તુલસી વિવાહમાં તમારા તુલસીના છોડને કેવી રીતે સજાવશો? જાણો સંપૂર્ણ પૂજા વિધિ…

Tulsi Vivah Pooja: હિન્દુ ધર્મમાં તુલસી વિવાહ એક ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ વિધિ છે. દેવઊઠી અગિયારસથી લઈને કારતક મહિનાની પૂનમ સુધી ગમે ત્યારે તુલસી વિવાહનું આયોજન કરી શકાય છે. સામાન્ય રીતે કારતક સુદ બારસથી તુલસી વિવાહના આયોજનની શરૂઆત થઈ જાય છે.
વિધિવત રીતે કરેલી તુલસી વિવાહની પૂજા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા લાવે છે. જેથી આ પૂજાવિધિમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તુલસી વિવાહમાં માતા તુલસીને લગ્ન માટે દુલ્હનની જેમ તથા ભગવાન શાલિગ્રામને વરરાજાની જેમ શણગારવા જરૂરી છે. આ સિવાય પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેના વિશે અહીં માહિતી આપેલી છે.

તુલસી ચોરા અને આંગણાની સજાવટ
તુલસી વિવાહ પહેલા તુલસીના ચોરાની સારી રીતે સફાઈ કરો. તેને ગંગાના જળથી શુદ્ધ કરો. તુલસીના ચોરાને તમે ગાયના છાણ અને માટીથી લેપ કરીને પણ શુદ્ધ કરી શકો છો. તુલસીના ચોરા પર અને ઘરના આંગણામાં સુંદર રંગોળી બનાવો. જો તમારા ઘરની આસપાસ તુલસીનો ચોરો ન હોય, તો તુલસીના ક્યારાને સ્વચ્છ ટેબલ પર મૂકીને ઘરે પણ પૂજા કરી શકાય છે.
તુલસીના ચોરાને પવિત્ર કર્યા બાદ માતા તુલસીને શણાગારવા જરૂરી છે. જેમાં તુલસીના છોડને ચોખાના લોટ, સિંદૂર, હળદર અને હળદરથી સજાવો. છોડ પર સ્વસ્તિક જેવા શુભ ચિહ્નો દોરો. તુલસી માતાને લાલ કે પીળી સાડી અથવા ચુંદડી પહેરાવો. તેમને કાચની બંગડીઓ, બિંદી, માંગ ટીકા, મહેંદી અને કુમકુમ લગાવો. જો શક્ય હોય તો, તુલસી માતા પર નાનો મુગટ અથવા પડદો પણ લગાવી શકાય છે. માતા તુલસીને દુલ્હનની જેમ શણગાર્યા બાદ ભગવાન શાલીગ્રામને શણગારવા માટે તેમને પીળા વસ્ત્રો પહેરાવો. તેમને માળા, તિલક અને ઘરેણાંથી શણગારો.
લગ્ન વિધિ અને પૂજા
તુલસી વિવાહ માટે નાનો મંડપ તૈયાર કરો અને તેને કેળાના પાન, કેરીના પાન અને ફૂલોથી સજાવો. મંડપની મધ્યમાં તુલસી માતા અને ભગવાન શાલીગ્રામને મૂકો. તુલસી વિવાહના શુભ સમયે પૂજા શરૂ કરો. મંત્રો સાથે માળાનું વિનિમય કરો, જે જયમાલા વિધિનું પ્રતીક છે. ભગવાન શાલિગ્રામને તમારા હાથમાં પકડીને તુલસીના છોડની સાત વખત પરિક્રમા કરો. અંતે, આરતી કરો અને તુલસી વિવાહમાં હાજર રહેલા સૌને પ્રસાદનું વિતરણ કરો.



