UIDAI લોન્ચ કરશે નવી ‘આધાર’ એપ: ઇન્ટરનેટ વિના પણ થશે વેરિફિકેશન

નવી દિલ્હી: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI), જે ટૂંક સમયમાં નવી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહી છે. આ નવી ‘આધાર’ એપ્લિકેશનની સંપૂર્ણપણે સુરક્ષિત અને પેપરલેસ ચકાસણીની સુવિધા આપશે, જેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઇન્ટરનેટ કનેક્શન વિના પણ કામ કરશે.
એપ્લિકેશનથી સામાન્ય નાગરિકોને તેમની અંગત માહિતી પર સંપૂર્ણ નિયંત્રણ મળશે, જેનાથી ડેટા લીક થવાનો કે તેના દુરુપયોગનો ખતરો મોટા ભાગે ઓછો થઈ જશે, જે ડિજિટલ ઇન્ડિયાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.
આપણ વાચો: ગુજરાતમાં જનગણના – સેન્સસની નવી વેબસાઈટ લોન્ચ થઈ, જાણો શું છે ખાસિયત
UIDAIના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નવી એપ ‘ઓફલાઇન આધાર વેરિફિકેશન’ની અત્યંત મહત્વપૂર્ણ સુવિધા આપશે. આમાં, યુઝર પાસે તેની મરજી મુજબ પૂરી આધાર માહિતી અથવા માત્ર જરૂરી વિગતો જ શેર કરવાની સત્તા રહેશે. આનો અર્થ એ છે કે, જો કોઈ યુઝર માત્ર પોતાનું નામ અને ફોટો શેર કરવા માંગે તો તે પણ કરી શકશે.
સૌથી મોટી વાત એ છે કે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોય તેવા દૂર-દરાજના વિસ્તારોમાં પણ ફેસ રેકગ્નિશન દ્વારા ઓફલાઇન ફેસ વેરિફિકેશન કરી શકાશે, જે પ્રક્રિયાને ઝડપી અને વધુ સુરક્ષિત બનાવશે. એક જ એપથી પરિવારના પાંચ સભ્યો સુધીની આધાર વિગતોનું સંચાલન શક્ય બનશે.
આપણ વાચો: મુંબઈમાં તમામ મેટ્રોની ટિકિટ બુકિંગ એક જ એપ પર, ‘OneTicket’ એપ લોન્ચ
આ નવી આધાર એપનો ઉપયોગ રોજબરોજના કામોમાં સરળતાથી કરી શકાશે, જેમ કે હોટેલમાં ચેક-ઇન, રેસિડેન્શિયલ સોસાયટીમાં એન્ટ્રી, કોઈ કાર્યક્રમ અથવા ઇવેન્ટમાં પ્રવેશ વગેરે. અલબત્ત, કાગળ આધારિત કાર્ડ બતાવ્યા વિના પણ QR કોડ આધારિત ચકાસણી થકી આખી પ્રક્રિયા અત્યંત ઝડપી અને સલામત બનશે.
આ મામલે UIDAIના CEO ભૂવનેશ કુમારે જણાવ્યું કે આ એપ નાગરિકોને તેમની ઓળખ અને ડેટા પર સંપૂર્ણ અધિકાર આપશે. તેનાથી માત્ર ગોપનીયતા જ નહીં વધે, પરંતુ સમગ્ર દેશમાં ઓળખ ચકાસણીની પ્રક્રિયા વધુ સુરક્ષિત, ઝડપી અને અનુકૂળ બની જશે. જોકે, આ એપના લોન્ચની સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના મતે તે ટૂંક સમયમાં જ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થશે.



