દિવાળી બાદ હવે દેવઉઠી એકાદશીની તૈયારી: જાણો ‘તુલસી વિવાહ’ની તારીખ અને મુહૂર્તનો સમય

દિવાળીનો તહેવાર પૂર્ણ થયો જે બાદ હવે આગામી દેવી ઉઠી અગ્યારસના પર્વની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ અગિયારસને દેવ દિવાળી અથવા તુલસી વિવાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. સનાતન ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર ગણવામાં આવે છે અને તેમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે.
નિયમિત તુલસી પૂજનથી ધન, ધાન્ય અને સમૃદ્ધિ મળે છે. હિન્દુ પચાંગ મુજબ કાર્તિક માસની એકદશીએ તુલસી વિવાહનો તહેવાર ઉજવાય છે, જેમાં ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ અને તુલસી માતાનો વિધિપૂર્વક વિવાહ કરાવાય છે. આ પર્વ વૈવાહિક જીવનમાં પ્રેમ અને સુખનું પ્રતીક છે.
વૈદિક પચાંગ અનુસાર કાર્તિક શુક્લ એકાદશી 2 નવેમ્બરે સવારે 07:31 વાગ્યે શરૂ થશે અને ૩ નવેમ્બરે સવારે 05:07 વાગ્યે સમાપ્ત થશે. આથી આ વર્ષે તુલસી વિવાહ 2 નવેમ્બરે ઉજવાશે. આ દિવસે વિધિપૂર્વક પૂજન કરવાથી વિશેષ ફળ મળે છે.

ઘરના આંગણે કે પૂજા સ્થળે તુલસીનો છોડ મૂકીને રંગોળીથી મંડપ સજાવો. તુલસી માતાને બંગળી, ચુંદડી, સાડી અને શૃંગાર સામગ્રી અર્પણ કરો. શાલિગ્રામને તુલસીની જમણી બાજુએ સ્થાપિત કરીને ગંગાજળથી સ્નાન કરાવો.
આપણ વાંચો: ન ધન-વૈભવ, ન ચમક… છતાં આ છે સૌથી અમીર દિવાળી, દંપતીની પૂજાએ શીખવ્યો ભક્તિનો પાઠ…
શાલિગ્રામને ચંદન અને તુલસીને રોલીનો તિલક લગાવો. ફૂલ, મીઠાઈ, શેરડી, પંચામૃત અને સિંઘાડાને ભોગ તરીકે ચઢાવવાનું અનેરું મહત્વ છે. ધૂપ-દીપ પ્રગટાવો અને મંત્રોચ્ચાર સાથે સાત ફેરા કરાવો. અંતે આરતી કરીને પ્રસાદ વહેંચો.
ધાર્મિક માન્યતા પ્રમાણે તુલસી વિવાહ કરવાથી કન્યાદાન કર્યા જેવું પુણ્ય મળે છે અને જીવનના દુઃખો દૂર થાય છે. તુલસીને લક્ષ્મી સ્વરૂપ માનીને વિવાહ કરાવવાથી વૈવાહિક જીવનમાં સુખ, શાંતિ અને પ્રેમ વધે છે. અવિવાહિત કન્યાઓને મનગમતો વર મળે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.
ઉલ્લેખનીય છે કે આ પૂજા દરમિયાન શાલિગ્રામ પર ચોખા ન ચઢાવવા, તેના બદલે તલ કે સફેદ ચંદન વાપરવું. પૂજનમાં શુદ્ધતા અને ભક્તિ મહત્વની છે. આ પર્વ દેવઉઠી એકાદશી પછી ચાતુર્માસના અંતનું પ્રતીક પણ છે, જેથી ઘરે ઘરે આનંદનું વાતાવરણ છવાય છે.



