આ શુભ મુહૂર્તમાં ભાઈને રાખડી બાંધવાથી મળશે સારુ ફળ, જાણો રક્ષાબંધનની તારીખ અને મુહૂર્ત | મુંબઈ સમાચાર

આ શુભ મુહૂર્તમાં ભાઈને રાખડી બાંધવાથી મળશે સારુ ફળ, જાણો રક્ષાબંધનની તારીખ અને મુહૂર્ત

વર્ષના સૌથી પવિત્ર ગણાતા શ્રાવણ મહિના સાથે તહેવારની સિઝન શરૂ થઈ ચૂકી છે. આ મહિનામાં જ ભાઈ બહેનના પવિત્ર પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના પ્રતિક સમાન રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાએ ઉજવાય છે. આ દિવસે બહેન ભાઈના કાંડે રાખડી બાંધીને તેની લાંબી આયુ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરે છે, જ્યારે ભાઈ બહેનની જીવનભર રક્ષા કરવાનું વચન આપે છે. આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા બે દિવસ રહેવાને કારણે રક્ષાબંધનની તારીખ અને મુહૂર્તને લઈ લોકોમાં થોડી અસમંજસ છે.

રક્ષાબંધન 2025: તિથિ અને મુહૂર્ત

વૈદિક પંચાંગ અનુસાર, શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ 8 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 2:12 વાગ્યે શરૂ થશે અને 9 ઓગસ્ટના બપોરે 1:24 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિના આધારે, રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ, 2025ના રોજ ઉજવાશે. આ દિવસે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે 5:35 વાગ્યાથી બપોરે 1:24 વાગ્યા સુધી રહેશે, જે સૌથી ઉત્તમ સમય ગણાય છે. આ ઉપરાંત, સવારે 4:22થી 5:04 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્ત અને બપોરે 12:17થી 12:53 વાગ્યા સુધી અભિજિત મુહૂર્ત રહેશે, જે પૂજા અને રાખડી બાંધવા માટે શુભ ગણાય છે.

શુભ યોગ અને ચોઘડિયા મુહૂર્ત

રક્ષબંધનના દિવસે ઘણા સારા યોગ અને ચોઘડીયાનું સંયોજન પણ થવાનું છે, જે તેની શુભતા વધારશે. સૌભાગ્ય યોગ 9 ઓગસ્ટ શનિવારે સવારે 4:08 વાગ્યાથી શરૂ થશે ત્યારે એ જ દિવસે રાત્રે 2:15 વાગ્યા સુધી રહેશે, જ્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ 9 ઓગસ્ટના બપોરે 2:23 વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત, ચોઘડિયા મુહૂર્તમાં લાભ કાળ સવારે 10:15થી બપોરે 12:00 વાગ્યા સુધી, અમૃત કાળ બપોરે 1:30થી 3:00 વાગ્યા સુધી અને ચર કાળ સાંજે 4:30થી 6:00 વાગ્યા સુધી રહેશે. આ સમયમાં રાખડી બાંધવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થશે.

ભદ્રા કાળ: શું ધ્યાન રાખવું?

રક્ષાબંધનના દિવસે ભદ્રા કાળ દરમિયાન રાખડી બાંધવી શુભ માનવામાં આવતી નથી. આ વર્ષે ભદ્રા કાળ 8 ઓગસ્ટ શુક્રવારે બપોરે 2:12 વાગ્યાથી શરૂ થશે, જ્યારે તે દિવસે રાત્રે 1:52 સમાપ્ત થશે. આ સમય દરમિયાન રાખડી બાંધવાનું ટાળવું જોઈએ, કારણ કે આ સમય અશુભ ગણાય છે. ભદ્રા કાળ પૂર્ણ થયા બાદ, એટલે કે 9 ઓગસ્ટના સવારે 5:35 વાગ્યાથી રાખડી બાંધવાનું મુહૂર્ત શરૂ થશે, જે શુભ ફળદાયી રહેશે.

રક્ષાબંધનનું મહત્વ

રક્ષાબંધન ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે, જે દેશભરમાં ઉત્સાહ અને શ્રદ્ધાથી ઉજવાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૌપ્રથમ માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી હતી, જેથી ભગવાન વિષ્ણુને પાતાળ લોકમાંથી બૈકુંઠ લઈ જવાનો માર્ગ મળ્યો હતો. આ ઉપરાંત, દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને રાખડી બાંધી હતી, જેનાથી આ તહેવારની પરંપરા શરૂ થઈ. આ દિવસે બહેનો ભાઈના કાંડે રક્ષા સૂત્ર બાંધીને તેમની સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈઓ બહેનોની રક્ષાનું વચન આપે છે.

આપણ વાંચો:  રક્ષાબંધન પર ટ્રાવેલ ટિકિટોનો પણ સેલ! આ પ્લેટફોર્મ પર અડધા ભાવે મળશે બસ, ટ્રેન અને ફ્લાઇટની ટિકિટ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button