્ટરનેશનલ યુનિટ્સ) વિટામિન D પૂરતું હોય છે. જોકે, જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી 4,000 IU થી વધુ માત્રા લે તો સમસ્યા શરૂ થઈ શકે છે. દરરોજ 8,000–12,000 IU જેવો વધારે ડોઝ શરીર માટે ઝેર સમાન બની શકે છે. ઘણા લોકો ભૂલથી અઠવાડિયામાં એકવાર લેવાની 60,000 IU ની કેપ્સ્યુલ રોજ લેતા હોય છે, જે લાંબા ગાળે ખૂબ જ જોખમી બની શકે છે.
ઓવરડોઝથી બચવાના ઉપાયો
વિટામિન Dની કોઈ પણ સપ્લિમેન્ટ્સ લેતા પહેલા હંમેશા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. એકસાથે ઘણા વિટામિન D ધરાવતા ઉત્પાદનો (જેમ કે મલ્ટિવિટામિન + હાઈ ડોઝ કેપ્સ્યુલ) ન લો. દવા પર લખેલી નિર્ધારિત માત્રા (Dose) નું જ પાલન કરો. જો તમે લાંબા સમયથી હાઈ ડોઝ લઈ રહ્યા હો, તો નિયમિતપણે વિટામિન D અને કેલ્શિયમનો બ્લડ ટેસ્ટ કરાવતા રહો.
આ પણ વાંચો…શું તમે પણ વિટામિન Dની સપ્લીમેન્ટ્સ લો છો તો ચેતી જજો, વધુ પડતુ સેવન બની શકે છે જીવલેણ



