iPhone 17 Pro Maxના બોક્સનું સીલ ખોલવાનો વીડિયો વાયરલ: જુઓ સ્કેમર્સ કેવી રીતે કરે છે છેતરપિંડી…

iPhone unboxing fraud: 21મી સદીમાં લોકો ઓનલાઈન ખરીદી કરતા થઈ ગયા છે. કોઈ વસ્તુનો ફોટો અને તેની વિશેષતાઓ જોઈને લોકો તેને ઓર્ડર કરી દે છે. પરંતુ વાસ્તવામાં તે વસ્તુ કેવી છે, એ તે વસ્તુ હાથમાં આવે ત્યારે ખબર પડે છે. જોકે, ઓનલાઈન ખરીદીમાં છેતરપિંડીના કિસ્સાઓ પણ જોવા મળે છે. આપણી પાસે ઓનલાઈન મંગાવેલી વસ્તુનું બોક્સ તો આવે છે, પરંતુ બોક્સમાં મંગાવેલી વસ્તુ હોતી નથી. આવું કઈ રીતે થાય છે તેનો એક વીડિયો સામે આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વીડિયો અન્ય વસ્તુનો નહીં પરંતુ iPhoneનો છે.
iPhoneનું સીલ ખોલવાનો વીડિયો વાયરલ
ઓનલાઈન શોપિંગમાં એવા કેટલાક કિસ્સાઓ જોવા મળ્યા છે. જેમાં વ્યક્તિએ મોબાઈલ મંગાવ્યો હોય, પરંતુ જ્યારે તેનું અનબોક્સિંગ કરવામાં આવે ત્યારે અંદરથી બીજી કોઈ વસ્તુ નીકળે છે. ફ્રોડ કરનાર લોકો કંપનીમાંથી સીલ થઈને આવતા મોબાઈલના બોક્સનું સીલ કેવી રીતે ખોલે છે, તે દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ બોક્સ કોઈ જેવી તેવી કંપનીના મોબાઈલનું નહીં, પરંત iPhoneના બોક્સનું છે.
This viral video shows how do people commit fraud with new phones?
— Sarahh (@Sarahhuniverse) October 27, 2025
© Reddit (gautammobile01) pic.twitter.com/3FCefgvclV
Sarahh નામના એક્સ હેન્ડલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, “આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, લોકો નવા ફોન સાથે કેવી રીતે છેતરપિંડી કરે છે?” આ વીડિયોમાં જોઈ શકાય છે કે, બે બે હથિયારોની મદદથી iPhone 17 Pro Maxના બોક્સનું સીલ ખોલવામાં આવી રહ્યું છે. આ સીલ એટલું બારિકાઈથી ખોલવામાં આવી રહ્યું છે કે, તેમાં કોઈ અન્ય વસ્તુ મુકીને ફરીથી બંધ કરીને મોકલી દો તો સામેવાળી વ્યક્તિને ખબર જ ન પડે કે તેને પહેલા ક્યારેક ખોલવામાં આવ્યું હતું.
મોબાઈલના પેકેજિંગ પર સવાલ
iPhone 17 Pro Maxનો વીડિયો વાયરલ થયા બાદ મોબાઈલ બોક્સના સીલબંધ પેકિંગની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આવી રીતે છેતરપિંડી કરીને કેટલા મોબાઈલ વેચવામાં આવ્યા હશે? એવો યુઝર્સ સવાલ કરી રહ્યા છે. બ્રાંડ્સે પોતાનું પેકેજિંગ અને સલામતી વધારે મજબૂત કરવી જોઈએ. જેથી કોઈ સીલ સાથે છેડછાડ ન કરી શકે, એવી પણ યુઝર્સ સલાહ આપી રહ્યા છે.
જોકે, આ વીડિયો શેર કરનારને કેટલાક લોકો કહીં રહ્યા છે કે, આ રીત બતાવીને તમે અન્ય લોકોને પણ આવું કરવાની પ્રેરણા આપવા માંગો છો? અન્ય એક યુઝરે લખ્યું છે કે, સ્કેમર્સ સતત પોતાના પેકેજિંગની રીતોને અપગ્રેડ કરી રહ્યા છે. આ વાત દર્શાવે છે કે, ફોન ફ્રોડ હવે પહેલા કરતા વધારે ખતરનાક થઈ ગયા છે.
આ પણ વાંચો…સિક્કાઓ ભરેલી બેગ લઇ iPhone-15 ખરીદવા દુકાને પહોંચ્યો ભિખારી, પછી..



